ગોંડલના દેરડી કુંભાજીમાં એક સાથે ૪ અર્થી નીકળતાં ગામ હિબકે ચડયું
ગોંડલના દરેડી કુંભાજીમાં રહેતા પરિવારનો પુત્રને નીટની પરીક્ષામાં સારા માર્ક આવતા ગઇકાલે પરિવારજનો ઇકો કાર ભાડે કરી કચ્છના મોમાઇમોરા ખાતે દર્શન કરવા ગયા હતા. અને ત્યાંથી પરત ફરતા હતા. ત્યારે સામખીયાળીથી રાધનપુર જતા નેશનલ હાઇ-વે પર લાકડીયા નજીક ઇકો કાર ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાતા ઇકો કારના ડ્રાઇવર સહિત 6ના મોત થયા હતા. આજે દેરડી કુંભાજી ગામ ખાતે ચાર અર્થી ઉઠતા ગામ હિબકે ચડયું હતું. તથા ગામે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
ગોંડલના દરેડી કુંભાજી ગામમાં રહેતા ભાવેશભાઇ દેવશીભાઇ ખાતરાનો પુત્ર વેદ ભાવેશભાઇ ખાતરા રાજકોટ અભ્યાસ કરે છે. તેને ગઇકાલે નીટની પરીક્ષામાં ખુબ સારા માર્ક આવતા ભાવેશભાઇ તેમના પત્ની ભાવનાબેન, પુત્ર વેદ તથા બીજો પુત્ર રૂદ્ર, ભાવેશભાઇના રાજકોટ રહેતા બહેન સોનલબેન અમીતભાઇ ગોરસીયા બગસરા રહેતા ફૂઇ અંબાબેન દેવરાજભાઇ વઘાસીયા, ભાણેજ ગ્રંથ અમીતભાઇ વઘાસીયા, વિદિશા પ્રવિણભાઇ ખાતરા સહિતના પરિવારજનો ઇકો કાર ભાડે કરી કચ્છમાં આડેસર પાસે આવેલા મોમાઇમોરા ખાતે દર્શન કરવા ગયા હતા.
ત્યાંથી ઇકો કારમાં પરત ફરતી વખતે સામખીયાળીથી રાધનપુર જતા નેશનલ હાઇ-વે પર લાકડીયા નજીક પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રેઇલર સાથે ઇકો કાર ધડાકાભેર અથડાતા ઇકો કાર પડીકું વળી ગઇ હતી. અને ઇકો કારમાં બેઠેલા 6 લોકોના મોત થયા હતા. જ્યારે 3ને ગંભીર ઇજા થઇ હતી.
આ અકસ્માતમાં ઇકો કારે ચાલક બહાદુરભાઇ કાળુભાઇ (રહે. દેરડી કુંભાજી) તથા ભાવેશભાઇ દેવશીભાઇ ખાતરા, ભાવનાબેન ભાવેશભાઇ ખાતરા, રૂદ્ર ભાવેશભાઇ ખાતરા, સોનલબેન અમીતભાઇ ગોરસીયા તથા અંબાબેન દેવરાજભાઇ વઘાસીયાના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે વેદ ભાવેશભાઇ ખાતરા, વિદિશા પ્રવિણભાઇ ખાતરા અને ગ્રંથ અમીતભાઇ ગોરસીયાને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે.
ગઇકાલે સવારે દેરડી કુંભાજી ગામે એક સાથે ચાર અર્થી નીકળતા ગામ હિબકે ચડયું હતું. ગામે આ કરૂણ બનાવના પગલે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. અંતિમ યાત્રામાં ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અકસ્માતનો ભોગ બનેલ અને હાલ ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વેદ ભાવેશભાઇ ખાતરાએ એક સાથે માતા – પિતા તથા નાનાભાઇને ગુમાવ્યા હોઇ ગામમાં કરૂણતા વ્યાપી છે.