ખુલ્લા પ્લોટ કે રોડ પર ઉભા થયેલા સ્ટોલમાં ત્રણ બાજુ અને ઉપર છાપરુ નાખવા સહિતના નિયમોનું પાલન કર્યા વગર જોખમી ધંધા સામે મનપાની ફાયર બ્રિગેડ શાખાની ગુનાહિત બેદરકારી કે પછી ટેબલ નીચેનો વહીવટ?
ફટાકડાના વેપાર માટે ફાયર બ્રિગેડના 32થી વધુ નિયમોનું પાલન કરવુ પડે છે અને તો જ લાયસન્સ મળે છે. રાજકોટ મનપાની ફાયરબ્રિગેડ શાખામાં એન.ઓ.સી. માટે જે અરજી આવી છે તેનો આંકડો જોતા ઘેરુ આશ્ચર્ય સર્જાયુ છે. દીવાળી પુર્વે અત્યારથી જ ઠેકઠેકાણે ફટાકડાના સ્ટોલ ચાલુ થઇ ગયા છે પરંતુ માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ લાયસન્સ(એન.ઓ.સી.) માટે અરજી આવી છે. તેનો સીધો મતલબ એ થાય કે શહેરમાં અનેક જગ્યાએ અને ખાસ કરીને સ્કુલ, હોસ્પિટલ, પેટ્રોલ પમ્પ જેવા સંવેદનશીલ સ્થળ અને જ્યા વધુ પ્રમાણમાં માણસોની અવરજવર રહેતી હોય તેવા વિસ્તારમાં સ્ફોટક અને જોખમી ધંધો બેખૌફ અને ખુલ્લેઆમ થવાનો છે.
કે જ્યા એક નાની એવી ચિંગારી જ્વાળામુખીની જેમ આગ પ્રસરાવે એવી દહેશત છે.
ફટાકડાના વેપાર માટેની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં સૌ પ્રથમ પોલીસ સ્ટેશનમાં લાયસન્સ માટે અરજી કરવી પડે છે. એ પછી ફાયર બ્રિગેડ શાખાનું એન.ઓ.સી. જરૂરી છે. ધંધાના સ્થળે ફાયરના નિયમોનું પાલન થતુ હોય તો જ એન.ઓ.સી. મળે છે. રાજકોટમાં આ નિયમ માત્ર કાગળ પર જ રહે છે. આ વર્ષે પણ આ સીલસીલો ચાલુ રહ્યો છે.
દીવાળી પહેલા અત્યારથી જ મોટાભાગના વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ ચાલુ થઇ ગયા છે. સેંકડોની સંખ્યામાં આવા સ્ટોલ છે. તેમાથી મોટાભાગના ફાયર એન.ઓ.સી.(લાયસન્સ) વગરના છે.
બીજુ એ કે, ફાયર સેફ્ટીના નિયમ મુજબ ચોક્કસ જોખમી અને સંવેદનશીલ જગ્યાએ કોઇપણ કાળે ફટાકડાના સ્ટોલની મંજૂરી મળે જ નહીં. જેમ કે, હોસ્પિટલ, શાળા-કોલેજ, પેટ્રોલ પમ્પ, મુખ્ય ચોક વિસ્તારમાં ફટાકડાનું વેંચાણ કરવા પર પ્રતિબંધ છે. પરંતુ રાજકોટમાં ખુલ્લેઆમ આવી જગ્યાએ ફટાકડાના સ્ટોલ ખુલી ગયા હોય અને એ સિવાયના એન.ઓ.સી. માટેના નિયમોનું પાલન થતુ ન હોય તેવો પર્દાફાશ અગ્ર ગુજરાતે સચિત્ર કર્યો છે.