વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં ICDS મારફત કેરીઓનું વિતરણ કરાયુ
જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ મહાદેવને કેરીનો મનોરથ કરવામાં આવે છે. જે મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2,500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા. ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી.
સોમનાથ મહાદેવને મંદિર ટ્રસ્ટ દ્વારા 2,500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે સમાજિક જવાબદારીમાં મોખરે રહે છે. ટ્રસ્ટ દ્વારા આમ્ર મનોરથની કેરીઓ આંગણવાડીના ભૂલકાઓને પોષણક્ષમ આહાર અને મહાદેવનો આશીર્વાદ સ્વરૂપે મળે તેવા શુભ આશયથી આ કેરીઓનું વિતરણ ICDS ના માધ્યમે વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓના 9700 બાળકોને પહોંચાડી હતી. ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ ICDS ના અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈ કેરીઓ ઘટક સુધી પહોંચાડી હતી. જ્યાંથી આંગણવાડીઓમાં કેરીનોનું વિતરણ કરી પ્રસાદ ભૂલકાઓને આપવામાં આવ્યો હતો.