ગઇકાલે જ્યા પાણી અપાયુ ન હતુ ત્યાં વિતરણ કરી તેના બદલે વોર્ડ નં.૪(પાર્ટ), જિલ્લા ગાર્ડન ઝોન અને ચંદ્રેશનગર ઝોનના વિસ્તારોને તરસ્યા રખાયા
રાજકોટ મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સતત બીજા દિવસે ખોરવાયેલી રહી હતી. ગઇકાલે વોર્ડ નં.૧, ૨, ૯, ૧૦(પાર્ટ) અને ગાંધીગ્રામ વિસ્તારમાં એક ટીપુ પાણી વિતરણ ન થયા બાદ આજે આ વિસ્તારને પાણી આપી તેના બદલે બીજા ત્રણ વોર્ડમાં વોર્ડ નં.૪(પાર્ટ), જિલ્લા ગાર્ડન ઝોન અને ચંદ્રેશનગર ઝોનના ત્રણ વોર્ડને તરસ્યા રાખીને પાણી વિતરણના બે છેડા ભેગા કરવાની નોબત આવી હતી. સતત બીજા દિવસે એક નહીં તો બીજા વિસ્તારોને તરસ્યા રાખીને ડખ્ખે ચડેલી પાણી વિતરણ વ્યવસ્થા બીજા દિવસે પણ પાટે ચડી નથી.
મનપાની પાણી વિતરણ વ્યવસ્થામાં એક સંધાય ત્યા તેર તૂટે જેવી કમનસીબીભરી પરંપરા નવા નૂતનવર્ષના પ્રારંભે પણ ચાલુ રહી છે. ગઇકાલે તો ન્યૂ રાજકોટના એકસાથે ચાર વોર્ડના સંખ્યાબંધ વિસ્તારના આશરે ત્રણ લાખથી વધુ લોકોને પાણી મળ્યુ ન હતુ. હડાળા પાસે નર્મદા આધારિત પમ્પીંગ સ્ટેશને મોટી વીજક્ષતિ સર્જાતા ન્યૂ રાજકોટમાં કે જ્યા નર્મદા આધારિત પાણી વિતરણ વ્યવસ્થા વેરવિખેર થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારોમાં પાણીકાપનો સીલસીલો ચાલી રહ્યો છે.
આ અંગે મનપાની વોટર વકર્સ શાખામાંથી મળતી માહિતી મુજબ હડાળા પમ્પીંગ સ્ટેશન પર આવતી નર્મદાની લાઇનમાં ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી પાણી ટ્રાન્સફર કરવામા આવે છે. જે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પ્રોસેસ કરીને બાદમાં જે તે વિસ્તારમાં વિતરણ કરવામા આવે છે. ગઇકાલે સવારે ૬ વાગ્યે નર્મદા આધારિત આ પમ્પીંગ સ્ટેશન ખાતે મોટો વીજ ફોલ્ટ સર્જાતા રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવો પડ્યો હતો. એક ટીપુ પાણી પ્રોસેસ થઇ શક્યુ ન હતુ. જેના કારણે ગઇકાલે નર્મદા આધારિત સવારના સમયે પાણી વિતરણ થતુ હોય તેવા વોર્ડ નં.૧, ૨, ૯ અને ૧૦(પાર્ટ)માં પાણી વિતરણ થઇ શક્યુ ન હતુ. દરમિયાન આજે સતત બીજા દિવસે પણ વિતરણ વ્યવસ્થાની ગાડી પાટે ચડી ન હતી. ગઇકાલે જે વિસ્તારમાં પાણીકાપ હતો એ વિસ્તારના બદલે આજે વોર્ડ નં.૪(પાર્ટ), ચંદ્રેશનગર અને જિલ્લા ગાર્ડન ઝોનના વોર્ડ નં.૭(પાર્ટ), વોર્ડ નં.૮(પાર્ટ)ના રહેવાસીઓને તરસ્યા રાખવામા આવ્યા હતા.