- સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 190 રને હરાવ્યું
- સાઉથ આફ્રિકા પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને
- સાઉથ આફ્રિકાએ વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકારી
આજે વર્લ્ડકપ 2023ની 32મી મેચ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી હતી. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA)માં રમાઇ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની 190 રને જીત થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 357 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમે 35.3 ઓવર 167 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે સાઉથ આફ્રિકા પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગયું છે.
બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો
સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ ફરી એકવાર રનનો વરસાદ કર્યો અને ન્યુઝીલેન્ડ ટીમને 358 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો.ક્વિન્ટન ડી કોકે 116 બોલમાં 114 રનની શાનદાર સદી ફટકારી હતી અને તેણે આ ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી છે, જ્યારે તેની સાથે 200 રનની ભાગીદારી કરનાર વેન ડેર ડ્યુસેને પણ જબરદસ્ત 133 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલરે 30 બોલમાં 53 રન બનાવ્યા હતા.
વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકારી
સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ પોતાની ઇનિંગ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા પરંતુ તમામ બેટ્સમેનોએ મળીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સાઉથ આફ્રિકાએ વર્લ્ડકપની એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સ મારવાના મામલે ઈંગ્લેન્ડના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ એડિશનમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં કુલ 82 સિક્સર ફટકારી છે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમે ગત વર્લ્ડકપમાં 76 સિક્સર ફટકારી હતી.
આજની મેચમાં 15 સિક્સ ફટકારી
આ લિસ્ટમાં ત્રીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝ છે જેણે વર્લ્ડકપ 2015માં 68 સિક્સ ફટકારી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે જેણે 2007માં 67 સિક્સ ફટકારી હતી.આજની મેચમાં સાઉથ આફ્રિકાના તમામ બેટ્સમેનોએ મળીને 15 સિક્સર ફટકારી છે. જેમાં સૌથી વધુ સિક્સ 5 વેન ડેર ડુસેને, 4 ડેવિડ મિલર અને 3 ડી કોકે ફટકારી હતી. ટેમ્બા બાવુમા, હેનરિક ક્લાસેન અને એઈડન માર્કરામે પણ 1-1 સિક્સ ફટકારી હતી