૪૦ વર્ષ જૂના પત્રકાર મિત્ર લવકુમાર મિશ્રાને જયારે પી.એમ.મોદીનો ફોન ગયો….
સમય રાત્રિના ૯:૪૫ આસપાસનો હશે. બિહારના પટણામાં સિનિયર પત્રકાર લવકુમાર મિશ્રા તેમના ઘરમાં રોજીંદા ક્રમમાં હતાં. ત્યાં જ તેમના મોબાઇલની રીંગ રણકી. સામે છેડેથી પુછવામાં આવ્યુ કે શું તમે લવ કુમાર મિશ્રા બોલો છો. લવકુમારે હા પાડી. સામે છેડેથી કહેવામાં આવ્યુ કે પી.એમ. નરેન્દ્ર મોદીજી આપસે બાત કરના ચાહેંગે , આપ અભી બાત કરોગે ? લવકુમારે હા પાડી. ફોન ટ્રાન્સફર થયો. ફોન ઉપર વંદેમાતરમનો રીંગટોન શરૂ થયો.થોડી જ ક્ષણોમાં રીંગ ટોન પુરો થયો અને એક ખુલ્લુ હાસ્ય સંભળાયુ. કહયુ. હું નરેન્દ્ર મોદી બોલુ છું. આજે મારે માટે સુરજ પશ્ચિમમાં ઉગ્યો છે. સામે છેડે લવકુમારે કહયુ પટણામાં તો સુરજ પૂર્વમાં જ ઉગ્યો છે. સામેથી પી.એમ. મોદીએ કહયુ કે મારે માટે સુરજ પશ્ચિમમાં એટલે ઉગ્યો છે કે લાંબા અરસા બાદ જુના મિત્રનો મોબાઇલ નંબર મને મળ્યો અને હું તમારી સાથે વાતચિત
કરી શકયો. બાદમા પી.એમ. મોદીએ લવકુમારના હાલચાલ પૂછયા. ઘર પરિવારના ખબર અંતર પૂછયા અને ખાસ તો મિશ્રાની હેલ્થની ચિંતા કરી.
વાતનો દોર સાંધતાં પી.એમ. મોદીએ તેમની તિવ્રસ્મરણ શકિતનો પરિચય આપતાં કાશ્મિરમાં મોદી પ્રચારક હતાં અને મિશ્રા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના કોરસપોન્ડન્ટ હતાં એ સમયના પ્રસંગની વાત કરી. છેલ્લે કયારે મળ્યા હતાં એવો સવાલ લવકુમારને કર્યો. ર૦૧3માં પટણામાં જયારે બોમ્બબ્લાસ્ટ થયો હતો અને કાર્યકરનું મૃત્યુ થયુ હતું એ પ્રસંગે મોદી વડાપ્રધાન નહોતાં બન્યા.પરંતુ બિહાર આવ્યા હતાં અને મૃતક કાર્યકરના પરિવારના નિવાસે મુલાકાત કરી હતી એ વાત કરી. એ પ્રસંગ પી.એમ.મોદીએ અક્ષરસ: મોબાઇલ ઉપરથી સામે છેડેથી વર્ણવ્યો. વાતનો દોર આગળ વધ્યો. મધ્યપ્રદેશમાં ચુંટણી સમયે પી.એમ. મોદી જયારે રાષ્ટ્રિય સેક્રેટરી હતાં અને ટિકિટની ફાળવણી માટે આવ્યા હતાં ત્યારનો પ્રસંગ યાદ કર્યો.
લવકુમાર મિશ્રા અગ્ર ગુજરાતને આ સમગ્ર ફોનનો શબ્દે શબ્દ રિકલેકટ કરીને વર્ણવે છે. પીઢ પત્રકાર તરિકે ઇન્દીરા ગાંધીથી માંડી નરેન્દ્ર મોદી સુધીના અનેક વડાપ્રધાનો,પ્રધાનો,દિગ્ગ્જ નેતાઓને નિયમિત મળવાનો મહાવરો હોવાથી કોઇથી ઝડપથી પ્રભાવિત થાય એવા લવકુમાર મિશ્રા નથી. તેઓ ભાવવિભોર થઇને કહે છે આ ફોન મારે માટે કૃષ્ણએ સુદામાને યાદ કર્યા હોય એવો રહયો. પી.એમ.મોદી સાથે વાતચિત થઇ તેની ખાસ બે બાબત મારે માટે નોંધનિય રહી. એક તો પી.એમ. મોદીની ખુબ જ તિવ્ર સ્મૃતિ. જે તે સમયની ઘટનાઓને તેમણે બખુબી વર્ણવી. બીજુ સમગ્ર ફોન દરમિયાન મને કયારેય એવો અહેસાસ ન થવા દીધો કે હું દેશના વડાપ્રધાન સાથે વાત કરું છું. ચાલીસ વર્ષ પહેલાંના બે દોસ્ત મળ્યા હોય એટલી જ સહજ પી.એમ. મોદીની વાતચિત રહી. ફોન પુરો કરતાં પહેલાં પી.એમ. મોદીએ લવકુમાર મિશ્રાને કહયુ કે તમારો નંબર નહોતો એટલે અંતરાલ લાંબો થઇ ગયો. પણ હવે તમારો નંબર મારી પાસે છેં. હું પુન: પટણા આવીશ ત્યારે તમને જરૂરથી યાદ કરીશ. આપણે મળીશુ.
નોંધ : લવકુમાર મિશ્રા વરિષ્ઠ પત્રકાર છે. તેઓ રાજકોટમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના બ્યુરો ચીફ તરીકે ખાસ્સો સમય ફરજ બજાવી ચુકયા છે. તેમના રાજકિય સંપર્કો તમામ પક્ષના ટોચના નેતા અને સંગઠનના નેતાઓ સાથે છે. રાજકોટ અને ગુજરાતીઓ પ્રત્યે તેમને ખાસ લગાવ છે. અગ્ર ગુજરાત પરિવારના તેઓ હંમેશા શુભેચ્છક રહયા છે.