પણ લોકો કહેશે કે સોના વિના અમે ગરીબાઈ અનુભવીએ તેનું શું: લોકો સુખ-સમૃદ્ધ હોવા જોઈએ કે દેશ સમૃદ્ધ હોવો જોઈએ એવી તાત્વિક ચર્ચા જવા દો…
નીલેશ શાહનું નામ ઇન્વેસ્ટેરો જાણે છે. સોનું એ આભૂષણ માટેની એક ધાતુ છે કે કમાણી કરવા માટેનું રોકાણનું માધ્યમ છે કે સંકટ સમયની સાંકળ છે? સૌની પોતપોતાની વ્યાખ્યા છે, પણ નીલેશ શાહે એક વાત કરી તે તેમના ચાહકો કેટલી સ્વીકારશે ખબર નહીં, પણ તેમણે કરેલી વાતને જાણવા જેવી અને સમજવા જેવી છે.
નીલેશ શાહે એક આંકડો આપ્યો છે કે છેલ્લા 21 વર્ષમાં ભારતે 500 અબજ ડોલરના મૂલ્યના સોનાની આયાત કરી છે. પાંચ ઉપર 12 મીંડા થાય એટલી રકમ. તેને રૂપિયામાં કન્વર્ટ કરો એટલે અંદાજે 41,669,600,000,000 (અંદાજે ચાર લાખ સત્તર હજાર કરોડ) થાય. આ ચાર લાખ કરોડ રૂપિયા જો ભારતમાં પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટમાં ગયા હોત તો કદાચ તેનો ફાયદો થયો હોત એવી ધારણાને આધારે તેમણે કહ્યું કે પાંચ ટ્રિલિયનની ઈકોનોમી માટેનું ભારતનું સપનું ક્યારનુંય પૂરું થઈ ગયું હોત. ભારતના લોકોની કમાણીના પૈસા આ રીતે વિદેશમાં જતા રહ્યા અને તેના બદલમાં પીળા રંગની ધાતુ ઘરમાં આવીને પડી રહી છે.
એનું મૂલ્ય સોનેરી છે, વેચવા જઈએ ત્યારે વધારે કિંમત મળે. એટલે વળતર પણ વધારે મળ્યું ગણાય, પરંતુ તેને પ્રોડક્ટિવ ગણાય કે નહીં? વ્યક્તિ માટે ખરું, કેમ કે રોકાણમાં ફાયદો થયો અને એક પ્રકારની સલામતી પણ રહી. બીજું કે કમાયા પછી હીરાજડિત વીંટી પહેરવાની ના થાય તો શું એવો એટલો જ તાત્વિક સવાલ સામે આવવાનો છે. પરંતુ આટલી મોટી રકમનું રોકાણ કોઈ ઈન્ડસ્ટ્રીમાં થયું હોત તો ત્યાં પણ રોકાણનું વળતર મળ્યું હોત. તેમાં વધારાનો ફાયદો એ થયો હોત કે મૂડી દેશમાં જ રહી હોત, ઉદ્યોગમાં અનેક લોકોને રોજગારી પણ મળી હોત.
દાખલા તરીકે સોલર પેનલની ઈન્ડસ્ટ્રીમાં આટલું મોટું રોકાણ થઈ શક્યું હોત તો તેના ઉત્પાદનમાં ભારત આગળ નીકળી શક્યું હોત. તેના બહુવિધ ફાયદા થયા હોત. સોનાની આયાતમાં પૈસા ગયા તેની સામે સોલર પેનલની નિકાસને કારણે દેશમાં પૈસા આવ્યા હોત. રોજગારી પણ ખરી અને સૌથી મોટો ફાયદો તો પર્યાવરણને થયો હોત. સોના માટેનો મોહ સમજાવવો એટલો સહેલો નથી કે આટલી સહેલાઈથી આખી સ્થિતિને સમજાવી શકાય.
દાખલા તરીકે સોનાની દાણચોરી. સોનાની માગ ત્યારે પણ હતી અને આજે પણ છે. સોનાની આયાત બંધ હતી એટલે દાણચોરી થતી હતી. દાણચોરીથી સોનુ આવતું અને એટલું નાણું વિદેશ પગ કરી જતું હતું. સોનાની આયાત પર ડ્યુટી સહિતના રેશનલાઇઝેશનના પગલાં લેવાયા પછી સોનાની દાણચોરીમાં ફરક પડ્યો. એટલે સોનાની જંગી આયાતમાં નાણું વિદેશ તણાઈને જતું રહે છે એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે લોકો પાસે રોકાણ માટેના સુરક્ષિત સાધનો કેટલા વધે. ત્રીજો મુદ્દો કે માત્ર રોકાણ કરીને જ સુરક્ષિત થઈ શકાશે તો સામાજિક રીતે કેટલો તણાવ રહેશે. રોકાણ કરી શકવાની સ્થિતિમાં ના હોય તે લોકો વૃદ્ધ થયા પછીય મજૂરી કર્યા કરે અને કેટલાક માણસો જિંદગીભર કામ જ ના કરે. બાપાના પૈસા વાયદા બજારમાં લગાવીને અને રોકાણ કરીને મેનેજમેન્ટ કર્યા કરે અને કમાયા કરે.
એટલે સોનાની આયાત એ માત્ર આર્થિક મુદ્દો નથી, તે સામાજિક અને અમુક રીતે રાજકીય મુદ્દો પણ છે. કલ્યાણ રાજ્યની કલ્પનામાં કોઈક એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ કે રોકાણ હોય કે ના હોય, મનુષ્યની પાછળની જિંદગીમાં એક પ્રકારની સુરક્ષા હોય. સરકારો પર આજેય નાગરિકોને ભરોસો નથી કે પોતાની સંભાળ રાખી શકશે. લોકો જાણે છે કે જાતે જ સુરક્ષિત જીવન કરવાનું છે. એટલે સોનાનો મોહ છે. માત્ર રોકાણ નથી કે કમાણી નથી કે વૈભવનો દેખાડો નથી, પણ એક પ્રકારની આર્થિક અને સામાજિક સુધારાનો ભાવ પણ તેની સાથે જોડાયેલો છે.
આપણી આ ચર્ચાનો કંઈ સાર નીકળે એમ લાગતો નથી. એટલે નીલેશ શાહની બીજી એક વાતનો પણ ઉલ્લેખ કરીને વાત પૂરી કરીએ. તેમણે કહ્યું કે નિયમિત સમાચાર આવતા રહે છે કે કસ્ટમ વિભાગે સોનાનો જથ્થો પડક્યો. એટલે દાણચોરી હજીય બેફામ ચાલે છે. લોકો દુબઈ ફરવા જાય ને પછી ઘરેણાં પહેરીને પરત આવે ને ગ્રીન ચેનલમાંથી બહાર નીકળી જાય છે. આ રીતે નીતિ પરિવર્તનથી દાણચોરી ઘટી હોય કે સોનામાં કાળું નાણું ઘટ્યું હોય તેવું કશું થયું નથી એવું પીએમ સલાહકાર સમિતિના સભ્ય કહેતા હોય તો આપણે માનવું પડે.
ટૂંકમાં વાતો છે બધી નક્કામી. સોનામાં દાણચોરી ચાલી રહી છે, દુબઈ જવાનું અને સોનુ લઈને આવવાનું એ ચાલે છે, (જમીન પછી બીજા નંબરે) સોનામાં કાળું નાણું સચવાઈ રહ્યું છે. એને દૂર કરવાનું વિચારોને… લોકોનો સોનાનો મોહ એ બધું જવા દો. કાળું નાણું દૂર કરવા માટે બે ફદિયાનુંય કામ થયું નથી એટલે સોના અને જમીનમાં જંગી મૂડી ફસાયેલી છે. તે છૂટી થાય તો પાંચને બદલે કદાચ પંદર બિલિયનની ઈકોનોમી પણ થઈ જાય.