તેના બાળકો સાથે વન્ય વિસ્તારમાં 3૦૦ કિલોમીટરની પદયાત્રા કરી
એક બાળકને જન્મ આપ્યા બાદ ૧3 મહિનામાં ફરી પ્રસૂતા બનવાનો એશિયાટીક પ્રજાતીનો વિક્રમ સર્જયો
પરિમલ નથવાણી, ડૉ. જલ્પા રૂપાપરા અને ડૉ. પૂર્વેશ કાચાએ સિંહણની આ યાત્રાને ટ્રેક કરીને નોંધ કરી રસપ્રદ વિગતો બહાર લાવી
રાજુલાની રાણી તરીકે જાણીતી થયેલી આ સિંહણની કથા ગીરની ગૌરવગાથામાં એક નવું છોગું ઉમેરે છે. ગીરના જંગલમાંથી ચારે દિશામાં સિંહ પરિવારો ફેલાયા છે અને તેમાં રાજુલા પંથકનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં અહીં સિંહો વસવા લાગ્યા છે તેમાંની એક સિંહણે અભ્યાસુઓનું ધ્યાન ખેંચ્યું છે. એશિયાટિક સિંહ તરીકે જાણીતી ગીરની આ પ્રજાતિને કેટલીક ખાસિયત છે, જેમાં નવા વિક્રમો આ સિંહણે નોંધાવ્યા છે.
સિંહણ એક વાર માતા બને પછી બીજી વાર પ્રસૂતા થવામાં વચ્ચે ઓછામાં ઓછો 24 મહિનાનો ગાળો હોય છે. તેની જગ્યાએ એક બચ્ચાના જન્મ પછી માત્ર 13 મહિનામાં તે ફરી પ્રસૂતા બની હતી અને બચ્ચાને જન્મ આપ્યો હતો. એશિયાટિક પ્રજાતી માટે આ એક વિક્રમ છે. તે પછી બીજો વિક્રમ સંજોગો અનુસાર સર્જાયો, કેમ કે બચ્ચાને બચાવવા માટેની માની કુદરતી પ્રકૃતિ હોય છે તે અનુસાર બચ્ચાની સલામતી માટે તેણે 300 કિલોમિટરની સફર કરી હતી. પહોંચવું હતું પોતાના રાજુલા પંથકમાં પણ પહોંચી ગઈ હતી બીજા છેડે છેક પોરબંદર પાસે.
આ આખી ઘટના બે સંશોધકો અને સિંહપ્રેમી પરિમલ નથવાણીના પ્રયાસોથી દસ્તાવેજીકરણ પામી છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી પ્રકૃતિ પ્રેમી છે અને સિંહ સંવર્ધન માટે પ્રયાસો કરે છે. બે સંશોધકો એટલે ડૉ. જલ્પા રૂપાપરા અને ડૉ. પૂર્વેશ કાચાએ સિંહણની આ યાત્રાને ટ્રેક કરીને નોંધ કરી છે.
10 વર્ષની ઉંમર પછી ચાર બચ્ચા સિંહણને થાય એવું પણ ના બને, પણ રાજુલાની રાણીએ કુદરતી ક્ષમતા દેખાડી હતી. આ વિસ્તારમાં બીજી સિંહણના બચ્ચા હતા તેની સંભાળ લેવાનું પણ આ સિંહણે શરૂ કર્યું હતું અને એટલે જ તેને રાણી નામ મળ્યું.
ગયા ઉનાળે તેને બચ્ચા થયા પછી તે માનવ વસાહત નજીક પહોંચી હતી. તેણે એક જણ પર હુમલો કર્યો હતો એટલે વન વિભાગે તેને ત્યાંથી ખસેડી હતી અને ગીર અભ્યારણ્યમાં છોડી હતી. જોકે તેના માટે આ નવો વિસ્તાર હતો અને અહીં એક સિંહે ચારમાંથી તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હતા. હવે પોતાના એક જ બચેલા બચ્ચાની સુરક્ષા માટે તેણે અભ્યારણ્ય છોડીને ફરી રાજુલાની વાટ પકડવાનું નક્કી કર્યું.
થયું એવું કે રાજુલા તરફ આગળ વધવા લાગી ત્યારે વચ્ચે ઉંધી દિશા પકડી લીધી અને ચાલતી ચાલતી છેક પોરબંદર સુધી પહોંચી ગઈ. આ રીતે બચ્ચાને બચાવવા માટે 300 કિમી સિંહણ ચાલી હોય તેવું એશિયાટીક સિંહોમાં નોંધાયું નથી એમ સંશોધકો કહે છે. માનવ વસતિથી વચ્ચે થઈને તે પોરબંદર સુધી પહોંચી ગઈ હતી અને ત્યાં ગયા પછી તેને લાગ્યું કે ફસાઇ ગઈ છે. પાંચેક દિવસ ત્યાં રહી હતી અને તે દરમિયાન ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રીવાસ્તવને જાણ થઈ પછી તેને ત્યાંથી પકડીને રાજુલા પંથકમાં પહોંચાડવાનું નક્કી થયું હતું.
ડૉ. રૂપાપરા અને ડૉ. કાચાના જણાવ્યા અનુસાર બચ્ચાને બચાવી રાખવા માટે મારણ કર્યા પછી પણ સિંહણ ત્યાં વધારે રોકાતી નહોતી અને ચાલતી રહી હતી. સામાન્ય રીતે મારણ કર્યા પછી એક કે બે દિવસ સિંહ ત્યાં રહી જતા હોય છે. પરિમણ નથવાણી કહે છે, ‘સિંહોને રાજુલા પંથકમાં માફક આવી ગયું છે અને આ સિંહણ પર ત્યાં સલામત રહી શકાશે તેમ સમજીને આટલી લાંબી સફરે નીકળી પડી હતી એ પણ કુદરતની એક કમાલ છે.’