રાજયના ધોરી માર્ગો પરથી પસાર થવું એટલે વાહન ચાલકો માટે મુસીબત સમાન છતાં ટોલટેકસની ઉઘરાંણી યથાવત
શહેર-ગ્રામ્ય વિસ્તાર અને હાઇવેના રસ્તાઓ લોટ, પાણીને લાકડાંથી તૂટી ગયા છતાં સરકારી તંત્ર અને સત્તાધીશો અંધકારમાં
રાજયના ધોરીમાર્ગો અને મેટ્રો સિટી તરફ દોટ મૂકતા શહેરોના માર્ગોને ચકચકાટ કરવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું ફંડ ફાળવે છે. પરંતુ એક વર્ષમાં આ રસ્તાઓ ધોવાઇ જતાં ખાબડખુબડ જેવી સ્થિતિનું નિર્માણ થતાં એક વર્ષમાં જ આ કરોડો રૂપિયાનું આંધણ થઇ જાય છે. છેલ્લા ૨૦ દિવસ દરમ્યાન વરસેલા વરસાદથી રાજકોટ શહેરના તમામ માર્ગો બિસ્માર હાલતમાં બની ગયા છે. લોકોને આવા રસ્તાઓ પર નીકળવું મુશકેલ બની ગયું છે. તંત્ર દ્વારા માત્ર ધૂળના ઢેફાં નાંખીને સંતોષ માનવામાં આવે છે. પરંતુ યાતના ટુ વ્હીલ ચાલકોને જ ભોગવવાની હોય છે. તંત્ર દ્વારા જો ડ્રોન કેમેરાથી રાજકોટ શહેર અથવા તો આસપાસના વિસ્તારનો લાઇવ નજારો નિહાળવામાં આવે તો તેમાં પણ ગ્રામ્ય વિસ્તારની પ્રતીતી થાય તો ના ન કહી શકાય. ફરી વખત તંત્ર રોડ, રસ્તા રીપેરીંગ માટે કરોડોનું આંધણ કરી નાંખશે. સર્વે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકામાં જ 3પ કિ.મી.ના રસ્તાઓ તૂટી ગયા છે. તો 33૨૦ કિ.મી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પૈકી ૯૫ કિ.મી.ના ગાબડાંઓ પડી ગયા છે. માર્ગ મકાન વિભાગનાં સેંકડો રસ્તાઓ ભાંગીને ભુક્કો થઇ ગયા છે.
રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુર આસપાસના ધોરી માર્ગનું ધોવાણ વધુ એક વાર થયું છે. પ્રજાની તિજોરીમાંથી અબજો રૂપિયાનું આંધણ કરીને આ રસ્તા બનાવાય પછી તેને જાળવવા માટે અસહ્ય દરે અને દેખીતો જ અન્યાયી ટોલટેકસ માત્ર 3પ કિ.મી.માં બે બે ટોલનાકા ખડકીને વસુલતા તંત્રને આ ભંગાર રસ્તા માટે લેશમાત્ર લજ્જા પણ આવતી નથી. ખુદ ભાજપના ધારાસભ્યએ અહીં બે ટોલનાકા રદ કરવા માંગણી કરી જે કેન્દ્ર સરકારે સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં ફગાવી દીધી હતી.
પરસેવાની કમાણીમાંથી પ્રજાજનો દરેક વસ્તુ ઉપર તગડો જી.એસ.ટી. (સરકારની આવક અનેકગણી થઈ ગઈ છે) વાહન ખરીદે ત્યારે તેના ઉપર ટેક્સ, રજીસ્ટ્રેશન કરાવતી વખતે રોડ ટેક્સ, વ્હીકલ ટેક્સ, જે આવક થઈ હોય તેના ઉપર ઈન્કમટેક્સ સહિત અસંખ્ય વેરાઓ ભરે છે છતાં સરકારનું તરભાણું ભરાતું નથી અને રોડ માટે ટોલટેક્સ વસુલાય છે અને તેમાં પણ ૬૦ કિ.મી.માં એક નાકુ એવો નિયમ પણ જળવાતો નથી. આટલું કર્યા પછી પણ લોકોને શેરી-ગલી કે ગામડાના રસ્તા તો દૂર, રાષ્ટ્રીય ધોરી માર્ગો પર સારા, સમથળ મળતા નથી.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આખો રસ્તો જ ઊંચકાય જાય કે તૂટી જવાની ઘટના તો દક્ષિણ ગુજરાતમાં હિંમતનગર તરફનો રસ્તો હોય કે વડોદરા પાસેના મુખ્યમાર્ગો હોય કે વડોદરા પાસેના મુખ્યમાર્ગો હોય કે ગુજરાતની રાજધાનીના રસ્તા હોય દરેક સ્થળે ગાબડાં લોકોમાં નિષ્ફળ તંત્રની ટીકા માટે નિમિત બન્યા છે.
માર્ગ અને મકાન વિભાગના તાજેતરના રિપોર્ટ મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી એ ચાર જિલ્લાના ૨૧ રસ્તાઓ ધોવાઇ ગયા હતા અને તેમાં મુખ્ય કારણ ઓવરટેપીંગ એટલે કે રસ્તા પર પાણી ફરી વળ્યું તેનું અપાયું હતું. વરસાદ તો આવવાનો છે અને ભારે વરસાદ આવશે તેનો પૂર્વાનુભવ પણ છે છતાં રસ્તા એવા બનાવાતા નથી કે વરસાદ વખતે તે ચાલુ હોય.
લોકો માટે રસ્તો એ રસ્તો છે. ફલાણા કે ઢીકણા તંત્રનો રસ્તો તેમાં લોકોને રસ નથી. આમ છતાં ગુજરાતમાં કેન્દ્ર સરકારના નેશનલ હાઇવ, રાજય હસ્તકના રાષ્ટ્રીય ધોરી માર્ગો અને સ્ટેટ હાઇવે પીડબલ્યુડીના રસ્તા, મહાનગરપાલિકા અને સુધરાઇના રસ્તા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના રસ્તા એવા વિભાગો છે. આ તમામ વિભાગો સરકાર અંદરો અંદરના વહીવટ માટે ભલે રાખે પણ લોકોને તો તેઓ તાગડધિન્ના માટે નહીં પણ રસ્તા સહિત સુવિધા માટે જે તગડો વેરો ચૂકવે છે તેના બદલામાં સારા રસ્તામાં રસ હોય છે ત્યારે સરકારે દરેક ભંગાર રસ્તા માટે ફરિયાદ માટે એક નંબર જારી કરીને કંટ્રોલરૂમ બનાવીને ફરિયાદ નિકાલ માટે સમય મર્યાદા નિશ્ચિત કરીને ત્વરીત ફરજ બજાવવાની માંગ ઉઠી છે.
પ્રજાના ખર્ચે સારા જમ્પરવાળી મોટરકારોમાં ફરતા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટર સહિત નેતાઓએ કમ સે કમ એક વાર આ રસ્તા પર ટુ વ્હીલર પર નીકળવાની અને લોકોની અસહ્ય વેદનાનો અહેસાસ કરવાની જરૂર છે. રસ્તા માત્ર ભંગાર નથી થયા પણ ભયાનક જીવલેણ પણ બન્યા છે.
ગંભીર વાત એ છે કે આટલા રસ્તા તુટવા છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ અંગે કોઇ તપાસ કરાઇ નથી. કોઇની સામે પગલાં લેવાયા નથી. આ કારણે દરેક ચોમાસે આ સીલસીલો જારી રહેવાની ભીતિ આમ નાગરિકોમાં જન્મી છે.