આરોગ્ય વિભાગની આઠ ટીમો સર્વે માટે ઉતારાઇ : એક કિ.મી.નો એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
રાજકોટના સાંગણવા ચોક નજીક આવેલા કોટક શેરી વિસ્તારમાં રહેતી એક ૪3 વર્ષિય મહિલાને સતત ડાયેરીયા ચાલુ રહેતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જેનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા તંત્ર હચમચી ઉઠયું હતું. આરોગ્ય વિભાગને જાણ કરાતા કોટક શેરી તથા આસપાસના વિસ્તારોમાં આરોગ્યની આઠ ટીમોને ઉતારી દેવામાં આવી છે અને તેઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કોટક શેરી શેરી નં.૨માં આવેલા મારૂતિ એપાર્ટમેન્ટમાં રહેતી ૪3 વર્ષિય મહિલાને બીમારી સબબ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જેનો રિપોર્ટ કરાતા કોલેરા પોઝીટીવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગને જાણ કરાતા તુરંત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોટક શેરી આસપાસના એક કિલોમીટરના એરીયામાં સૌ પ્રથમ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં આઠ ટીમોને સર્વે માટે ઉતારાતા ૨૫૦ જેટલા ઘરોમાં પ્રાથમિક ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ખાસુ કંઇ મળ્યું ન હતું. હાલ હજુ પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો અન્ય ટીમો દ્વારા ફોગીંગ ઉપરાંત પાણીના ટાંકાઓમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ડોકટરોની ટીમે જણાવ્યું હતું કે દુષિત પાણી અને દુષિત ખોરાકના કારણે કોલેરાની બીમારી ફેલાઇ છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે મહિલા દ્વારા બોરનું પાણી પીવાથી આ બીમારી લાગુ પડી હોય જેથી મારૂતિ એપાર્ટમેન્ટના પાણીના નમુના પણ લેવામાં આવ્યા છે.