મેયર, સ્ટે.ચેરમેન, દંડક, શાસક પક્ષ નેતા, મનપાના ઇજનેરો દોડી ગયા
વેધર ઇફેકટને કારણે તિરાડો પડી, છતાં વિશેષ તપાસ હાથ ધરાશે : જયમીન ઠાકર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવાયેલા ટ્રાયેંગલ બ્રિજમાં તિરાડો પડયાના અહેવાલ બહાર આવ્યા બાદ રાજકોટ મનપા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. એક વર્ષ પહેલા જ ખુલ્લા મૂકવામાં આવેલા આ બ્રિજમાં પડેલી તિરાડ અંગે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે એવું જણાવ્યું હતું કે વેધરના કારણે તિરાડો પડી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. છતાં આ અંગે તપાસ કરી ચોક્કસ પગલાં લેવામાં આવશે. જયારે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે એવુ જણાવ્યું હતું કે મનપાએ અત્યાર સુધી બનાવેલા તમામ બ્રિજનું ફિટનેસ સર્ટીફિકેટ જાહેર કરવું જોઇએ.
રાજકોટમાં એક વર્ષ પહેલા જ સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલ ટ્રાયએંગલ બ્રીજમાં છતના ભાગે તિરાડ જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલ ચોકમાં મધ્યે ખીલાસળી બાંધી છત ભરવામાં આવી છે તેવું જણાતાં મીડિયાના પ્રતિનિધિઓ દોડી ગયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓકટોબર ૨૦૨૨માં આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એક જ વર્ષમાં તિરાડો જોવા મળતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યો છે. 100 કરોડથી વધુના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. કામ મોડુ પૂર્ણ થતાં બ્રિજનું લોકાર્પણ કરવામાં પણ રાહ જોવી પડી હતી. બ્રિજના સર્કલના જોઇનટમાં તિરાડો જોવા મળી હતી. જો જોઇન્ટ મૂકવામાં આવ્યા હોય તો ઉપરના ભાગે લોખંડની એંગલો મૂકવી પડે.
પરંતુ વચ્ચેના ભાગમાં એંગલના બદલે તિરાડો જોવા મળી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને જાણ થતાં બ્રિજ નિર્માણ સમયે જે પણ કોન્ટ્રાકટર અને અધિકારીઓને બોલાવી તપાસ કરી આવે અને ક્ષતિ દૂર કરવા તેમજ ટેકનિકલ ખામી હશે તો દૂર કરવા માટે તેમજ જરૂર જણાય તો સ્થળ તપાસ કરી જે પણ કાર્યવાહી જરૂર છે તે કરી ને નિવારણ માટે પગલાં લેવામાં આવશે.
જયમીન ઠાકર વધુમાં જાણવ્યુ હતું કે વેધર ઇફેક્ટને લીધે આ પરિસ્થિતિ ઉભી થઇ છે. જગ્યા રાખવાની હોય તે રાખી ન હોવાથી લાપી અને અસ્તર છૂટા પડી
ગયા છે. આથી બ્રિજને કોઇ ગંભીર નુકશાન થયું નથી.