જામનગર જિલ્લા પોલીસ વડાની સંઘર્ષભરી કહાની : છ વર્ષમાં ૧૨ સરકારી પરીક્ષાઓ પાસ કરી
મિત્રો, કહે છે ને કે, જ્યારે તમારે કામ કરવાનો ઈરાદો બહુ જ મોટુ કામ કરવાનો હોય અને તમારો દ્રઢ સંકલ્પ પણ સાથે હોય તો તમને લક્ષ્યવેધ કરવામાં કોઈ રોકી શકતું નથી,કાંઈક આવુ જ કરી બતાવ્યુ છે, જામનગર જિલ્લા પોલીસ વડા, આઈપીએસ પ્રેમસુખ ડેલુએ.
રાજસ્થાનના એક નાનકડા ગામમાં જન્મેલા અને ગરીબીમાં ઉછરેલા પ્રેમસુખ ડેલુની સફળતા ગાથા આજે લાખો યુવાનો માટે મિસાલ બની રહી છે. પ્રેમસુખના પપ્પાનું નામ રામધન ડેલુ. માતાનું નામ બુગી દેવી. પ્રેમસુખ ડેલુનો જન્મ 3-4-88ના રોજ થયો હતો. તેઓ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તાલુકાના રાસીસર ગામના રહેવાસી. આવા નાના ગામડામાંથી આવેલા પ્રેમસુખ ડેલુએ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે પહેલીવાર એબીસીડી વાંચી હતી.
ઘરની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે, ઘણીવાર પુસ્તક અને કોપીઓ પણ સમયસર મળતા ન હતાં. પરિવારની આવી સ્થિતિ જોઈને દુ:ખી થયેલા પ્રેમસુખ ડેલુએ ભણીગણીને ઉચ્ચ સરકારી ઓફિસર બનવા નિર્ણય કર્યો. આ નિર્ણય મુજબ તેઓએ 6 વર્ષમાં 12 સરકારી પરીક્ષા પાસ કરી છે!
પ્રેમસુખ ડેલુને 2010માં પહેલીવાર સરકારી નોકરી મળી. તેઓ બિકાનેર જિલ્લામાં તલાટી બની ગયા. કદાચ બીજાકોઈ હોત તો આ નોકરીથી સંતોષ માનત, પરંતુ પ્રેમસુખ ડેલુએ અભ્યાસ અને મહેનત ચાલુ રાખ્યા, તલાટી હોવા છતાં પ્રેમસુખ ડેલુએ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું.
તેમણે ગ્રામસેવક પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં બીજો રેન્ક મેળવ્યો હતો. પરંતુ એ નોકરી સ્વીકારી નહીં. એ દરમિયાન રાજસ્થાન આસિસ્ટન્ટ જેલરની પરીક્ષા આવી તે આપી, તેમાં આખા રાજ્યમાં પ્રથમ રેન્ક હતો. છતાં એ નોકરી ન સ્વીકારી, કારણ એ નોકરી જોઈન કરે તે પહેલા તેમની પસંદગી રાજસ્થાન પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે થઈ હતી. જોકે, આ નોકરી પણ સ્વીકારી ન હતી!2011માં તેમણે બીએડ કર્યું. પછી પ્રાયમરી અને સેકન્ડરી સ્કૂલ ટીચરની પરીક્ષા પણ પાસ કરી.આ રીતે પ્રેમસુખ ડેલુ બિકાનેરના કતરિયા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવવા લાગ્યા.આ પછી તેમણે કોલેજ વ્યાખ્યાતા અને મામલતદાર તરીકેની પરીક્ષા પણ પાસ કરી હતી.આમ છ વર્ષમાં તેમણે 12 સરકારી પરીક્ષા પાસ કરી. સતત મળતી સફળતા છતાં પણ તેઓ મહેનત કરતા રહ્યાં.કારણ કે તેઓ આઈપીએસ ઓફિસર બનવા માંગતા હતાં.
2015માં તેમણે યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા આપી તેમાં તેઓ 170મા રેન્ક સાથે પાસ થયા.પ્રેમસુખનું બાળપણ ગરીબીમાં વિત્યુ, ગરીબી એવી હતી કે, આઠમા ધોરણ સુધી તેમણે પેન્ટ નહીં ચડ્ડી પહેરી હતી! તેમનું ભણતર સરકારી સ્કૂલમાં થયું. તેઓ કહે છે કે, અમારા માતા પિતા ભણેલા ન હતાં, પણ અમને ભણવાની પૂરી તક આપી હતી. બાયોલોજી સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરનારા પ્રેમસુખભાઈ પહેલા તો મેડિકલમાં કેરિયર બનાવવા માંગતા હતાં. આ માટે તેમણે મેડિકલ પ્રવેશની પરીક્ષા આપી હતી. પણ પાસ થયા નહીં, આ પછી તેમણે મહારાજ ગંગાસિંહ યુનિવર્સિટીમાંથી બીએ કર્યુ હતું. તેમણે ઈતિહાસ વિષય રાખ્યો હતો, તેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.તમને યુપીએસસી પરીક્ષાની પ્રેરણા કોણે આપી ? એવુ પુછતા એમણે કહ્યું કે, હું જુદી જુદી પરીક્ષાની તૈયારી કરતો હતો, જોબ પણ ચાલુ હતી, એ દરમિયાન એક સિનિયર ઓફિસરનો સંપર્ક થતા એમની પાસેથી આ પરીક્ષા વિશે મને જાણવા મળ્યું હતું. તમે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી હતી ? તેના જવાબમાં કહ્યું કે, મે જોબ કરતા કરતા સેલ્ફ સ્ટડી કરી હતી. મે ક્યાંય કોચિંગ લીધું ન હતું. ઇન્ટરવ્યુમાં તમને કેવા પ્રશ્નો પુછાયા હતાં. તેઓ કહે છે કે, ઇન્ટરવ્યુમાં મે ધોરણ 12 સાયન્સ કર્યુ હોવાથી તેના વિશે,હું શિક્ષક હોવાથી શિક્ષણ સંબંધી પ્રશ્નો પુછાયા હતાં. ઉપરાંત રાજસ્થાન રાજ્ય ની વિશેષતા વિશે પ્રશ્નો પુછાયા હતાં.પ્રેમસુખ ડેલુના પત્નીનું નામ ભાનુશ્રી છે જ્યારે તેમના મોટાભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. તમે આઈપીએસ બની ગયા પછી પોસ્ટિંગ ક્યાં ક્યાં મળ્યા છે? એવું પુછતા તેના જવાબમાં કહ્યું કે, સાબરકાંઠામાં મારો પ્રોબેશન પિરિયડ હતો. ત્યાંથી અમરેલી એએસપી, ત્યાંથી અમદાવાદ ઝોન 7માં ડીસીપી હતાં. ત્યાંથી એમને જામનગર જિલ્લા પોલીસ વડા બનાવાયા છે.