સોમનાથ સાનિધ્યમાં ગુજરાત ભરના 100 થી વધુ બાર એસો.ના હોદેદારોની અગત્યની બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેકશન એકટનો અમલ કરાવવાની સાથે ગુજરાત બાર એસો.ની નિતી રિતી સામે સવાલો ઉઠાવી રણશીંગુ ફુક્યું હોય તેમ વકીલોના હિતો માટે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના નામના નવા સંગઠનની જાહેરાત સાથે રચના કરવામાં આવી હતી. આગામી દિવસો આવી જ બાર એસો.ના હોદેદારોની બેઠક નડીયાદ ખાતે કરવાનું નક્કી કરાયેલ છે.
અગાઉ નર્મદા, અંબાજી બાદ સોમનાથ ખાતે ગુજરાતભરના બાર એસો.ના પ્રમુખ- સેક્રેટરી સહિતના હોદેદારોની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્વ સર્વે ઉપસ્થિત એડવોકેટ મિત્રોએ સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી પૂજા અર્ચના કરીને ધ્વજા ચડાવી હતી. બાદમાં સાગર દર્શન ખાતે શરૂ થયેલ બેઠકમાં ગુજરાતભરના 100 થી વધુ બાર એસો.ના હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા. આ બેઠકમાં એડવોકેટ મિત્રોને લગતા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં વકીલ મિત્રો પર વધતા જતા હિંસક હુમલા મુદ્દે એડવોકેટ પ્રોટેક્શન એકટ બિલ વિધાનસભામાં વ્હેલીતકે લાવીને પાસ કરાવી અમલમાં લાવવા અંગે સરકાર સમક્ષ રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજુઆત કરવાનો નિર્ણય કરાયો હોવાનું વેરાવળ બાર એસો.ના પ્રમુખ સુર્યકાન્ત સવાણી જણાવ્યુ હતુ.
આ અંગે હાઈકોર્ટ વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તથા નર્મદા બાર એસો.ના પ્રમુખ વંદનાબેન ભટ્ટએ જણાવેલ કે, વકીલોની માતૃસંસ્થા ગુજરાત બાર એસો. પાસે વેરાવળ બાર એસો.ના પ્રમુખ સૂર્યકાન્ત સવાણી દ્વારા હિસાબ માગવામાં આવેલ હતો. જેને લઈ ગુજરાત બાર એસો. દ્વારા નોટીસ પાઠવી દબાવવાનો પ્રયત્ન કર્યો છે. જે બરાબર ન કહેવાય એટલે આ મુદ્દે તમામ બાર એસો. ગુજરાત બાર એસો.ને લેખીત રજુઆત કરી નોટીસ પરત ખેંચવાની માંગ કરશે અને તેમ છતાં તા.27 સુધીમાં નોટીસ પરત નહીં ખેંચાય તો ગુજરાત બાર એસો.ની આગામી દિવસોમાં મળનાર બેઠકમાં અમારા બાર એસો.ના હોદેદારો ભાગ નહીં લેશે.
વધુમાં બેઠકમાં ગુજરાત બાર એસો.ની નિતી રિતી સામે રોષ જોવા મળેલ હતો. જેને લઈ વકીલ મિત્રોના હિતોની રક્ષા માટે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન નામના સંગઠનની જાહેરાત કરી રચના કરવામાં આવી હતી. જયારે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેર કાયદાઓ વકીલ વિરોધી હોવાનો સુર વ્યક્ત કરી વિરોધ દર્શાવી તેમાં સુધારો કરવા માંગ ઉઠી હતી.