આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્રો પાસે નાસભાગમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે. સવારથી હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શનના ટોકન માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર લાઈનમાં ઉભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને લાઈનમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વાર દર્શન 10 દિવસ માટે ખુલ્યા છે, જેના કારણે હજારો લોકો ટોકન માટે ઉમટી રહ્યા છે.
લગભગ 4,000 લોકો દર્શન માટે લાઈનમાં ઉભા હતા
નાસભાગને કારણે અરાજકતા સર્જાઈ અને જેમાં 4 લોકોના મોત થયા છે. આમાં મલ્લિકા નામની મહિલાનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો અને સ્થિતિને કાબુમાં લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4,000 લોકો દર્શન માટે લાઈનમાં ઉભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બીઆર નાયડુ પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે. બીજ તરફ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ અધિકારીઓ પાસેથી ફોન પર પરિસ્થિતિ વિશે માહિતી લીધી છે અને આ ઘટના પર દુ:ખ પણ વ્યક્ત કર્યુ છે.
વૈકુંઠ દ્વાર 10થી 19 જાન્યુઆરી સુધી ખુલ્લું મુકાયું હતું
એક દિવસ અગાઉ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એક્ઝિક્યુટિવ ઓફિસર (EO) જે શ્યામલા રાવે 10 થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારી વૈકુંઠ એકાદશી અને વૈકુંઠ દ્વાર દર્શનમની વિગતવાર વ્યવસ્થાઓની રૂપરેખા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય યાત્રાળુઓને વૈકુંઠ દ્વાર દર્શન આપવા એ TTDની ટોચની પ્રાથમિકતા છે.
7 લાખ શ્રદ્ધાળુઓને સમાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા
રાવે જાહેરાત કરી હતી કે TTDએ આ સમયગાળા દરમિયાન 7 લાખ શ્રદ્ધાળુઓને સમાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. તેમણે માહિતી આપી હતી કે તમામ તીર્થયાત્રીઓ માટે સરળ અને સલામત દર્શનનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિશેષ પ્રોટોકોલ સાથે વૈકુંઠ દ્વાર 10 દિવસ સુધી ખુલ્લું રહેશે. 10 જાન્યુઆરીએ સવારે 4.30 કલાકે પ્રોટોકોલ દર્શન સાથે દર્શન શરૂ થશે, ત્યારબાદ સવારે 8 વાગે તમામ દર્શન થશે.