શહેરના વિકાસ માટે ૬૦માંથી ૪3 ટીપી સ્કીમ સલવાયેલી પડી છે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ એ મીની મુંબઇનગરી કહેવાય છે. પણ આ વાત માત્ર કહેવા પુરતુ જ છે. જમીન પરની, ધરાતલ વાસ્તવિકતા અલગ જ છે. માત્ર કહેવા પુરતુ જ વિકસિત શહેર ગણાવવામા આવતુ હોય તેવી નરી વાસ્તવિકતા ઓનપેપર છે. ભાજપના સ્થાનિક સતાધિશો રાજકોટ મેટ્રો સિટી બનવા તરફ ખુદ ઝડપથી આગેકૂચ કરી રહ્યુ છે તેવી છબી ધરાર ઉપસાવવા માગે છે પણ શહેરની નગર રચનાને ખુદ રાજ્યની ભાજપ સરકારે જ ગળાટૂંપો આપી રાખ્યો છે. કોઇપણ શહેરના વિકાસ માટે મહત્વપુર્ણ ટીપી સ્કીમ એટલે કે વિકાસની રૂપરેખા નક્કી કરતી નગર રચનાઓ હોય છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં ૬૦ ટીપી સ્કીમ છે. પણ દૂર્ભાગ્ય એ કે તેમાથી ૧૭ ટીપી સ્કીમ સંપૂર્ણ રીતે ફાઇનલ થઇ છે. બાકીની ૪3 ટીપી સ્કીમ પ્રિલીમીનરી અને ડ્રાફ્ટ કક્ષાએ છે. એમાથી અમુક ટીપી સ્કીમ તો ૨૦ વર્ષથી ફાઇનલ થતી નથી.ડ્રાફ્ટ ટીપી સ્કીમને સરકાર મંજૂર કરે એટલે મહાપાલિકા માત્ર રસ્તાનો જ કબજો લઇ શકે છે. એ સિવાય વિવિધ હેતુના અનામત પ્લોટમાં મનપા કોઇ હસ્તક્ષેપ કરી શકતુ નથી.
જેના કારણે એ ટીપી સ્કીમ હેઠળ આવતા વિસ્તારમાં માળખાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થઇ શકતો નથી. રાજકોટમાં આવી ૪3 ટીપી સ્કીમ હેઠળના વિસ્તારમાં વિકાસની વિપુલ તક હોવા છતા ટીપી સ્કીમ મંજૂર થતી ન હોવાથી વિકાસ હાલ રૂંધાઇ ગયો છે.