અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં નવા નુતન વર્ષના પ્રારંભે આજે પ્રથમ જનરલ બોર્ડ મળ્યુ હતુ. બોર્ડમાં શાસકપક્ષ અને અધિકારીઓને ભીડવવા માટે વિપક્ષ તરફથી શહેરના અનેક સળગતા મુદ્દાઓને લઇને સવાલોનો ચક્રવ્યુહ રચવામા આવ્યો હતો પરંતુ તેના સવાલો ભરી સભામાં ચર્ચામાં જ ન આવે એ માટે શાસકોની વર્ષો જુની રણનીતિ મુજબ ભાજપના નગરસેવક વર્ષાબેન પાંધીએ મુકેલા પ્રથમ સવાલમાં જ એક કલાકનુ આખુ પ્રશ્નોતરી સેશન પુરુ કરી દેવામા આવ્યુ હતુ. પ્રશ્નોતરીમાં પ્રથમ સવાલ આંગણવાડીને લગતો હતો. મનપા સંચાલિત કુલ 3૬૨ આંગણવાડી શહેરમાં કાર્યરત છે.
તેમાથી ૬૫ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી હોવાનો સતાવાર રિપોર્ટ જનરલ બોર્ડમાં અપાયો હતો.બીજી એક ચોંકાવનારી હકિકત એ સામે આવી હતી કે, તમામ આંગણવાડીઓમાં બાળકોને પીવા માટે શુધ્ધ પાણી મળી રહે એ માટે આર.ઓ. પ્લાન્ટ નાખવા માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવણી કરી છે પરંતુ મોટાભાગની આંગણવાડીમાં હજુ સુધી આર.ઓ. પ્લાન્ટ ફીટ કરવામા આવ્યા જ નથી.
- રાજ્ય સરકારે ગ્રાન્ટ ચુકવી દીધી હોવા છતા મોટાભાગની આંગણવાડીઓમાં હજુ સુધી આર.ઓ.પ્લાન્ટ ફીટ કરવામા આવ્યા ન હોવાનો જનરલ બોર્ડની ભરી સભામાં શર્મનાક સ્વીકાર
- ૬૫થી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, દર મહિને અઢી લાખ રૂપિયા ભાડામાં ખર્ચાય છે
કુલ 3૭ સવાલો જનરલ બોર્ડમાં મૂકાયા હતા
જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં કુલ 3૭ સવાલો મુકવામા આવ્યા હતા. અગ્રતાક્રમમાં પ્રથમ નંબરે ભાજપના નગરસેવિકા વર્ષાબેન પાંધીના સવાલનો હતો. જ્યારે બીજા ક્રમે વિપક્ષી સભ્ય ભાનુબેન સોરાણીનો હતો. અને એ પછી તમામ સવાલો ભાજપના કોર્પોરેટરોના હતા. જો કે પ્રથમ સવાલમાં જ ચીગમની જેમ ચર્ચા ખેંચીને જનરલ બોર્ડ પુરુ કરી દેવામા આવ્યુ હતુ.