સોનાના વધેલા ભાવ અને ઘટતી બચતને કારણે બજારમાં અપેક્ષીત તેજી જોવા મળતી નહોતી, પણ તહેવારમાં ઘરાકી નિકળતા રાહત :
સોનાનો ભાવ ગત સાલ ૧૦ ગ્રામનો ૫૦ હજાર હતો તે વધીને રૂ.૬૨૫૦૦ થઇ ગયો
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળી પર્વ નિમિતે રાજકોટની સોની બજારમાં આજે ધનતેરસના શુભમુહૂર્તમાં સુવર્ણ જવેરાતની ખરીદી નીકળી પડી હતી. સવારે ૧૧ વાગ્યા બાદ સોની બજારના શો-રૂમો ધમધમવા માંડયા હતા અને રીટેઇલ ગ્રાહકોએ શુકનવંતી ખરીદી શરૂ કરી હતી. રાજકોટની સોની બજાર સૌરાષ્ટ્રનું હબ હોવાનું સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં આજના ધનતેરસના દિવસે રાજકોટની સોની બજારમાં સોનાના નાના-મોટા અલંકારો અને ગીની સહિતની ખરીદી કરવા આવ્યા હતાં. જો કે શહેરીજનોના ખર્ચાઓ વધુ હોય અને સેવીંગ ઓછી હોવાથી ગામડાંની ખરીદી વધુ જણાતી હતી. શહેરની રીટેઇલ ખરીદીમાં મધ્યમ વર્ગના લોકો હજુ પણ પરંપરામાં માનતા હોય ૨ થી પ ગ્રામની ગીની અને નાના અલંકારો એટલે કે કાનની બૂટી, નાકની ચૂંક, સોનાના દોરા વગેરેની ખરીદી કરી સંતોષ માનતા હતાં. સામાપક્ષે ખેડૂતો સારો પાક ગયા બાદ સારી માત્રામાં પરંપરાગત દાગીનાઓ અને સોનાની ખરીદી કરતાં જોવા મળ્યા હતાં.
રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયાના જણાવ્યા મુજબ આ વર્ષે સોનાની ખરીદી પુષ્યનક્ષત્રમાં ખાસ થઇ ન હતી. પરંતુ ધનતેરસ આજે સફળ જણાઇ રહી છે.
બપોરે ૧૨ વાગ્યાના અરસામાં બજાર ધમધમતી થઇ ગઇ છે. શહેરી અને બહારગામના ઘરાકો સોની બજારના શો-રૂમ તથા નાની દુકાનોમાં ખરીદી કરી રહ્યા છે. જો કે શહેરની તુલનાએ ખેડૂતોની ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારની ખરીદી વધુ જોવા મળે છે. ૭૦ ટકા ખરીદી ગામડાંની હોય તેવુ લાગે છે.
દરમિયાન સોનાના ભાવની અસર પણ સોનાની ખરીદી પર જોવા મળી છે. ગત સાલ આ સમયે સોનાનો ભાવ ૧૦ ગ્રામનો ૨૪ કેરેટ ફાઇનનો ૫૦ હજારની આસપાસ હતો. જે આ વખતે વધીને ૬૨૫૦૦ થી ૬૨૭૦૦ વચ્ચે રહેવા પામ્યો છે.