- એક જ વર્લ્ડ કપમાં ચાર સદીના ગિબ્સના રેકોર્ડને પણ સરભર કર્યો
- ડી કોકએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી હતી
- ઓપનર તરીકે ડી કોકે 116 બોલમાં 114 રનની ઇનિંગ રમી હતી
સાઉથ આફ્રિકન વિકેટકીપર ક્વિન્ટન ડી કોકનું વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે અને તેણે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ સદી ફટકારી દીધી હતી. ઓપનર તરીકે ડી કોકે 116 બોલમાં 114 રનની ઇનિંગ રમી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં આ તેની ચોથી સદી અને કારકિર્દીની 21મી સદી છે.
વર્લ્ડ કપમાં સર્વાધિક રન, પ્રથમ આફ્રિકન ક્રિકેટર
ડી કોક એક જ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા માટે સર્વાધિક રન નોંધાવનાર બેટ્સમેન બની ગયો છે. તે અત્યાર સુધી 545 રન બનાવી ચૂક્યો છે અને તેણે જેક્સ કાલિસ તથા એબી ડીવિલિયર્સને પાછળ રાખી દીધા છે. કાલિસે 2007ના વર્લ્ડ કપમાં 485 તથા ડીવિલિયર્સે 2015ના વર્લ્ડ કપમાં 482 રન બનાવ્યા હતા.આ યાદીમાં ગ્રીમ સ્મિથ (2007) તથા પીટર કર્સ્ટને (1992) અનુક્રમે 443 તથા 410 રન બનાવ્યા હતા.
કુમાર સંગાકારાની ચાર સદીનો રેકોર્ડ સરભર કર્યો
ડી કોકે એક જ વર્લ્ડ કપમાં સર્વાધિક સદી નોંધાવનાર સાઉથ આફ્રિકાના પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે તેણે ઓવરઓલ લિસ્ટમાં શ્રીલંકાના ભૂતપૂર્વ સુકાની કુમાર સંગાકારાની પણ બરોબરી કરી હતી. સંગાકારાએ 2015માં ચાર સદી ફટકારી હતી. એક જ વર્લ્ડ કપમાં સર્વાધિક સદીનો રેકોર્ડ ભારતના રોહિત શર્માના (2019માં પાંચ સદી) નામે છે.
સાઉથ આફ્રિકા તરફથી વન-ડેમાં સર્વાધિક સદીના મામલે ત્રીજા ક્રમે
ડી કોક સાઉથ આફ્રિકા તરફથી સર્વાધિક વન-ડે સદી નોંધાવવાના મામલે સંયુક્ત રીતે ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે હર્ષેલ ગિબ્સની 21 સદીના રેકોર્ડની બરોબરી કરી હતી. આફ્રિકા તરફથી હાશિમ અમલા 27 સદી સાથે મોખરાના તથા ડીવિલિયર્સ 25 સદી સાથે બીજા ક્રમે છે. જેક્સ કાલિસના નામે 17 સદી નોંધાયેલી છે.
માર્ક વો (1996), સૌરવ ગાંગુલી (2003), મેથ્યૂ હેડન (2007) તથા ડેવિડ વોર્નર (2019) ત્રણ-ત્રણ સદી ફટકારી ચૂક્યા છે.