ગીર સોમનાથ જીલ્લામાં સ્કુલ રીક્ષાના પાસીંગ પરમીટમાં રહેલી વિસંગતાઓ દુર કરવાની માંગ કરતું આવેદનપત્ર રીક્ષા ચાલકોએ પાઠવ્યુ
ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ સોમનાથ જોડિયા શહેરમાં આજથી સ્કૂલ વાહનચાલકો અનિશ્ચિત મુદ્દતની હળતાળ પર ઉતર્યા છે. અંદાજે 250થી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલરીક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. રીક્ષા ચાલક એસો. ની માંગ છે કે, જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ફરજ પડશે. સ્કૂલ વર્ધીના વાહનોનાં પૈડા થંભી જતાં વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલમાં મૂકવા જવું પડ્યું હતું.
વેરાવળ સોમનાથ સદભાવના સ્કૂલ રીક્ષા એસોસિએશન ના પ્રમુખ મહમદ રાઠોડે આ મુદ્દે જણાવ્યું હતું કે, વેરાવળ સહિતના જીલ્લાના શહેરોમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સ્કુલ રીક્ષા ઉપર નભી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથની શાળાઓમાં ચાલતી મોટાભાગની રીક્ષાઓ બજાજ, અતુલ, મહિન્દ્રા અને ટીઆગો કંપનીના છે જેમાં સીટીંગ વ્યવસ્થા સાનુકુળ છે. ત્યારે આ તમામ રીક્ષાઓને અમુક તાલુકામાં 5+1 નું પરમીટ આપવામાં આવેલ છે જ્યારે ગીર સોમનાથમાં આવી જ રીક્ષાઓને 3+1 નું પરમીટ આપેલ છે. ત્યારે એક જ રાજ્યમાં આવી વિસંગતાઓ કેમ ? આવી વિસંગતાઓને દુર કરીને ગીર સોમનાથમાં પણ સ્કુલ રીક્ષાઓમાં 5+1 સીટીંગની પરમીટ આપવામાં આવે તેવી માંગણી છે.
ગીર સોમનાથ જીલ્લાની શાળાઓમાં ચાલતી ઓટો રીક્ષાઓની પરમીટ ક્ષમતા કરતા ઓછી પરમીટ હોવાનો મુદો સામે આવ્યો છે. જેને લઈ ગુજરાત રીક્ષા ફેડરેશન અને વેરાવળ સ્કુલ રીક્ષા વેલ્ફેર સંસ્થા દ્વારા વાહન વ્યવહાર મંત્રી અને જીલ્લા આરટીઓ અધિકારીને લેખીત રજુઆત કરીને પરમીટમાં રહેલી વિસંગતાઓ દુર કરીને તમામ રીક્ષાઓમાં સીટીંગ મુજબ 5+1 ની પરમીટ કરી આપવા માંગણી કરી છે. સ્કુલ રીક્ષા ચાલકોની સંસ્થાઓએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, આમ કરવાથી હજારો રીક્ષા ચાલકોના પરીવાર ઉપર બેરોજગારીનો મંડરાયેલો ખતરો દુર થશે. આ મુજબની પરમીટ આપવાથી અમારી સાથે વાલીઓ ઉપર પણ આર્થીક બોજ ઓછો આવશે ત્યારે ઉપરોકત બાબતે રીક્ષા ચાલકોના હિતમાં સત્વરે નિર્ણય લઈ કાર્યવાહી કરવા માંગણી કરી છે.