પાલીકાની પ્રીમોન્સૂનની કામગીરી કાગળ પર થઈ હોવાની સાબિતી આપતી પ્ર.પાટણની પાંચેક સોસાયટીઓની હાલત
પાંચેય સોસાયટીના રહીશોમાં પાલીકા તંત્ર અને પદાધિકારીઓ સામે ભારે રોષ
વેરાવળના પ્રભાસપાટણ વિસ્તારની પાંચેક સોસાયટીમાં રહેતા 25 હજારથી વધુ લોકો પાલીકા તંત્રના પાપે નર્કગાર જેવી પરિસ્થિતિમાં રહેવા મજબુર બન્યા છે. તો આ પાંચેય સોસાયટીની મુખ્ય ગટરની સફાઈ પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત કરાઈ હોવાનો પાલીકા દાવો કરી રહ્યુ છે. જયારે વાસ્તવિક આ ગટર આજે પણ જામ જેવી પરિસ્થિતિમાં જોવા મળે છે. જે પાલીકાની પ્રીમોન્સૂન કામગીરી કાગળ પર થતી હોવાની પ્રતિતિ લોકોને કરાવી રહી છે.
પ્રભાસપાટણના ગુલાબ નગર, શાંતિનગર સહિત પાંચથી વધુ સોસાયટી વિસ્તારમાં 25 હજારથી વધુ નાગરીકો વસવાટ કરે છે. આ તમામ વિસ્તારોની જ્યારે અમોએ મુલાકાત લીધી ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરાયેલ પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓનો પર્દાફાશ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા. ત્યારે આ વિસ્તારની નર્કગાર પરિસ્થિતિ અંગે સ્થાનીક નૂરભાઈ ગોવાલ, આસિફ ગોહેલ, અસરફભાઈ ગોહેલ, આમદભાઈ ભાદરકા, મમદભાઈ મોઠિયાના જણાવ્યા મુજબ અમારી સોસાયટીઓની પાણીના નિકાલ માટેની મુખ્ય ગટર આજે પણ ગંદકી ખડબદતી જામ હાલતમાં છે. જો કે પાલિકા તંત્ર દાવો કરી રહ્યુ છે કે પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત આ ગટરની સફાઈ કરી છે પરંતુ આ ગટરની સ્થિતિ જ કહી રહી છે કે પાલિકા તંત્રએ કામગીરી તો કરી છે પરંતુ માત્ર કાગળ પર કરી છે. આ મુખ્ય ગટરની યોગ્ય સફાઈ ન થવાને કારણે અહીં વરસાદી પાણીનો નિકાલ થતું નથી અને સામાન્ય વરસાદમાં પણ ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર ભરાય જાય છે. આ ગંદા પાણી બે-ત્રણ દિવસ સુધી રોડ પર યથાવત રહેતા હોવાથી બાળકોને સ્કુલે, મહિલાઓ અને લોકો કામકાજ અર્થે ઘરની બહાર નીકળે ત્યારે ફરજીયાત ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ મુશ્કેલી આજકાલની નહીં વર્ષો જુની હોવા છતાં તેનો કોઈ ઉકેલ પાલીકા લાવતું ન હોવાથી હજારો લોકોને નર્કગાર જેવી સ્થિતિમાં પાલીકાના પાપે રહેવા મજબુર છે. અમારી સોસાયટીના વિસ્તારો લાવરીશ હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો હોવા છતાં પાલીકા તંત્રના પેટનું પાણી હલી રહ્યુ નથી.
આ અંગે ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ આ સોસાયટી વિસ્તારો ની મુખ્ય ગટરની ખુબ સારી સફાઈ કર્યાનો દાવો કર્યો હતો. જેથી આ વિસ્તારની ગટર હજુ પણ જામ હોવાનું જણાવતા બચાવની મુદ્રામાં આવીને કહેલ કે, કામગીરી હજુ ચાલુ છે અને જો વધુ પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે તો ચાલુ વરસાદે પણ કામગીરી કરીશુ. આમ પાલીકાના મુખ્ય અધિકારી જ કામગીરીની હવામાં વાતો કરતા હોય તેવા જવાબો આપી રહ્યા છે જેથી સમજી શકાય કે શહેરમાં કેવી પ્રીમોન્સૂન કામગીરી થઈ હશે.
અત્રે નોંધનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા 50 લાખથી વધુના ખર્ચે પ્રીમોનસુન કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ પ્રતિવર્ષની જેમ આ વખતે પણ પ્રિમોન્સૂન કામગીરી ભ્રષ્ટાચારનું જ મોટું માધ્યમ હોય તેમ માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોવાનો પુરાવો પ્રભાસપાટણમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અહીંના સ્થાનિક ને નર્કાગારમાંથી કયારે છુટકારો મળશે તે જોવું રહ્યું.