ફ્રાન્સની એક અદાલતે ડોમિનિક પેલિકોટ નામના એક વ્યક્તિને તેની પત્ની પર લગભગ 10 વર્ષ સુધી સામૂહિક બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યો છે. આ કેસમાં કોર્ટે ડોમિનિક અને અન્ય 50 લોકોને બળાત્કાર, બળાત્કારનો પ્રયાસ અને યૌન ઉત્પીડન માટે દોષિત ઠેરવ્યા છે. પત્નીને બેભાન કરી અલગ અલગ 72 અજાણી વ્યક્તિઓ મારફતે બળાત્કાર કરાવ્યો અને તેના વિડિયો રેકોર્ડ કર્યા હતા . હદય દ્રવી ઉઠે તેવી આ ઘટનાએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ડોમિનિક તેની પત્નીને ડ્રગ્સ આપતો અને તેને બેભાન કરી દેતો હતો. પછી તે અજાણ્યા લોકોને પોતાના ઘરે બોલાવી તેમની પત્ની પર બળાત્કાર ગુજારાવતો હતો. લેપટોપમાંથી બળાત્કારના 20,000 વિડિયો મળી આવ્યા છે. કાળજું કંપી ઉઠે તેવું કૃત્ય અને તેમાં પણ દરેક બળાત્કારના વિડિયો ઉતરાયા હતા. જીજેલ પેલિકોટ પર બળાત્કાર કરનારાઓમાં ડ્રાઇવર, સૈનિકો, અગ્નિશામકો, સુરક્ષા ગાર્ડ, મજૂરો, ઇલેક્ટ્રિશિયન, ખેડૂતો, સુપરમાર્કેટ કામદારો, પત્રકારો અને તમામ વય અને બેકગ્રાઉન્ડના બેરોજગાર લોકોનો સમાવેશ થાય છે. સૌથી નાનો આરોપી માત્ર 22 વર્ષનો હતો. જ્યારે સૌથી મોટી ઉંમર 70 વર્ષની હતી.
જીજેલની હિમત કાબિલેદાદ
કેસના ટ્રાયલમાં સજા સાંભળવા માટે પીડિત જીજેલ પેલિકોટ ભરચક કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં એક નિવેદન દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું માનતી હતી કે હું સંપૂર્ણ લગ્ન સંબંધમાં છું, પરંતુ ડોમિનિકે મારી સાથે જે કર્યું તેનાથી હું તૂટી ગઈ. તેમણે કોર્ટ અને મીડિયાને અધિકાર આપ્યો હતો કે તેમની ઓળખ જાહેર કરી શકે છે. કારણ કે તે મહિલાઓ માટે એક ઉદાહરણ બનવા માંગતી હતી. જીજેલે ન્યાયાધીશને સમજાવ્યું કે તેની સાથે બનેલી ઘટનાનું વિડિયો રેકોર્ડિંગ લોકો અને મીડિયા સમક્ષ જાહેર કરવું જોઈએ, જેથી અન્ય મહિલાઓ પણ આવા ગુનાઓ સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત થાય. ફ્રાન્સના દક્ષિણી શહેર એવિનોનની કોર્ટમાં ત્રણ મહિના સુધી ચાલેલા કેસના ટ્રાયલ દરમિયાન 72 વર્ષીય જીજેલ દરરોજ કોર્ટમાં હાજર રહેતા હતા ઉપરાંત પોતાની ઓળખ જાહેર કરવાની છૂટ આ બધુ આ ઉંમરમાં હિંમત અને ખંતનું પ્રતીક છે. કોર્ટના નિર્ણય બાદ જ્યારે તે કોર્ટહાઉસની બહાર આવ્યા ત્યારે હજારોની ભીડે તેમનું સ્વાગત કર્યું હતું.
કોર્ટ કેસનો ટ્રાયલ મુશ્કેલ કસોટી
દોષિતોને સજા સંભળાવ્યા પછી તેમની પ્રથમ પ્રતિક્રિયામાં જીજેલે સ્વીકાર્યું હતું કે આ ટ્રાયલ મારા માટે ખૂબ જ મુશ્કેલ કસોટી હતી. લોકોની હાજરીમાં કોઈને અજમાવવાના મારા નિર્ણય પર મને અફસોસ નથી. મને હવે વિશ્વાસ છે કે આપણે સામૂહિક રીતે એક એવું ભવિષ્ય બનાવીશું જેમાં દરેક સ્ત્રી અને પુરુષ આદર અને પરસ્પર સમજણથી જીવી શકે. આ લડાઈમાં મને સાથ આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું.
ડોમિનિક પેલિકો અને જીજેલના લગ્નજીવનને 50 વર્ષ થયા છે. ડોમિનિકે કોર્ટમાં તેમની સામેના તમામ આરોપોને સ્વીકારી લીધા હતા. પાંચ જજોની બેન્ચે 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જ્યારે કોર્ટે અન્ય 46 ને બળાત્કારના, 2 બળાત્કારના પ્રયાસના અને 2 ને જાતીય હુમલાના દોષિત જાહેર કર્યા હતા અને તે બધાને 3 વર્ષથી લઈ 15 વર્ષની જેલની સજા ફટકારી છે.
દરેક સ્ત્રી પુરુષે પરસ્પર આદર અને સમજણથી જીવવું જોઈએ