- ન્યૂઝીલેન્ડને 190 રનથી પરાજય આપીને સેમિફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત
- પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ 35.3 ઓવરમાં 167 રનના સ્કોરે ઓલઆઉટ
- સા.આફ્રિકા 4/357, ડી કોક 114, ડુસૈન 133, ન્યૂઝીલેન્ડ 167
મેન ઓફ ધ મેચ બનેલા રાસી વાન ડેર ડુસૈનના 133 તથા ડી કોકના 114 રનની ઇનિંગ બાદ કેશવ મહારાજે ઝડપેલી ચાર વિકેટની મદદથી સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપની 32મી મેચમાં ન્યૂઝીલેન્ડને 190 રનથી પરાજય આપીને સેમિફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું હતું. સાઉથ આફ્રિકા સાત મેચમાં છ વિજય સાથે 12 પોઇન્ટ હાંસલ કરીને ટોચના સ્થાને રહ્યું હતું. સાઉથ આફ્રિકાના ચાર વિકેટે 357 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ 35.3 ઓવરમાં 167 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. કિવિ ટીમ માટે ગ્લેન ફિલિપ્સે 50 બોલમાં સર્વાધિક 60 તથા વિલ યંગે 33 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા માટે જાનસેને 31 રનમાં ત્રણ તથા કોએત્ઝીએ 41 રનમાં બે વિકેટ ખેરવી હતી.
સાઉથ આફ્રિકા તરફથી કુલ આઠ સદી
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સાઉથ આફ્રિકા તરફથી આઠ સદી નોંધાઇ છે અને આ સાથે તેણે એક જ વર્લ્ડ કપમાં શ્રીલંકા તરફથી નોંધાયેલી સર્વાધિક આઠ સદીનો રેકોર્ડ સરભર કરવાની સાથે આ મામલે ઇંગ્લેન્ડ તથા ભારતના પાછળ રાખી દીધા હતા. શ્રીલંકા તરફથી 2015ના વર્લ્ડ કપમાં આઠ સદી નોંધાઇ હતી. 2018માં ઇંગ્લેન્ડ અને ભારત તરફથી 7-7 સદી નોંધાઇ હતી.
પ્રથમ બેટિંગ કરી સાઉથ આફ્રિકાએ વન-ડેમાં સતત આઠમી વખત 300 પ્લસનો સ્કોર નોંધાવ્યો
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપમાં પૂણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 358 રનનો કપરો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે સાઉથ આફ્રિકન ટીમે કેટલાક રેકોર્ડ પણ નોંધાવ્યા હતા. આફ્રિકન ટીમ વર્લ્ડ કપની એક જ એડિશનમાં સર્વાધિક વખત 300 પ્લસનો સ્કોર નોંધાવનાર ટીમ બનવાની સાથે પ્રથમ બેટિંગ કરીને સતત આઠમી વખત 300 પ્લસનો સ્કોર નોંધાવનાર પ્રથમ ટીમ બની છે. આફ્રિકન ટીમે ઓસ્ટ્રેલિયાએ 2007માં તથા ઇંગ્લેન્ડે 2019માં સતત સાત વખત 300 પ્લસનો સ્કોરનો નોંધાવેલો રેકોર્ડ બ્રેક કર્યો હતો. સાઉથ આફ્રિકાએ વન-ડે વર્લ્ડ કપમાં સર્વાધિક વખત 350 પ્લસનો સ્કોર નોંધાવનાર ટીમ બનવાની પણ સિદ્ધિ મેળવી હતી અને તેણે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ સરભર કર્યો હતો. બંને ટીમે નવ-નવ વખત વર્લ્ડ કપમાં 350 પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો.