મનપાના સત્તાવાર રિપોર્ટમાં શરમજનક વહિવટી તંત્રની પોલ ખૂલી : ભ્રષ્ટાચારના ભયંકર ગાબડાં
રાજકોટ મનપાનું તંત્ર એટલી હદે શડીયલ થઇ ગયું છે કે રસ્તાના નામે લોટ, પાણીને લાકડાંનો વહિવટ ચાલે છે. શહેરના ૬૦ રાજમાર્ગોનો મનપાએ સર્વે કરી કેટલાક ગાબડાં છે જે રીપેર કરવા પડે તેમ છે તેની વિગતનો રિપોર્ટ બહાર પાડયો છે. આ રિપોર્ટમાં રાજકોટમાં ૧૨ હજાર ખાડાઓ બુરવા લાયક હોવાનું ખુદ મનપા તંત્રના રિપોર્ટમાં જાહેર થયું છે. રાજકોટમાં તંત્રના મતે ભારે વરસાદથી અન દેખીતી રીતે નબળા કામથી મનપાએ મુખ્ય આશરે ૬૦ રાજમાર્ગોનો સર્વે કરાવતા તેમાં ૧૨,૦૦૦થી વધુ ખાડાઓ પડયાનો સત્તાવાર રીપોર્ટ આજે ઇજનેરી સૂત્રોએ જાહેર કર્યો છે. પ્રજાની કમનસીબી એ છે કે રાજકોટમાં ગત ત્રણ વર્ષમાં રૂ.૨૯પ કરોડ રસ્તાકામમાં પ્રજાની તિજોરીમાંથી ખર્ચાયા છે છતાં એક સારો રસ્તો શોધવો મુશ્કેલ છે.
સિટી એન્જીનિયરોએ જણાવ્યા મુજબ સાતમ-આઠમ પર ભારે વરસાદ પછી ગત ચાર-પાંચ દિવસથી સર્વે હાથ ધરાયો હતો. જેના પ્રાથમિક અહેવાલ મુજબ કુલ ૨૦૭૫ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી શહેરના ગૌરવપથ કાલાવડ રોડ સહિતના કુલ 3૨.૮૪ કિ.મી.ના રસ્તા જર્જરિત થઇ ગયા છે અને મનપાને રૂ.૫૭ કરોડનું નુકશાન થયું છે. વેસ્ટઝોન અને ઇસ્ટઝોનમાં ખાડાનું પ્રમાણ વધારે છે. આ રસ્તાની હવે જેટ પેચરથી એટલે કે કોલ્ડ મિકસથી મરમ્મત હાથ ધરાશે. આ પધ્ધતિ ખાસ કરીને રસ્તા ભેજયુકત હોય ત્યારે તેને ડ્રાઇ કરીને ડામરને ગરમ કર્યા વગર પાથરીને મરમ્મત કરાવવા વપરાય છે. ગંભીર વાત એ છે કે જે રસ્તા કામ માટે પાંચ વર્ષની ગેરેંટી લેવાઇ હતી તેવા ૪૦૦ મીટરના રસ્તામાં પણ ખાડા પડી ગયા છે. હવે ગેરેંટીના નામ પર એજન્સીના ખર્ચે તે રિપેર કરાવાશે. પરંતુ તેનાથી પ્રજાને કોઇ રાહત નથી. કારણ કે આ ખાડા પરથી પસાર થઇને જે વેદના ભોગવી તેનું વળતર પ્રજાને ચૂકવાશે નહી. એજન્સીને બ્લેકલીસ્ટ કરાશે નહી. જવાબદાર અધિકારીનો ખુલાસો પણ પુછાશે નહી.
રસ્તાનું આ નુકશાન કેટલું વ્યાપક છે. તેનો અંદાજ એ પરથી આવે કે ૧૨૦૦૦ ખાડાથી શહેરના લગભગ તમામ મુખ્ય રાજમાર્ગો જ પાંચ કિ.મી.ના કાલાવડ રોડ પર પચાર ખાડાથી આખો રસ્તો જ જોખમી બની જાય છે. આ રીતે આ બાર હજારથી વધુ ખાડાઓના કારણે રાજકોટમાં કોઇ રસ્તા સારા રહ્યા નથી. મહાપાલિકાને વરસાદથી રસ્તાનું નુકશાન રૂ.૫૭ કરોડ અંદાજાયું છે અને તે રકમ મેળવવા સરકાર પાસે ગ્રાન્ટ મંગાશે પરંતુ બીજી તરફ પ્રજાજનોને આ રસ્તા પર ટુ વ્હીલરો ખાબકતાં કમ્મરના દુ:ખાવા સહિત ઓર્થોપેડીક સારવાર કરાવવી પડી છે અને ટાયર સહિત વાહનોને નુકશાન થયું છે તે અબજો રૂપિયાનું છે અને તેનો કોઇ સર્વે નથી, કારણ કે સરકાર તેમાં કોઇ જ રાહત આપવાની નથી.