શહેર અને જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 2300! આંગણવાડીમાં અપાતા આહાર જ ‘કુપોષિત’ હોય છે કે શું?
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતને કુપોષિતમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન માટે સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવે છે. આમછતા જોઇએ એવુ પરિણામ આવતુ નથી. અગાઉ વિપક્ષ કોંગ્રેસના એક ધારાસભ્યે વિધાનસભામાં માગેલી વિગતના જાહેર થયેલા સતાવાર આંકડા અત્યંત ચોંકાવનાર છે. એ વખતે અપાયેલી વિગતમાં સૌરાષ્ટ્રમાં ૧૮ હજારથી વધુ બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સતાવાર રિપોર્ટ અપાયો હતો. રાજકોટમાં કુપોષિત બાળકોનો આંકડો પણ ચિંતાજનક રીતે સામે આવ્યો છે. શહેરમાં ૨3૦૦થી વધુ બાળકો કુપોષણનો શિકાર હોવાની વિગત જાહેર કરવામા આવી છે. જો કે મનપાના આઇસીડીએસ વિભાગના અધિકારી તૃપ્તીબેન કામલિયાએ એવો દાવો કર્યો છે કે, છેલ્લા બે વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ ૬૦૦ આસપાસ કુપોષિત બાળકો જ રહ્યા છે. જો કે શહેર અને જિલ્લાની સ્થિતિએ ૨3૦૦ જેટલા કુપોષિત બાળકો હોવાનું જાણવા મળ્યું છે. તેમાના મોટાભાગના આંગણવાડી અને સરકારી સ્કુલમાં અભ્યાસ કરતા હોય તેવા જ ભુલકાઓ છે. ગઇકાલે જનરલ બોર્ડમાં આંગણવાડીને લગતા સવાલો સાથે નગરસેવકોએ હોહા ગોકીરો કર્યો હતો. પરંતુ જે મહત્વનો મુદ્દો કુપોષિત બાળકોને લગતો હતો તેની જ ચર્ચા ન થઇ. શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા શૂન્ય પર લઇ આવવા માટે કેવા કેવા અસરકારક પગલાં લેવા જોઇએ તેવી હેલ્ધી ચર્ચા કરવાના બાદલે અનર્થક કહી શકાય તેવી જ ચર્ચા ચિગમની જેમ ખેંચીને સામાન્ય સભા પુરી કરી દેવામા આવી.
કુપોષણને નાબુદ કરવામાં સરકારની નિષ્ફળતા પાછળના કારણમાં એક મોટું પરિબળ એ છે કે, મધ્યાહન ભોજનમાં ભેળસેળના કારસ્તાન સમયાંતરે બહાર આવે છે. અગાઉ રાજકોટમાં જ્યા મધ્યાહન ભોજનની રસોઇ બને છે એ સેન્ટ્રલી રસોડામાં ખુદ મનપાના જ પદાધિકારીએ ચેકિંગ કરતા તેનો પર્દાફાશ થયો હતો. સરકારના લાખ પ્રયત્ન છતા સ્થાનિક કક્ષાએ ભેળસેળિયા ભ્રષ્ટાચારીઓના પાપે બધુ પાણી ઢોળ થઇ જાય છે.
કુપોષણને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારના સ્તરે ભલે ગમે તેવા પ્રયાસ થતા હોય પણ સ્થાનિક કક્ષાએ ભેળસેળિયા એવા ભ્રષ્ટાચારીઓના પાપે ગરીબ બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. રાજકોટમાં 3૪3 આંગણવાડીના અંદાજે ૯ હજારથી વધુ ગરીબ બાળકોને મધ્યાહન ભોજન હેઠળ ખોરાક મોકલવામા આવે છે. અઠવાડિયાના વાર મુજબ નક્કી મેનુ ફિક્સ હોય છે. મેનુમાં પરભુર પોષણ મળે તેવી જ સામગ્રી ઉપયોગ કરવા સરકારે ધારાધોરણો બનાવ્યા છે. પરંતુ મધ્યાહન ભોજનમાં થતા ભ્રષ્ટાચારના પાપે બાળકોને પોષણયુક્ત ખોરાક મળતો નથી એ માનવુ જ પડે. અને તેમા કોઇને કોઇ રીતે મહાનગરપાલિકાનું જ ભ્રષ્ટ તંત્ર પાપનું ભાગીદાર છે તે વાત પણ સ્વીકારવી જ પડે.
જનરલ બોર્ડમાં આંગણવાડીને લગતી ચર્ચા અવળા પાટે ચડી ગઇ, શહેરની આંગણવાડીમાં આવતા 16 હજાર બાળકોનું આરોગ્ય ભગવાન
ભરોસો!
ભરોસો!
કસ્તુરબા પોષણ સહાય યોજના બિનઅસરકાર કે પછી તેમા’ય ભ્રષ્ટાચાર?
ગર્ભસ્થ માતાને પુરતુ પોષણ મળે એ માટે સરકારની કસ્તુરબા પોષણ સહાય યોજના અને સાથે આંગણવાડી કેન્દ્રમાં પણ યોજના ચાલે છે. કસ્તુરબા પોષણ સહાય યોજનામાં ગર્ભસ્થ માતા નામ નોંધાવે એટલે તેને રૂ.૨૦૦૦ની રોકડ સહાય આપવામા આવે છે અને જો સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવી હોય તો ત્યાંરે વધારાના રૂ.૨૦૦૦ આપવામા આવે છે. તેના માટે રાજકોટ જિલ્લામાં 3૪૪ પેટા આરોગ્ય કેન્દ્ર ચાલે છે. તેમા દર બુધવારે ખાસ મમતા દિવસ રાખવામા આવે છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં ગર્ભવતી માતાને સુખડી સહિતનો પોષણક્ષમ આહાર પણ સરકાર તરફથી આપવામા આવે છે. અહીં ગર્ભમાં જ શિશુના મોતનો જે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે એ જોતા સવાલ એ ઉઠે છે કે સરકારની કસ્તુરબા પોષણ સહાય યોજના અને આંગણવાડીની યોજના બીનઅસરકાર છે કે પછી તેમા’ય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે?
સમગ્ર રાજ્યમાં 1.42 લાખ કુપોષિત બાળકો
અગાઉ વિધાનસભામાં જ જાહેર કરાયેલો સતાવાર રિપોર્ટ
વિધાનસભામાં પુછાયેલા સવાલના સતાવાર જવાબમાં સમગ્ર રાજ્યની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યભરમાં કુલ ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ બાળકો કુપોષણનો શિકાર હોવાનો આંકડો હજુ થોડા સમય પહેલા જ સામે આવ્યો હતો. તેમાથી અતિકુપોષિત કહી શકાય તેવા ગંભીર કેસના બાળકોની સંખ્યા ૨૪,૧૦૧ હોવાનો રિપોર્ટ હતો.