સારી ઊંઘ કેટલી જરૂરી છે તે આપણે ગયા લેખમાં જોયું. હવે ઊંઘની સમસ્યા અને તેના ઉપાયો જાણીએ
કેવા લોકોને ઊંઘ વેરણ થાય?
1. સમાજથી વિમુખ, ઘરવાળા કંટાળેલા, છૂટાછેડા થયેલ લોકો.
2. દવા, દારૂ કે બંધાણી લોકો.
3. માનસિક બીમારીથી પીડાતા લોકો.
4. નોકરી કે આર્થિક તકલીફ વાળા લોકો.
5. બહેનોને પુરુષો કરતા ઇન્સોમ્નીયાની તકલીફ વધુ જોવા મળે છે.
6. બીમારીથી પીડાતા લોકો.
7. ઉંમર થતા ઊંઘ ઓછી થતી જાય છે.
8. શિફ્ટમાં કામ કરતા કે નાઈટ ડ્યુટી વાળા લોકોને.
અનિદ્રાના દર્દી ન બનવું હોય તો શું કરવું?
1. હમેશા ઊંઘવાનો અને સવારે ઉઠવાનો સમય ફિક્સ રાખો. મને 10 થી 10.30ની વચ્ચે FM પર વિવધભારતી ઉપરથી આવતો છાયાગીતનો પ્રોગ્રામ સાંભળતા સાંભળતા રોજે ઊંઘ આવી જાય છે. જો કોઈ કારણસર આ સમય દરમ્યાન સુવાનું મોડું થાય તો પછી હું ઊંઘી શકતો નથી કે સ્લીપિંગ પીલ્સ લેવી પડે છે. હું ગમે તેટલા વાગે સૂતો હોય તો પણ સવારે પાંચ અને છ વાગ્યાની વચ્ચે અચૂક ઉઠી જાવ છું અને વર્ષોથી આ મારો સુવાનો અને જાગવાનો ક્ર્મ છે. અગાઉ આ જગ્યાએ હું જણાવી ગયો છું અને રિપીટ કરું છું. શરીરને, મગજને, આંતરડાને તમો જે રીતે ટ્રેઈન કરશો કે વાપરશો તે રીતે જ તમારા કહ્યા પ્રમાણે ચાલશે અને સમય થયે તમને એલાર્મ વગાડી તાકીદ કરશે. જેમકે બગાસા આવવાનું ચાલુ થાય કે ઝોકા આવવા લાગે એટલે બધા કામ પડતા મૂકી પોઢી જવું.
2. ઊંઘ ન આવતી હોય તો અમથા અમથા પડખા ફેરવવાને બદલે સારું પુસ્તક વાંચવું, ટી વી જોવું કે પછી સંગીત સાંભળવું.
3. બેડરૂમ બે જ વસ્તુ માટે છે. એક ઊંઘવા માટે અને બીજુ સેક્સ માટે. મોટાભાગના ગુજરાતી પુરુષો ઓફિસમાં સેક્સની અને બેડરૂમમાં શેર બજારની વાતો કરતા હોય છે.
4. રૂમમાં પીસફુલ, કુલ ડાર્ક એટમોસ્ફીયર કે વાતાવરણ રાખવું.
5. સુતા પછી વીસ કે ત્રીસ મિનિટમાં ઊંઘ ન આવે તો અન્ય કામમાં એન્ગેજ થઈ જવું અને ઊંઘ આવે ત્યારે સૂવું.
6. હંમેશા રાત્રીના જમવાનો સમય ફિક્સ રાખવો. મોડા જમશો તો મોડી ઉંઘ આવશે. દાબીને ખાવું હોય તો એકાદ બે કલાક પહેલા ઝાપટી લેવું.
7. રાત્રે કેફી પીણાં, ચા, કોફી કે આલ્કોહોલનો ઉપયોગ કરવો નહીં.
8. જે લોકોને પ્રોસ્ટેટની તકલીફ છે અને રાતના વારંવાર બાથરૂમ કરવા જવું પડતું હોય અને તેના કારણે ઉંઘ ડિસ્ટર્બ થતી હોય તો સાંજના ચાર વાગ્યા બાદ પ્રવાહી લેવાનું ઓછું કરી નાખવું. ચોવીસ કલાકના પાણી પીવાનો ક્વોટા ચાર વાગ્યા પહેલા પૂરું કરી લેવો, મતલબ કે સાંજ સુધીમાં વધુમાં વધુ ચા પાણી પી લેવા.
9. હમેશા નિયમિત કસરત કરવી, કામ કરી થાકી જવું, ટેન્સન ફ્રી માઈન્ડ રાખવું અને ભગવાનનું નામ લેતા ને સારું મ્યુઝિક સાંભળતા સાંભળતા સુઈ જવું, અચૂક દવા વગર ઉંઘ આવી જશે.
10. શ્વાસની દવા, કોર્ટીકોસ્ટીરોઈડ્સ, વાઇની દવા કે કેફીન વાળી દવા બને ત્યાં સુધી રાતના ન લેવી. મેં અમારા ડોક્ટર મિત્રોના પ્રિસ્ક્રિપ્સન જોયા છે જેમાં શ્વાસના દર્દીને ડેરીફાઇલિન ની 300 મિલીગ્રામ ની ગોળી સવાર સાંજ અપાતી હોય. આ જુલ્મ છે. આજકાલ આ દવા નો બહુ ઉપયોગ થતો નથી. શ્વાસમાં ઓછી અસર કરતી આ દવાથી એસીડીટી થાય છે, હ્ર્દયના ધબકારા વધે છે અને નિંદર આવતી નથી. શરદીની દવા માં કેફીન હોય કે ઉધરસની બાટલીમાં એફેડ્રિન કે ટરબ્યુટાલીન નામની દવા હશે તો તમો આખી રાત જાગશો.
ઇન્સોમન્યાના દર્દી છો તો? સારવાર કેમ કરશો?
1. પહેલા તો તમારા શરીરમાં કોઈ બીમારી છે કે નહીં તેનું નિદાન કરાવી સારવાર કરો. તમો માનસિક બીમારીના કે ડિપ્રેસનના દર્દી હો તો એન્ટી ડિપ્રેશનની કે ચિંતા ઓછી થાય તેવી એન્ઝીઓલાયટિક પ્રકારની દવા લો.
2. ફક્ત ઊંઘવું જ છે , ખાલી સ્લીપિંગ પીલ્સ જ જોઈએ છે તો, ઝોલ્ફ્રેસ કે નાઇટ્રેસ્ટ 5 કે 10 મિલીગ્રામની ગોળી જરૂર પ્રમાણે અડધી ગોળી લો. સરસ હેન્ગ ઓવર કે સવારની સુસ્તી વગરની ઉંઘ આવી જશે.
3. થોડું વિચારવાયુ છે, ટેન્સન છે તો એલ્પરેકસ 0.25 કે 0.50 મિલીગ્રામ, ક્લોનેઝેપામ કે 0.25 કે 0.50 મીલીગ્રામ, લૉરાઝેપામ કે એટીવાન 1 કે 2 મિલીગ્રામ. ડાયાઝેપામ કે નાઈટ્રૅઝેપામ 5 કે 10 મિલીગ્રામની ગોળી જરૂર મુજબ લઈ શકાય.
4. ઉપરની દવા મોટી ઉંમરની વૃદ્ધ વ્યક્તિ, પેટમાં બાળક હોય તેવી પ્રેગ્નન્ટ વુમન કે બાળકને પેટ ભરાવતી લેકટેટિંગ વુમન ને આપવી નહીં.
5. આ બધી દવાની ટેવ પડે છે. તો? તો હંમેશા ન લેવી, સમજી વિચારીને ઉપયોગ કરવો.
6. ઊંઘની દવા હોય કે રેચની દવા હોય, દારૂ હોય કે ડોડવા હોય, ચા હોય કે કોફી હોય, ચલમ હોય કે ચુસ્કી હોય બધાની એકવાર ટેવ કે બંધાણ થયા બાદ છુટકારો થતો નથી, માટે જે કાઈ કરો કે જેની પણ ટેવ પાડો એ સમજી વિચારી, પુરાહોંશથી, ટેવ પાડવી કે બંધાણ કરવું. એકવાર ઊંઘની દવાની હેબિટ પડ્યા બાદ દવા વગર નિંદર નહીં આવે તે નહીં જ આવે.
7. એમીટ્રિપ્ટલીન કે ટ્રિપ્ટોમર જેવી એન્ટી ડિપ્રેસન દવાથી પણ ઘણાને નિંદર આવે છે.
8. શરદી કે એલર્જીમાં વપરાતી એન્ટીહીસ્ટામીન પ્રકારની દવા થી પણ ઊંઘ આવે છે પણ લાંબા સમયે નુકસાન કરે. ખજવાળ કે ઇચિંગ માટે લેવાતી ઍટ્રૅક્સ 10 કે 25 મિલીગ્રામ ની એક ગોળી જરૂર પડે ખુજલી અનિદ્રા ની સાથે તકલીફ હોય તો લઈ લેવી.
9. એક્યુપંક્ચર કે રિલેક્સેશન થેરાપી થી ફાયદો થાય.
યાદ રાખો:
1. દવાની ટેવ પાડવી નહીં અને જરૂર પડે ત્યારે જ લેવી
2. કસરત નિયમિત કરવી પણ ઊંઘવાનું હોય એ પહેલા કરવી નહી, ભારે કસરત કે થાકવું નહીં. બને તો સવારે યોગા કે કસરત કરવા.
3. વધુ પ્રમાણ માં ઊંઘની ગોળી પાસે રાખવી નહીં કે ડોકટરે લખી આપવી નહીં, કોઈ વાર એકસાથે બધી ગોળી ખાઈ ને હમેશના માટે સુઈ જવાની ઈચ્છા થઈ આવે.
4. છાંટો પાણી કે ચાપાણીના પ્રોગ્રામ વહેલા પતાવી લેવા. રાત્રે હળવું અને વહેલા જમી લેવું. લેઇટ નાઇટના હેવી સ્નેક્સ ન લેવા.
મેડિકલ સાયન્સ કહે છે કે હાર્ડ ડ્રિન્ક કે આલ્કોહોલ લીધાબાદ ઊંઘ ડિસ્ટર્બ થાય છે. જયારે મારા એક ડોક્ટર મિત્ર અમો કોન્ફ્રન્સમાં જઈએ એટલે રાત્રે મોડા સુધી ઢીંચે કે પીવે અને પછી ઘસઘસાટ નસકોરા બોલવતા ઉંઘી જાય ત્યારે મને પણ થાય કે હું આની જેમ પી શકતો હોત તો?
એક ચોર કોઈના ઘરમાં ઘુસ્યો, ફ્રીઝમાં રાખેલ દારૂની ત્રણ બોટલ ગટગટાવી ગયો. સવારે પોલીસ એને પકડવા આવી ત્યારે એ બેડરૂમમાં સુઈ રહ્યો હતો. કેટલાક કહે છે કે આધ્યાત્મિક થાવ એટલે ઊંઘ માટે દવાદારૂની જરૂર નહીં પડે. પણ ક્યારેક જે કામ દવાથી નથી થતું એ દારૂથી થતું હોય છે.
5. દવા શોર્ટ કે ટૂંકા સમય માટે લેવી, નહિતર એમાંથી છુટકારો નહીં થાય અને હેબિટ પડશે.
6. સારું મ્યુઝિક, શાંત વાતવરણ, ઊંઘતા પહેલા લીધેલ વોર્મ વૉટર બાથ અને સુવાની ઈચ્છા થી હમેશા સાઉન્ડ સ્લીપ આવે છે.
7. ઊંઘવાના સમયે પ્રોબ્લેમ સોલ્વ કરવા ન બેસવું કે દિવસના થયેલ કાર્યોની ભાંજગડમાં પડવું નહીં.
8. વધુ પડતી તંબાકુ કે સ્મોકિંગ કરવાથી ઊંઘ ડિસ્ટર્બ થશે.
કેવી અને કેટલી દવા લેવી
કેટલાક લોકોને ફક્ત 0.25 મિલીગ્રામ ટ્રાઈકાથી ઊંઘ આવી જાય છે, તો મારો એક સ્ટાફ રોજની 0.50 મિલીગ્રામ ની અલપ્રેકસની ત્રણ ગોળી લઈને સૂએ છે. હાલમાં અમેરિકામાં સેટલ થયેલા મારા એક દર્દી રોજે એટીવાન 2 મિલીગ્રામની ગોળી સુતા પહેલા લે છે અને ભારત આવે ત્યારે ગોળીનો પૂરતો જથ્થો લેતા જાય છે. મારા પત્ની જરૂર પડે 5 મિલીગ્રામ ની ઝોલ્ફ્રેસ કે નાઇટ્રેસ્ટ લઈ લે છે અને કોકવાર રાતના પેસન્ટ આવ્યું હોય અને મને ઊંઘ ન આવતી હોય મને પણ અડધી ગોળી આપી સુવડાવી દે છે. કેટલાક લોકો વેલિયમ પાંચ મીલી ગ્રામ તો કોઈ ઝોલ્ફ્રૅશ 10 મિલીગ્રામ રેગ્યુલર લેતા હોય છે. એકવાર ચાલુ કરી એટલે મગજ મીંઢું થાય અને ગોળી લીધા વગર મેળ ન પડે. આર્યુવેદીકમાં અશ્વગંધા, શતાવરી કે શુંખપુષ્પી થી પણ ઉંઘ આવે. દરેકે પોતાને ફાવે તેવી દવા લેવી પણ મારુ માનવું છે કે દવાની ટેવ પાડવી નહીં અને કુદરતી રીતે નેચરલ કોર્ષમાં સુઈ જવાતું હોય તો બેસ્ટ. બેસ્ટ લક ફોર સાઉન્ડ સ્લીપ.
ટોનિક: વિદ્યા પ્રવાસ સમયે મિત્ર છે, પત્ની ઘરસંસારમાં મિત્ર છે, ઔષધ રોગના સમયે મિત્ર છે, ધર્મ મૃત્યુકાળે મિત્ર છે.