ફિલ્મ લેખન માટે સલીમ ખાન, જાવેદ અખ્તરને રૂ. ૭૫૦ના પગારથી નિયુક્ત કરાયા હતા
આજથી લગભગ 47 વર્ષો પહેલા ‘શોલે’ રિલીઝ થઈ હતી. આ અગાઉ ‘સીતા ઔર ગીતા’ જેવી હિટ ફિલ્મ આપનાર 26 વર્ષના યુવાન ડાયરેકટર રમેશ સિપ્પી કાંઈક અનોખું, કાંઈક બહુ મોટા પાયા પર કરવા માંગતા હતા. આ સમયે જી.પી.સિપ્પી એક બહુ મોટા ગજાના નિર્માતા તરીકે જાણીતા હતા. તેઓ પણ પોતાના પુત્ર રમેશ સિપ્પીની જેમ એક એવી મલ્ટીસ્ટાર, એક એવી ભવ્ય ફિલ્મ બનાવવા માંગતા હતા કે એવી ફિલ્મ હજી સુધી હિન્દી સિનેમાના ઇતિહાસમાં બની ન હોય. આ માટે તેમને સૌપ્રથમ તો તેમનું આ સપનું બરાબર સાકાર કરી શકે તેવા લેખકની જરૂર હતી. આ સમયે સલીમખાન અને જાવેદ અખ્તર નામના બે લેખકો પણ બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. સિપ્પીએ તેમને રૂપિયા 750ના પગારથી રાખી લીધા હતા!
1973ના માર્ચ મહિનામાં સિપ્પી ફિલ્મ્સની ઓફિસમાં 10 ફૂટના રૂમમાં ચાની કિટલીઓ અને બિયરની બોટલો ખાલી કરતા કરતાં સલીમ જાવેદે પોતાની કેરિયરની અને હિન્દી સિનેમામાં એક માઇલસ્ટોન સમાન બની જનાર આ ફિલ્મની સ્ટોરી લખવાનું શરૂ કર્યું. જેમ જેમ આ સ્ટોરી લખવાનું તેમણે શરૂ કર્યું. તેમ તેમ તેમને પોતાની રિયલ લાઈફમાં આવેલ કેટલાક પાત્રો અને પોતાની જિંદગીમાં બનેલા કેટલાક યાદગાર બનાવો યાદ આવતા ગયા અને તે બધાને કોઈને કોઈ રીતે આ ફિલ્મની વાર્તામાં સાંકળી લેવાંનું નક્કી કર્યું. જેમ કે સલીમખાનના પિતા ચંબલના એક ખૂંખાર ડાકુને ઓળખતા હતા. તેના પરથી ગબ્બરસિંઘનું પાત્ર સર્જવામાં આવ્યું. ચાર્લી ચેપ્લિનની જાણીતી ફિલ્મ ‘ધ ગ્રેટ ડિટેક્ટર’ પરથી અજીબો ગરીબ હરકતો કરતા ‘અંગ્રેજો કે જમાને કે જેલર’નું અસરાનીએ નિભાવેલ પાત્ર સર્જવામાં આવ્યું. ‘શોલે’ ફિલ્મમાં વીરુ (ધર્મેન્દ્ર) માટે લગ્નનું માંગુ લઈને બસંતી (હેમા માલિની)ને ત્યાં તેના મૌસી પાસે જય (અમિતાભ બચ્ચન) જાય છે. એ સમગ્ર સીન કૉમેડીથી ભરપૂર છે. અમિતાભ બચ્ચન આ સમગ્ર દ્રશ્યમાં અને આખા વાર્તાલાપમાં એકદમ ગંભીર રહીને પણ દર્શકોને ખડખડાટ હસાવવામાં સફળ થાય છે. ફિલ્મનો આ સીન જાવેદ અખ્તરની પોતાની જિંદગીના એક મહત્વના પ્રસંગમાંથી લેવામાં આવ્યો હતો. જાવેદ અખ્તરનું માંગુ લઈને આવી જ રીતે સલીમખાન હની ઈરાનીને ત્યાં ગયા હતા. જો કે ફિલ્મમાં આ સીનમાં કોમેડી સર્જવા માટે છેલ્લી લાઈનો બદલી નાખવામાં આવી હતી.
આ ફિલ્મના લીડ રોલ માટે 70ના દર્શકની હિટ જોડી ધર્મેન્દ્ર અને હેમા માલિનીને સાઈન કરવામાં આવ્યા. જો કે ફિલ્મના ‘જય’ના રોલ માટે કોની પસંદગી કરવી તે નક્કી નહોતું થઈ શકતું. આ પાત્ર માટે 6 ફુટ કરતાં પણ લાંબો અને પાતળો અમિતાભ એકદમ પરફેક્ટ ફિટ બેસતો હતો. પરંતુ મુશ્કેલી એ હતી કે આ સમયે અમિતાભ બચ્ચનના નામે એક પછી એક એમ લગાતાર 10 ફ્લોપ ફિલ્મો બોલી રહી હતી. આ ફિલ્મ માટે જે વિતરકો સાથે વાતચીત ચાલતી હતી. તેઓ પણ અમિતાભની આ રોલ માટે પસંદગીનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ આ રોલ માટે શત્રુધ્ન સિન્હાને લેવા માટે સિપ્પીને આગ્રહ કરી રહ્યા હતાં.
આ ફિલ્મ સાથે અનેક મજેદાર કિસ્સાઓ સંકળાયેલા છે. ફિલ્મમાં સંજીવકુમારે કરેલો ઠાકુર બલદેવસિંહનો રોલ પોતે કરશે એવી ધર્મેન્દ્રએ જીદ કરી હતી, પરંતુ ડાયરેક્ટરે તેને સમજાવ્યા હતા કે જો તે વીરુનો રોલ નહિ કરે તો તે રોલ સંજીવકુમાર કરશે અને ફિલ્મમાં હેમા માલિની સાથે રોમાન્સ કરવાનો મોકો તેને મળશે. એ સમયમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીના પ્રેમ સબંધો પૂરબહારમાં ખીલ્યા હતા. જોગાનુજોગ સંજીવકુમાર પણ હેમા માલિનીને ખુબ પસંદ કરતા હતા અને તેમણે હેમા માલિની સાથે લગ્ન કરવા માટે પ્રપોઝ પણ કર્યું હતું. આથી સંજીવકુમાર કોઈ ‘ચાન્સ’ ન લઇ જાય તે માટે ધર્મેન્દ્રએ વીરુનો રોલ સ્વીકારી લીધો હતો.
આ ફિલ્મને લઈને તે સમયે રોજ નવાં નવાં રસપ્રદ કિસ્સાઓ બહાર આવતા હતા. ફિલ્મમાં ગબ્બરસિંઘનું પાત્ર એક ખૂંખાર વિલનનું હોવા છતાં સંજીવકુમાર અને અમિતાભ બચ્ચન બંને આ જ રોલ કરવા ઇચ્છતાં હતા. આ ફિલ્મની સમગ્ર સ્ટોરીમાં ગબ્બરસિંઘનું પાત્ર ખૂબ પાવરફુલ હોવાનું તે સમયે ફિલ્મ સાથે સંકળાયેલ વર્તુળોમાં ચર્ચાતું હતું. આથી આ બંને કલાકારો આ ફિલ્મમાં વિલનનો રોલ હોવા છતાં પણ તે કરવા આગ્રહ રાખતા હતા. જો કે શરૂઆતમાં ગબ્બરસિંઘના આ રોલ માટે ડેનીની પસંદગી કરવામાં આવી હતી અને ફિલ્મના શરૂઆતના ફોટોશૂટમાં અને તે સમયે ફિલ્મી મેગેઝીનોમાં જે તસવીરો પ્રસિદ્ધ થઈ હતી. તેમાં ડેની જ હતા. જો કે આ જ સમયે ફિરોઝખાનની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘ધર્માત્મા’નું શૂટિંગ પણ શરૂ થઈ રહ્યું હતું. ડેની આ ફિલ્મમાં પણ મહત્વના રોલમાં હતા અને આ ફિલ્મ માટે અગાઉથી તેમણે તારીખો ફાળવી દીધી હોવાથી તેના માટે ‘શોલે’માં કામ કરવું મુશ્કેલ થઈ ગયું અને તેમણે ‘શોલે’ છોડવી પડી. આ સમયે સલીમ જાવેદે તે સમયે નાટકોમાં કામ કરતા અમજદખાનને એક નાટકમાં જોયા હતા. તેમને ગબ્બરસિંઘના રોલ માટે અમજદખાન યોગ્ય લાગતા તેમણે સિપ્પીને તેમનું નામ સૂચવ્યું. આમ ગબ્બરસિંઘના પાત્ર માટે આ ફિલ્મમાં અમજદખાનની એન્ટ્રી થઈ.
ફિલ્મની મોટાભાગની સ્ટોરી જયાં આકાર લે છે તે ‘રામગઢ’ ગામ માટે બેંગ્લોરથી થોડે દૂર આવેલ જગ્યા પસંદ કરવામાં આવી. આ જગ્યા બાકી બધી રીતે એકદમ અનુકૂળ હતી. પરંતુ તેમાં સૌથી મોટી પરેશાની એ હતી કે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ સડક નહોતી અને રસ્તો બહુ ખરાબ હતો. આથી સિપ્પીએ પહેલા તો પોતાના ખર્ચે બેંગ્લોર હાઇવેથી રામગઢ સુધીનો પાકો રસ્તો બનાવડાવ્યો. આ ઉપરાંત, અનેક માઈલો સુધી ક્યાંય ટેલિફોન કનેક્શન નહોતા તેની લાઈન પણ રામગઢ સુધી ખેંચાડી. સિપ્પીએ ગામની સિકલ સાવ ફેરવી નાખી અને ઠાકુરની હવેલી, મંદિર, મસ્જિદ અને બજારો સાથેનું ફિલ્મની ડિમાન્ડ પ્રમાણેનું રામગઢ તૈયાર કરી નાખ્યું.
આ ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો અને અન્ય કસબીઓની સંખ્યા એટલી વિશાળ હતી કે 1973ના ઓક્ટોબર મહિનામાં તો એવું લાગી રહ્યું હતું. કે જાણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઇ છોડીને બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ હોય. આટલો મોટો કાફલો હોવા છતાં અને આટલા મોટા પાયા પર ફિલ્મ બનતી હોવા છતાં જી પી સિપ્પી અને રમેશ સિપ્પીએ તમામ નાનામાં નાની વાતોમાં પરફેક્શન આવે તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. તેઓ આ ફિલ્મ એક વિશાળ ફલક પર બનાવવા અને ફિલ્મ જોતી વખતે કોઈ હોલિવુડની ફિલ્મ જોતા હોય તેવું દર્શકોને લાગે તેવું ઇચ્છતા હતા, આથી તેઓએ નક્કી કર્યું કે ફિલ્મને 70mm પર શૂટ કરવામાં આવે. પરંતુ એ સમયમાં આ વાત એટલી સહેલી નહોતી. 70mm પર ફિલ્મ શૂટ કરવી હોય તો તેના માટે વિદેશથી ખાસ કેમેરા મંગાવવા પડે, જે ઘણું મુશ્કેલ હતું. આથી તેઓ આ સમસ્યા કેવી રીતે ઉકેલવી તેનો ઉકેલ શોધવા લાગ્યા. દરમ્યાન, ફિલ્મના સિનેમેટોગ્રાફર દિવેચાએ એક બહુ સરસ આઈડિયા બતાવ્યો. તેમણે આ ફિલ્મ 35mm માં જ શૂટ કરવાનું નક્કી કર્યું અને દરેક સીન બે વાર શૂટ કરીને બંનેને જોડીને 70mmમાં કન્વર્ટ કરવાનું નક્કી કર્યું.
શોલે બનાવવામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો. સાડા ચારસો જેટલી શિફ્ટમાં કામ કર્યા પછી આ ફિલ્મ પૂરી થઇ. ફિલ્મનો ઓરીજીનલ અંત એવી રીતે ફિલ્માવવામાં આવ્યો હતો કે ઠાકુર પોતાના ખીલાવાળા બૂટથી ગબ્બરને મોતને ઘાટ ઉતારે છે. પરંતુ સેન્સર બોર્ડે આ સીન પાસ નહિ કરતાં ફિલ્મનો અંત બદલવામાં આવ્યો હતો.
હિન્દી સિનેમાની એક સૌથી સફળ ફિલ્મ તરીકે ઇતિહાસમાં સ્થાન પામનારી ફિલ્મ બનવા છતાં શોલે ને તે વર્ષે ફક્ત એક જ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તે પણ બેસ્ટ એડીટીંગ કેટેગરીમાં એમ.એસ.શિંદેને મળ્યો હતો. બાકીના મહત્વના મોટાભાગના એવોર્ડ અમિતાભ બચ્ચન અને શશી કપૂરની ફિલ્મ ‘દીવાર’ને મળ્યા હતા.
‘શોલે’ કેટલી જબ્બર સુપર ડુપર હીટ રહી હતી. તેનો અંદાજ એ વાત પરથી આવી શકશે કે, આ ફિલ્મ દેશના ૧૦૦ જેટલા સિનેમાઘરોમાં લગાતાર ૨૫ અઠવાડિયા સુધી ચાલુ રહીને સિલ્વર જ્યુબીલી ઉજવી હતી અને આ પ્રકારે ભારતીય સિનેમાની સૌપ્રથમ ફિલ્મ હોવાનું બહુમાન પણ તેને પ્રાપ્ત થયું છે.(tusharraja1964@gmail.com)