- સચિનના 50 વર્ષોને સમર્પિત વિશાળ પ્રતિમાનું અનાવરણ
- વાનખેડે સ્ટેડિયમમાં સચિનનું વર્લ્ડ કપનું સપનું પૂરું થયું
- આ સ્ટેડિયમમાં જ સચિને રમી હતી પોતાની અંતિમ ક્રિકેટ મેચ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનું સન્માન કરતી આજીવન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, બીસીસીઆઈ સચિવ જય શાહ, બીસીસીઆઈના ટ્રેઝરર આશિષ શેલાર, બીસીસીઆઈ અને આઈસીસીના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર, બીસીસીઆઈ વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુકલા સહિત મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા.
શ્રીલંકા સામેની મેચ પહેલા અનોખો સંયોગ
ભારતની યજમાનીમાં વનડે વિશ્વકપ 2023 રમાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પોતાની 7મી મેચ આવતીકાલે 2 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકા વિરુદ્ધ રમશે. પરંતુ આવતીકાલની મેચ પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) દ્વારા વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું અનાવરણ કરવું એક અનોખો સંયોગ બની ગયો છે.
સચિનના સ્ટેન્ડ પાસે સ્થાપિત સ્ટેચ્યૂ
સચિનનું સ્ટેચ્યૂ સ્ટેડિયમમાં સચિનના સ્ટેન્ડ પાસે જ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્ટેચ્યૂ સચિનના 50 વર્ષોને સમર્પિત છે. જણાવી દઈએ કે સચિને આ વર્ષ એપ્રિલમાં પોતાનો 50મો જન્મ દિવસ ઉજવ્યો.
આ મેદાન પર પૂર્ણ થયું હતું વર્લ્ડ કપ જીતવાનું સપનું
સચિને પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ એટલે કે તેની 200મી ટેસ્ટ મેચ આ મેદાન પર રમી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઇનિંગ અને 126 રને જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ભારતીય ટીમે તેનો બીજો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યો હતો.