- વર્લ્ડકપ 2023 વચ્ચે ભારતીય ખેલાડીનો અનોખો અંદાજ
- સૂર્યા પોતાની ઓળખ છુપાવી પહોંચ્યો મરીન ડ્રાઈવ
- BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો
વર્લ્ડકપ 2023ની ધામધૂમ વચ્ચે ટીમ ઈન્ડિયાના ઘાતક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ કેમેરામેન તરીકે પોઝ આપીને લોકોની વચ્ચે પહોંચ્યો હતો. અહીં તેમણે ક્રિકેટ ફેન્સને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયો સૂર્યકુમાર યાદવનો છે. આ વીડિયોમાં સૂર્યા વેશપલટો કરીને લોકો વચ્ચે જોવા મળે છે. સૂર્યા પોતાની ઓળખ છુપાવીને ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે લોકો સાથે વાત કરતો જોવા મળે છે. તે મુંબઈના મરીન ડ્રાઈવમાં ફુલ સ્લીવ શર્ટ, કેપ, માસ્ક અને ચશ્મા પહેરીને ફરતો જોવા મળ્યો હતો.
સૂર્યકુમાર યાદવ વેશ પલટી પહોંચ્યો ફેન્સ વચ્ચે
આ વીડિયોની શરૂઆતમાં તે કહે છે કે, તેણે શર્ટ પહેર્યો છે જેથી તેના ટેટૂના કારણે લોકો તેને ઓળખી ન શકે. તે પોતાની ઓળખ છુપાવવા માટે કેપ, માસ્ક અને ચશ્મા પણ પહેરે છે. તેનો લુક એવો બની જાય છે કે તેનો સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ તેને ઓળખી શકતો નથી. તેને જોઈને જાડેજા પણ કહે છે કે તે એકદમ કાતિલ લાગે છે.આ પછી, તે એક પછી એક ક્રિકેટ ફેન્સને કેટલાક પ્રશ્નો પૂછતો જોવા મળે છે. તે આ લોકોને તેમના મનપસંદ ક્રિકેટરોના નામ પૂછે છે.
ફેન્સ પાસેથી લીધો પોતાની રમત અંગે રિવ્યુ
તે લોકોને પોતાના વિશે પ્રશ્નો પૂછતો પણ જોવા મળે છે. અહીં એક ફેન્સ તેને સમજાવે છે કે સૂર્યને 360 ડિગ્રી પ્લેયર કેમ કહેવામાં આવે છે. તે જ સમયે, એક ફેન્સનું કહેવું છે કે સૂર્યાની બેટિંગ બિલકુલ દેખાતી નથી, ફક્ત પ્રથમ ત્રણ-ચાર બેટ્સમેન જ રન બનાવે છે. અંતે, સૂર્યા પણ તેનો માસ્ક અને ચશ્મા હટાવીને તેની ઓળખ છતી કરે છે. આ પછી મરીન ડ્રાઈવ પર હાજર ક્રિકેટ ફેન્સ પણ તેની સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળે છે.