અમદાવાદ : ભારતમાં ખાનગી ક્ષેત્રના રોકાણની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. છેલ્લા એકાદ વર્ષથી ખાનગી મૂડીરોકાણ પણ દેશના અર્થતંત્રના વિકાસને સપોર્ટ કરતું જોવા મળ્યું હતુ પરંતુ ફરી સપ્ટેમ્બર કવાર્ટરના આંકડા ચોંકાવનારા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર ગત વર્ષના સમાન સમયગાળામાં જાહેર કરાયેલા રૂ. ૩.૮ લાખ કરોડની સરખામણીએ સપ્ટેમ્બર, ૨૦૨૩ના ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રના નવા પ્રોજેક્ટનું કુલ મૂલ્ય ઘટીને રૂ. ૮૦,૦૦૦ કરોડ થયું હતું.
આમ વાર્ષિક નવા રોકાણમાં ૭૯.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન ક્વાર્ટરમાં જાહેર કરાયેલ રૂ. ૫.૩ લાખ કરોડના નવા પ્રોજેક્ટોની સરખામણીમાં પણ આ ૮૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોજેક્ટોમાં સામાન્ય રીતે રોડ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમાં પણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં ૭૨.૫ ટકાનો ઘટાડો થયો છે. આ વેલ્યુ જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૨૨ની ૧.૪ લાખ કરોડ રૂપિયાની સરખામણીએ આ વર્ષે ૪૦,૦૦૦ કરોડ કરોડ થયો છે.
ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ ગુ્રપ નોમુરાના એશિયા ઇનસાઇટ્સના ૨૭ સપ્ટેમ્બરના અહેવાલમાં ટેક્સ વસૂલાતમાં ઘટાડો થવાને કારણે સરકારી ખર્ચને ફટકો પડવાની ધારણા છે. સરકાર દ્વારા તેની કમાણી કરતાં વધુ ખર્ચ કરવામાં આવે છે તેને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. તે અર્થતંત્રના કદ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની સરખામણીમાં માપવામાં આવે છે. આ આવક/રેવન્યુ ખર્ચ અને મૂડી ખર્ચ બંનેને અસર કરે છે. મહેસૂલ ખર્ચમાં પગાર અને અન્ય રિકરિંગ ચૂકવણીનો સમાવેશ થાય છે, જ્યારે મૂડી ખર્ચમાં રોડ-રસ્તાઓ જેવી લાંબા ગાળાની અસ્કયામતોમાં રોકાણનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં મૂડીખર્ચ સુસ્ત રહેવાની શક્યતા છે.
જૂનની સરખામણીમાં વર્તમાન પ્રોજેક્ટોનો પૂરો થવાનો દર ઘટયો છે, પરંતુ રોગચાળા પહેલા કરતાં વધુ છે. લગભગ રૂ. ૨.૨ લાખ કરોડના નવા પ્રોજેક્ટ સપ્ટેમ્બર, ૨૦૨૩માં પૂર્ણ થયા છે, જ્યારે રૂ. ૭.૯ લાખ કરોડના પ્રોજેક્ટ જૂન ૨૦૨૩માં પૂરા થયા હતા. સપ્ટેમ્બર ૨૦૧૯માં પૂર્ણ થયેલા પ્રોજેક્ટનું મૂલ્ય રૂ. ૧ લાખ કરોડથી ઓછું હતું અને સપ્ટેમ્બર ૨૦૨૨માં રૂ. ૧.૪ લાખ કરોડનું મૂલ્ય હતું.