મુખ્ય સ્પર્ધા ભાજપ – કોંગ્રેસ વચ્ચે છે તેનો છેલ્લો દિવસ આજે રાજસ્થાનમાં, તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન અને પરિણામ ત્રીજી ડિસેમ્બર, તે પહેલાં ગણતરીઓ કરવાની છેલ્લી ઘડીઓ
રાજસ્થાનમાં ફુલગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશમાં 76 ટકા કરતાંય વધારે મતદાન થયું હતું, જે રાજ્યની વિધાનસભામાં હાઈએસ્ટ મતદાનનો રેકોર્ડ રહ્યો છે. ગત વખતે રાજસ્થાનના મતદારોએ તેના ઈતિહાસનું સૌથી વધુ મતદાન નોંધાવ્યું હતું – 75.76. મધ્ય પ્રદેશ એ બાબતમાં આગળ નીકળી ગયું તો શું રાજસ્થાન પણ આ વખતે 2013 વિધાનસભા ચૂંટણીનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ કરશે? મતદાનની ટકાવારીના આધારે અંદાજ મૂકવાની એક રીત હોય છે. હવેના જમાનામાં એક્ઝિટ પોલ પણ આવે છે. તે પણ ઓપિનિયન પોલ કરતાં થોડો વધારે નજીકનો અંદાજ આપે છે.
એટલે રાજસ્થાનમાં આજ સાંજ સુધીમાં કેટલું મતદાન થાય છે તેની પણ ગણતરી થશે. ગત વખતે આમ રાબેતા મુજબની ચૂંટણી હતી અને રાજસ્થાનની ચૂંટણી પરંપરા પ્રમાણે દર વખતે સરકાર બદલાઈ તેમ સરકાર બદલાવાની તૈયારી હતી. આ વખતે મામલો જરા જુદો છે અને પરંપરા બદલાશે કે યથાવત રહેશે તેની પણ ભારે ઉત્સુકતા છે. અશોક ગેહલોત માટે આ છેલ્લી ચૂંટણી છે એટલે તેઓ આત્મવિશ્વાસ સાથે રાજસ્થાનમાં જ રહી ગયા છે. તેમને કેન્દ્રમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાની તક હતી. તેમનું નામ નક્કી થયું હતું ત્યારે બળવા જેવી સ્થિતિ ઊભી કરીને પણ તેઓ રાજસ્થાનમાં જ રહ્યા. કદાચ એટલા માટે કે તેમને લાગ્યું હતું કે આ વખતે પુનરાવર્તનની તક છે. સતત બીજી વાર મુખ્યમંત્રી બનવા માટેની તક જોઈને જ તેમણે કોંગ્રેસના પ્રમુખ બનીને દિલ્હી જવાનું ટાળ્યું હતું.
પોતાના પક્ષની સ્થિતિ કરતાં હરિફ ભાજપની સ્થિતિને કારણે ગેહલોત અને કોંગ્રેસને આશા છે. વસુંધરા રાજેની ધરાર ઉપેક્ષા અને માત્ર મોદીના નામે ચૂંટણી લડાઈ રહી છે ત્યારે તેની સામે અશોક ગેહલોત એકલે હાથે ટક્કર લઈ રહ્યા છે. સચિન પાઇલટના સરકાર તોડી પાડવાના બળવાને પણ નકામો કરીને તેઓ ટકી ગયા હતા. તે પછી મોવડીમંડળને નમાવીને પાઇલટનું વિમાન તેમણે નીચે ઉતારી લીધું છે. આ વખતે સચિન સમય સમજીને શાંત રહ્યા છે, જ્યારે હરિફ ભાજપમાં આંતરિક અસંતોષ ઉલટાનો વધ્યો છે. મજાની વાત એ છે કે અશોક ગેહલોત જેની ગેરન્ટી આપે તેનું અનુકરણ કરવાની ફરજ ભાજપને પડી રહી છે. ગેહલોતે 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની વાત કરી તો ભાજપે મજબૂર થઈને કહેવું પડ્યું કે અમે 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપીશું.
કોંગ્રેસે હવે કહેવાનું શરૂ કર્યું છે કે તો પછી અમે 400 રૂપિયામાં આપીશું. આ રીતે હરિફાઇ કરવી પડી તેમાં ભાજપ માટે સોખમણ ઊભી થઈ છે, કેમ કે રાજસ્થાનમાં 450 રૂપિયે ગેસનો બાટલો આપવાનો તો અલ્યાઓ મધ્ય પ્રદેશમાં નહીં આપવાનો? છત્તીસગઢ રાજ્યના લોકોનો શું વાંક? તેલંગાણાના નાગરિકો પારકા છે કે તેમને ગેસના ભાવમાં રાહત ના મળે? એમ તો આપણે ગુજરાતમાં પણ પૂછવું પડેને કે રાજસ્થાનમાં તમારે 450 રૂપિયે બાટલો આપવો છે તો ગુજરાતમાં શા માટે 1100 રૂપિયા તોડી લેવામાં આવે છે?
આવા ઘણા સવાલો રાજસ્થાન સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઊભા થયા છે. આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની અસર આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ થશે એવું ઘણા માનવા લાગ્યા છે. કેમ કે એક ટ્રેન્ડ ઊભો થઈ રહ્યો છે કે માત્ર ઇલેક્શન મેનેજમેન્ટથી ચૂંટણી જીતી લેવાની વાત હવે નહીં ચાલે. વારંવાર એકની એક વાત ના ચાલે એટલે લોકો હવે જુદી રીતે ચૂંટણીઓને જોવા લાગ્યા છે. પોતાની લાગણીને ઉશ્કેરવા માટે કેવી રીતે પ્રયાસો થાય છે તે વાત હવે દિવા જેવી ચોખ્ખી લોકોને દેખાવા લાગી છે.
દાખલા તરીકે સીધા રાજેશ પાઇટલને યાદ કરાયા કે કોંગ્રેસે તેમને અન્યાય કર્યો હતો અને આજે તેમના દિકરા સચિનને પણ અન્યાય કરે છે. ગુર્જર મતોમાં ભાગલા પાડવા માટે દાવ ખેલાયો છે, પણ તેને કાઉન્ટર કરવાની જરૂર કોંગ્રેસને રહી નથી. લોકો આવી રીતે જ્ઞાતિના નામે ભેદભાવ ઊભા કરીને ખેલ પાડવાની કોશિશને વધારે સારી રીતે સમજવા લાગ્યા છે. તમારે ઓબીસીની વાતો કરવાની પણ શિવરાજસિંહ સિવાય ક્યાંય ઓબીસી મુખ્ય પ્રધાન નહીં આપવાના! તેલંગાણામાં જઈને જાહેરાત કરવાની કે ભાજપની સરકાર આવશે તો ઓબીસી મુખ્ય પ્રધાન હશે, કેમ કે ત્યાં સરકાર આવવાની જ નથી. તો પછી ગુજરાતમાં કેમ જાહેરાત ના થાય કે ભાજપ ઓબીસીને મુખ્ય પ્રધાન બનાવશે? શું ગુજરાતના ઓબીસી અણમાનીતા છે?
એની વે, રાજસ્થાનમાં આજે કેટલા ટકા મતદાન થાય છે, ગત વખતનો રેકોર્ડ તોડીને મધ્ય પ્રદેશનો પણ રેકોર્ડ તોડે છે કે કેમ, મહિલાઓનું મતદાન વધારે થાય છે કે કેમ અને જુદા જુદા પ્રદેશો અને શહેરની સામે ગ્રામીણ વિભાગોમાં કેટલું મતદાન થાય છે તે આંકડાં અનુસાર એક અંદાજ મૂકાશે. તે પછી હવે માત્ર તેલંગાણાનું મતદાન 30 નવેમ્બરે છે ત્યારે એક્ઝિટ પોલ પણ આવશે. પહેલી ડિસેમ્બરથી અંદાજો મૂકાશે અને ત્રીજી તારીખે બપોર સુધીમાં ઉત્સૂકતાનો અંત આવવા લાગશે. એક અઠવાડિયું કાઢી નાખો…