કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના આંકડાં સ્પષ્ટ થઈ ગયા, પણ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ચર્ચા યથાવત છે અને કર્ણાટકમાં કૉંગ્રેસની હજી પણ કસોટી છે. હવેની કસોટી મુખ્યપ્રધાન તરીકે કોને પસંદ કરવા તેની છે. બે નામ છે – સિદ્ધરમૈયા અને ડી. કે. શિવકુમાર. સિદ્ધરમૈયા સિદ્ધહસ્ત રાજકારણી છે. બહુ લાંબી તેમની કરિયર છે. ચાર દાયકા પહેલાં 1983માં પ્રથમવાર તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભારતીય લોક દળની ટિકિટ પર તેઓ જીત્યા હતા અને જૂના મૈસુરુ વિસ્તારમાં નાના પક્ષના નવાસવા નેતાને વિજય મળ્યો તેનાથી સૌને આશ્ચર્ય થયું હતું. ઊભરતા સિતારા તરીકે ત્યારે જ જાણીતા થઈ ગયેલા સિદ્ધરમૈયા તે પછી જનતા દળમાં જોડાયા, એકથી વધુ વાર ડેપ્યુટી સીએમ બન્યા, જનતા દળ વિભાજિત થયું ત્યારે દેવે ગોવડા સાથે જોડાયા, પણ ત્યાંથી તેમની હકાલપટ્ટી થઈ એટલે સોનિયા ગાંધીની હાજરીમાં 2005માં કૉંગ્રેસમાં જોડાયા. કૉંગ્રેસ – જેડીએસની ધરમસિંહની સંયુક્ત સરકાર પ્રથમવાર બનેલી ત્યારે પણ નાયબ મુખ્ય પ્રધાન બનેલા. આખરે 2013માં સ્વતંત્ર રીતે, બહુમતી સાથે કૉંગ્રેસના મુખ્ય પ્રધાન બની શક્યા હતા. તે વખતે યેદીયુરપ્પાએ ભાજપ છોડી દીધો હતો. એક દાયકા પછી ભાજપે યેદીયુરપ્પાને છોડી ભાજપ છોડી દીધો હતો. એક દાયકા પછી ભાજપે યેદીયુરપ્પાને છોડી દીધા એટલે ફરીથી કૉંગ્રેસને બહુમતી મળી છે અને વયોવૃદ્ધ સિદ્ધરમૈયાનું નામ બોલાઈ રહ્યું છે. દેવરાજ અર્સ પછી પાંચ વર્ષ પૂરા કરનારા એક માત્ર સીએમ તેઓ છે. બીજી વાર સીએમ બનશે અને પાંચ વર્ષ પૂર્ણ કરશે તો એ એક વિક્રમ હશે. જો અને તોની આ વાત છે, કેમ કે આ વખતે ડી. કે. શિવકુમારની ભૂમિકાને પણ અગત્યની ગણવામાં આવી રહી છે. કર્ણાટક કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ છેલ્લા દોઢ વર્ષથી સતત મહેનત કરી રહ્યા છે. ઓપેરશન કમલના નામે કૉગ્રેસના ધારાસભ્યોને તોડી નાખવામાં આવ્યા, જેડી (એસ)ની કુમારસ્વામી સાથેની જોડાણની સરકાર તડજોડથી તૂટી પછી કૉંગ્રેસને ફરીથી જીતાડવા તેઓ કામે લાગી ગયા હતા. ઓપેરશન કમલના નામે કૉગ્રેસના ધારાસભ્યોને તોડી નાખવામાં આવ્યા, જેડી (એસ)ની કુમારસ્વામી સાથેની જોડાણની સરકાર તડજોડથી તૂટી પછી કૉંગ્રેસને ફરીથી જીતાડવા તેઓ કામે લાગી ગયા હતા. કૉંગ્રેસને એકલા હાથે વિજય અપાવવાની ચેલેન્જ પ્રદેશપ્રમુખ તરીકે તેમણે પાર પાડી, પણ સીએમપદ માટે તેમની સામે હજીય સિદ્ધરમૈયાની ચેલેન્જ છે.