આબોહવા પરિવર્તનની અસરો હવે સમગ્ર વિશ્વમાં વધુને વધુ દેખાઈ રહી છે. આ દરમિયાન યુરોપની ક્લાઈમેટ ચેન્જ એજન્સી કોપરનિકસે ડરામણો અંદાજ જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું છે કે વર્ષ 2024 વિશ્વના ઈતિહાસમાં સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે. એજન્સીએ કહ્યું કે તે લગભગ નિશ્ચિત છે કે 2024 રેકોર્ડ પર સૌથી ગરમ વર્ષ હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવુ પ્રથમ વખત હશે જ્યારે સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હશે.
નવેમ્બર ગરમ રહ્યો
એજન્સીએ જણાવ્યું કે આ વર્ષે ઈતિહાસમાં બીજો સૌથી ગરમ મહિનો નવેમ્બર નોંધવામાં આવ્યો છે. નવેમ્બર 2023 હજુ પણ ઇતિહાસમાં સૌથી વધારે ગરમ નવેમ્બર રહ્યો છે. આ વખતે નવેમ્બરમાં સપાટીનું હવાનું તાપમાન 14.10 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1991થી 2020ના સરેરાશ તાપમાન કરતાં 0.73 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
નવેમ્બરમાં જ બન્યા રેકોર્ડ
- ગ્લોબલ વોર્મિંગ સંબંધિત અન્ય અનિચ્છનીય રેકોર્ડ પણ નવેમ્બરમાં જ બન્યા છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમયના સ્તર કરતાં 1.62 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે. કોપરનિકસ એજન્સીના જણાવ્યા અનુસાર છેલ્લા 17 મહિનામાં આ 16મો મહિનો છે જ્યારે સરેરાશ વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમયના સ્તર કરતા 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
- ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 1901 પછી ભારત માટે આ બીજો સૌથી ગરમ નવેમ્બર રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 29.37 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં 0.62 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.
- જો આપણે 2024 માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીના સમયગાળા વિશે વાત કરીએ તો સરેરાશ વૈશ્વિક તાપમાન 1991-2020 ના તાપમાન કરતા લગભગ 0.72 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે. જ્યારે જાન્યુઆરી-નવેમ્બર 2023ની તુલનામાં આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન તાપમાન 0.14 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
1.50 ડિગ્રી સેલ્સિયસ વધારે થવાની સંભાવના
યુરોપીયન એજન્સીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 2023નું તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં 1.48 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, તેથી તે લગભગ નિશ્ચિત છે કે 2024માં વાર્ષિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હશે.