રાજકોટમાં એક પણ ટ્રાફિક સિગ્નલ પાસે તમને વૃક્ષનો છાંયડો નથી મળતો
અત્યાર સુધીના તમામ સતાધિશો શહેરને ગ્રીન બનાવવામાં નકામા સાબિત થયા છે
રાજકોટ મનપાએ શહેરમાં આગામી ચાર-પાંચ દિવસો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. લોકોને સીધી ધુપમાં ન આવવા કહયુ છે. રૂમ ટેમ્પરેચરનું પાણી સતત પીવા,માથી ઉપર ટોપી –ચશ્મા,સ્કાર્ફ,દુપટ્ટા સાથે જરૂરી હોય તો જ બહાર નિકળવા સલાહ આપી છે. વિજ્ઞાને વિકાસ કર્યો છે. આપણે વરસાદની આગોતરી આગાહિ કરી શકીએ છીએ. વાવાઝોડાનો એલર્ટ પણ આપણને વહેલો જ મળી જાય છે. ઠંડીની આગાહિ પણ એ જ રીતે કરી શકીએ છીએ. છેલ્લા થોડા દિવસોથી સૂર્યનારાયણનો પ્રકોપ વધ્યો છે. દેશના કેટલાક સ્થળોએ તો તાપમાન ૪૭ ડિગ્રી પહોંચી ગયુ છે.સનસ્ટ્રોકમાં આટલાં મોટા દેશમાં કેટલાં લોકોના મોત થયા તેનું સાચુ અપડેટ મળવું પણ સંભવ નથી . પરંતુ એ વિકાસ શું કામનો જે નુકશાનીની આગાહિ કરી શકે પણ તેનું કાયમી નિવારણ ન કરી શકે. શહેરોનો વિકાસ જયાં સુધી માનવ જીવનની ગુણવતાને ન સુધારે ત્યાં સુધી નકામો છે. વિકાસ માનવિય અસમાનતાને જન્મ આપે છે.
તમારી પાસ એરકન્ડીશન્ડ કાર હોય તો તમે ઉનાળા સામે રક્ષણ મેળવી શકો છો. જો તમે ટુ વ્હીલરના માલીક છો તો તમારે માટે ટ્રાફિક સિગ્નલ પાસે થોડા વૃક્ષોનો છાયડો પણ નસીબ નથી. તમે તમારી ટોપી,ચશ્મા,રુમાલ,સ્કાર્ફ અને દુપટ્ટા જ સંરક્ષણના હથિયાર છે. આપણ વિકાસને છદ્મ સ્વરુપે સ્વીકારી લીધો. મોટા મોટા ઓવર બ્રીજ, કાચની ગગનચુંબી ઇમારતો જે તડકો ફરી પાછો ફેંકે છે.એરકન્ડશનરમાંથી ફેંકાતો ગરમ પવન, આસ્ફાલ્ટની સડકો અને સરોવર,તળાવડા વગરના શહેરો.ટ્રાફિકજામથી ખોડંગાતું શહેર. સામાન્ય માણસ માટે ઉનાળો એટલે કે સીને મેં જલન આંખો મેં તુફાન સા કયું હૈ ? ઇસ શહરમેં હર શખ્સ કયું પરેશાન શા હૈ ? જેવી હાલત છે. ચોમાસાની તકલીફો અલગ છે. શિયાળો એકંદરે ઓછો તકલીફ દેહ હોય છે. પરંતુ ઉનાળો ગરીબ,મધ્યમવર્ગ અને રસ્તાજીવી લોકો માટે તકલીફોનો પહાડ લઇને આવે છે. તેમને કામ કરવાનું હોય છે અને કાળઝાળ ગરમીમાં શરીર પણ ટકાવવાનુ હોય છે.
વિશ્વમાં ગુણવતાભર્યા જીવનનો હાલ મહિમા છે. કવોલિટી ઓફ લાઇફ ઇન્ડેક જેવા ખ્યાલો પ્રચલિત થયા છે. આપણે વિશ્વ ગુરુ બનવાના સપાના જોઇએ છીએ અને બતાવીએ છીએ. પરંતુ શહેરોમાં કરોડો રૂપિયાના આંધણ બાદ પણ ગ્રીન સિટી નથી બનાવી શકતાં. રાજકોટમાં ભાજપએ એક વખત ગ્રીન સિટીનું સપનું દેખાડયુ હતું. પરંતુ આવુ શહેર માત્ર કાગળ અને હિસાબ કિતાબમાં જ જોવ મળ્યુ. લોકોને જાહેર રસ્તા વૃક્ષોનો છાંયડો નસીબ ન થયો. માનીએ કે માત્ર તંત્રની જ આ જવાબદારી નથી.લોકોમાં પણ પ્રકૃતિ પ્રેમ અને વૃક્ષારોપણની ભાવના હોવી જોઇએ. એક સમયે પેલેસ રોડ, ગુંદાવાડી,કેવડાવાડી,રેસકોર્ષ,યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં લીમડા,પીપળા,ગુંદા,બદામ,વડ સહિતના છાંયડો આપતાં વૃક્ષોની રસ્તાની બન્ને બાજુઅ કતાર જોવા મળતી હતી. વિકાસ આ વૃક્ષો અને લોકોના હિસ્સાનો છાંયડો ખાઇ ગયો. લોકો ગાર્ડનીંગને નામે પ્લાન્ટશન કરે છે. જે શોભામાં ચોકકસ અભિવૃધ્ધી કરે છે. પરંતુ શહેરમાં ઓકસીજન વધારે એવા વૃક્ષોની સંખ્યા સતત ઘટતી ગઇ છે.
સૌરાષ્ટ્રના શહેરોમાં ભાવનગર અને જામનગર પાસે વિશાળ તળાવ છે. જેને કારણે આ શહેરોમાં તળાવ આસપાસના વિસ્તારમા વનરાઇ સારી છે. હરિયાળીના કારણે તેના પ્રભાવ ક્ષેત્રમાં તાપમાન પણ સહ્ય બને છે. પરંતુ રાજકોટ શહેરની મધ્યમાં આવુ કોઇ તળાવ નથી. આજી નદીને રિવરફ્રન્ટ બનાવવાની વો વીસેક વર્ષથી હવામાં છે. કોઇ નવા નેતા આવે લોન્ચીંગ અને રિલોન્ચીંગ થયા કરે. પરંતુ આ પ્રોજેકટ પુરા નથી થતાં. ઇકોલોજી,પર્યાવરણ વગેરે સમીટના રૂપકડા વિષય બની રહયા છે. માણસ પ્રકૃતિથી વિખુટો પડયો છે. અને પ્રકૃતિ તેનો પ્રકોપ વધુને વધુ દેખાડી રહી છે. ૪૪ ડીગ્રી તાપમાન કોઇ એક વ્યકિતની સમશ્યા નથી. આપણ સહુની સમશ્યા છે. સુરજના તાપને ન અટકાવી શકીએ પણ તેને જીરવી શકાય તેવા પ્રાણ તત્વો પ્રકૃતિએ જ તમને આપ્યા છે. તેનાથી વિખુટા પડીને વિકાસ અધુરો છે.