- ODI રેન્કિંગમાં બોલરમાં શાહિન આફ્રિદી પ્રથમ સ્થાને
- ODI રેન્કિંગમાં બેટ્સમેનમાં બાબર આઝમ પ્રથમ સ્થાને યથાવત
- મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને એક-એક સ્થાનનું નુકસાન
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાને કારણે બહાર થઈ ગયો છે. દરમિયાન, બુધવાર 1 નવેમ્બરના રોજ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ODI રેન્કિંગમાં તેમને મોટું નુકસાન થયું છે. ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક ટોપ 10માંથી બહાર થઇ ગયો છે. આ ઉપરાંત ભારતીય બોલર મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને પણ મોટું નુકસાન થયું છે. આ સિવાય પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન આફ્રિદી 7 સ્થાનની છલાંગ લગાવીને નંબર 1નું સ્થાન મેળવ્યું છે.
તાજેતરની ICC રેન્કિંગની સ્થિતિ શું છે?
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેનોની યાદીમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોપ 10માં યથાવત છે. જ્યારે ટોપ 10 બોલરોમાં મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. સિરાજ બીજાથી ત્રીજા અને કુલદીપ સાતમાથી આઠમા સ્થાને પહોંચી ગયો છે. શાહીન આફ્રિદીને વર્લ્ડકપમાં શાનદાર બોલિંગનો ફાયદો મળ્યો છે. તે 8મા નંબરથી સીધા નંબર 1 પર પહોંચી ગયો છે. તે હવે રેન્કિંગમાં જોશ હેઝલવુડને પાછળ છોડીને વિશ્વનો નંબર 1 બોલર બની ગયો છે.
શુભમન ગિલથી બાબર આઝમને ખતરો
ICC બેટ્સમેનની રેન્કિંગમાં શુભમન ગિલ અને બાબર આઝમ વચ્ચેની નજીકની હરીફાઈ ચાલુ છે. હવે બાબર અને ગિલ વચ્ચે માત્ર 2 પોઈન્ટનો તફાવત છે. જોકે બાબર 818 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ગિલ 816 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં રોહિત શર્મા 5માં અને વિરાટ કોહલી 7માં સ્થાને છે.a
વર્તમાન વર્લ્ડકપમાં ભારત માટે શાનદાર બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહ રેન્કિંગમાં 11મા સ્થાને છે. જ્યારે મોહમ્મદ શમી 17માં સ્થાને છે. આગામી દિવસોમાં આ બંને રેન્કિંગમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત ટોપ 10 ઓલરાઉન્ડરોની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી નથી. હાર્દિક હવે 10મા સ્થાનેથી 11મા સ્થાને પહોંચી ગયો છે. તો રવિન્દ્ર જાડેજા 13માં સ્થાને છે.