જીલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના નેતૃત્વમાં પ્રથમવાર મોટાપાયે ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશની વ્યાપક કામગીરીને લોકોએ આવકારી
જીલ્લામાં અત્યાર સુધીમાં ધાર્મિક, કોમર્શીયલ અને રહેણાંકના સેંકડો બાંધકામો દુર થતા રૂ.27.50 કરોડની સરકારી જમીન ખુલ્લી થઈ
ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા ધાર્મીક, કોમર્શીયલ અને રહેણાંકના દબાણોને હટાવવા જીલ્લા કલેકટરની સીધી સુચના હેઠળ વહીવટી તંત્રએ કમમર કસી કામગીરી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 1.72 લાખ ચો. મીટર સરકારી જમીનો પરના દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળતા અંદાજે રૂ.27.50 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી સરકારી જમીનો ખુલ્લી થઈ છે. તો આ ઝુંબેશમાં તંત્રને સામેથી સહકાર આપી દબાણ હટાવનાર સંસ્થાના પ્રતિનિધિઓનું કલેકટર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યુ છે.
ગીર સોમનાથ જીલ્લામાં ઠેકઠેકાણે રાજકીય અને સામાજીક ઓથ હેઠળ લાંબા સમયથી બેફામ દબાણો ખડકાયેલા છે. જેને દુર કરવાની અત્યાર સુધી કોઈ અધિકારીએ હિંમત કરી નથી. ત્યારે ચાર મહિનાથી જીલ્લાનો કાર્યભાર સાંભળનાર જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આવા દબાણો સામે પુર્ણ અભ્યાસ કરીને થોડા દિવસોથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પર ગેરકાયદેસર રીતે ઉભા થયેલા દરગાહ, મંદિરો સહિતના દબાણો દુર કરીને રૂ.3.5 કરોડની બજાર કિંમતની 8 હજાર ચો. મી. સરકારી જગ્યા ખુલ્લી કરાવી છે. આ કામગીરી દરમ્યાન અનેક મંદિર અને દરગાહના કર્તાહર્તાઓએ સ્વચેછાએ દબાણો દુર કરીને તંત્રને સહયોગ આપ્યો છે.
આ ઉપરાંત પ્રખ્યાત જમજીર ધોધ આસપાસની 35 એકર જગ્યામાં મોટું દબાણ હતુ જેને દુર કરાવી ત્યાં સરકારની સુચના મુજબ ટુરીઝમ પોઈન્ટ વિકસાવવા આયોજન કર્યુ છે. વેરાવળમાં જલારામ નગરમાં ઓવરબ્રીજના સર્વિસ રોડ બનાવવાને નડતરરૂપ દુકાનો સહિતના દબાણો, ઈણાજ અને ઉમરેઠી પાસે વરસાદી પાણીના વહેણને અવરોધતા અનેક કોમર્શીયલ અને રહેણાંક દબાણો મોટપાયે હતા. જે તમામને દુર કરવામાં આવ્યા છે. ઘુસીયા ગામના પાટીયા પાસે રોડની બંન્ને સાઈડ મોટાપાયે દબાણો ખડકાયેલા જે દુર કરાવી અંદાજે 5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી છે. આમ આ ઝુંબેશ હેઠળ અંદાજે રૂ.27.50 કરોડની બજાર કિંમતની કુલ 1,72,179 ચો.મી. સરકારી જમીન ઉપરથી દબાણો હટાવી ખુલ્લી કરાવી છે.
અત્રે નોંધનીય છે કે, આ દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન અનેક સ્થળોએ સરકારી જગ્યાઓ ઉપર મંદિરો-દરગાહ જેવા ધાર્મિક દબાણો પણ ધ્યાને આવ્યા હતા. જે તમામને દુર કરવા જે તે ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સહયોગ આપવા વહીવટી તંત્ર દ્વારા સમજાવવામાં આવ્યા હતા. જેથી આ સંસ્થાઓએ સ્વયં ધાર્મીક દબાણો હટાવી લઈ તંત્રને સહયોગ આપતા તમામ સંસ્થાના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યુ છે. આ દબાણ હટાવ ઝુંબેશની કામગીરી આગળ પણ ચાલુ રહેનાર હોવાનું કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે.