રેસકોર્સ, એસ.ટી, રેલવે, શાસ્ત્રીમેદાન, જંકશન સહિતના વિસ્તારોમાં ફૂટપાથવાસીઓનો મનપાનો સર્વે
મનપાએ બનાવેલા રેનબસેરા, નાઇટ સોલ્ટર અડધો અડધ ખાલી, ફૂટપાથવાસીઓને ત્યાં ખસેડવામા નહીં આવે તો હાડથીજાવતી ઠંડીની લપેટમાં આવી શકે
અમુક હાઇફાઇ સોસાયટીમાં કરોડો રૂપિયાના બંગલાની સામે તણાઇ ગયા છે ઝૂપડા-દંગાના ડેરા તંબુ
અગ્ર ગુજરાત, રાજકોટ
શિયાળાની કડકડતી ઠંડીમાં આખુ ઘર હક્કડેઠઠ્ઠ બંધ કરી દીધા બાદ ઠંડીમાં ધ્રુજતા અમીર લોકો ઘરમાં ગરમાવો લાવવા એક બાજુ હિટર ચલાવે છે. ત્યારે સમાજમાં બીજો એક વર્ગ એવો છે કે ઘરનું નાનકડુ ઝુપડું પણ નસીબ નથી હોતું. રાજકોટમાં આવા અંદાજે ૧૪૦૦થી વધુ લોકો શહેરની જુદી-જુદી ફૂટપાથો, એસટી, રેલવે સ્ટેશન કે એવી સરકારી જગ્યાઓની ઓથે નાના બાળકો સાથે કડકડતી ઠંડીમાં સુવે છે. તેવો મનપાનો અગાઉનો સર્વે છે. જો કે આવા ફૂટપાથવાસીઓને રેઇન બસેરા(નાઇટ સોલ્ટર)માં રહેવાની ફરજ પાડવામા મહાનગરપાલિકા નિષ્ફળ નીવડે છે.
રાજકોટ મનપાએ બેડીપરા, જંગલેશ્વર, મરચાપીઠ સહિતની જગ્યાએ તેમજ ભોમેશ્વરમાં ડોરમેટરી નાઇટ શેલ્ટર પણ બનાવ્યા છે. જે લોકો પાસે રહેવા ઘર અને છત નથી તેવા ફૂટપાથવાસીઓ માટે સુવા માટે બેડ, લાઇટ, પાણી, અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાઓની મદદથી ભોજન સહિતની સુવિધા આપવામા આવે છે. આટલી સુવિધાસભર નાઇટ શેલ્ટર અને રેઇન બસેરા હોવા છતાં મોટાભાગે ખાલીખમ પડેલા છે. અને બીજીબાજુ મનપાના જ છેલ્લા થયેલા સર્વે મુજબ ૧૪૦૦થી વધુ ભિક્ષુક સહિતના લોકો ફૂટપાથ પર જ સુએ છે.
કડકડતી ઠંડી શરૂ થાય ત્યાંરે દર વર્ષે એવા બનાવ બનતા જ હોય છે કે, ઠંડીની ઝપટમાં આવીને મૃત્યુ પામ્યા હોય. છેલ્લાં ત્રણ દિવસથી હાડથીજાવતી ઠંડીનું મોજુ ફરી રહ્યુ છે. અને હજુ તો આગામી દિવસોમાં દિવસે પણ થાબડા ઓઠવા પડે તેવી કડકડતી ઠંડી પડવાની આગાહી છે. આવા સંજોગોમાં ફૂટપાથવાસીઓને નાઇટ શેલ્ટરમાં જવાની ફરજ પાડવી જોઇએ.
ખાસ કરીને રેસકોર્સમાં ફૂગ્ગા વેચીને સંકુલમાં જ પડ્યા પાથર્યા રહેનારાઓને ગમે તેટલી વખત ત્યાંથી હટાવવા છતા ૨૪ કલાકમાં જ ફરી ત્યાં આવીને ધામા નાંખી દે છે. અહીં ભિક્ષુકો કે ફૂટપાથવાસીઓ સામે કોઇ વાંધો ન હોય શકે પરંતુ તેનાથી શહેરના હજારો લોકોને ન્યૂસન્સનો સામનો કરવો પડે છે તેવી વ્યાપક ફરિયાદો પણ ઉઠી રહી છે. અમુક જગ્યાએ તો કરોડો રૂપિયાના બંગલાની સામે ઝૂપડા-દંગા બનાવીને દેવીપૂજકો અથવા તો ભિક્ષુકોના ડેરા તંબુ તણાઇ જાય છે.
શું આનંદ પટેલ અને નયનાબેન પેઢડિયા પૂર્વ કમિશનર-મેયરની જેમ રાત્રે ડ્રાઇવમાં નીકળશે?
ભૂતકાળમાં પુર્વ મ્યુનિ. કમિશનર આરતી કંવર, ડો.દિનેશ બ્રહ્મભટ્ટ અને પુર્વ મેયર જનકભાઇ કોટક ખુદ જાતે જ રાત્રે કડકડતી ઠંડીમાં નીકળી પડતા હતા અને ફૂટપાથવાસીઓને રેઇન બસેરામાં સ્થળાંતર થવાની ફરજ પાડતા હતા. વર્તમાન મેયર નયનાબેન પેઢડિયા અને મ્યુ.કમિશનર આનંદ પટેલ પણ પ્રયાસ કરવા જોઇએ. પરંતુ આ બધાને રેઇન બસેરામાં રહેવાની ટેવ પાડવા મનપા માટે મોટો પડકાર છે.
દેવીપૂજકોને છેક ચોટિલા સુધી મુકી આવવા છતા ૧૨ કલાકમાં જ ફરી રેસકોર્સમાં ધામા!
આ અગાઉ રેસકોર્સમાં જ પડયા પાથર્યા રહેતા ફગ્ગાવાળા દેવીપુજકોનું ન્યૂસન્સ વધતા મનપાએ ખાસ ડ્રાઇવ ચલાવી હતી. સતત દિવસો સુધી ચેકિંગ કરીને રેસકોર્સમાંથી હટાવ્યા હતા. એક વખત તો બધાને એક ટ્રકમાં ભરીને છેક ચોટિલા સુધી મુકી આવવમા આવ્યા હતા. પરંતુ ૧૨ કલાકમાં જ પરત રેસકોર્સમાં ધામા નાંખી દીધા હતા.
રાજકોટને ભિક્ષુકમુક્ત કરવા મેયર પૂર્વ મેયર ડો.ડવે 3 વર્ષ પહેલા લીધેલો સંકલ્પ પણ ‘ઠુઠવાઇ’ ગયો
રાજકોટના રેસકોર્સ રિંગરોડ, એસ.ટી., રેલવે ઉપરાંત હરવા ફરવાના અન્ય જાહેર સ્થળોએ પડ્યા પાથર્યા રહેતા ભિક્ષકો અને દેવીપુજકો દ્વારા ન્યૂસન્સ ફેલાવવામા આવતુ હોવાની ફરિયાદ મેયર ડો.પ્રદીપ ડવ જ્યારે ખુરશી સંભાળી હતી ત્યાંરે મળી હતી. એ વખતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓ અને વીજીલન્સ પોલીસ સાથે રેસકોર્સ રિંગરોડ પર કાફલો ત્રાટક્યો હતો. દરમિયાન પૂર્વ મેયર ડો.ડવે કહ્યુ હતુ કે, આવતા ૧૦૦ દિવસમાં રાજકોટને માર્ગો પરથી ભિક્ષુકમુક્ત બનાવવાનો સંકલ્પ છે. તમામને રેઇન બસેરામાં આસરો આપવામા આવશે. જો કે આ વાતને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છતા કમનસીબીરૂપ ૧૪૭૫થી વધુ ભિક્ષુકો-નિરાશ્રિતો ફૂટપાથ અને ખુલ્લામાં આશ્રય લે છે.
આજે બપોરે ૪ વાગ્યે રેનબસેરા અંગે બેઠક
રાજકોટ મ્યુ.કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ આગામી કાતિલ ઠંડીના દિવસોમાં ગરીબો અને ભીક્ષુકો જાહેરમાં ફૂટપાથ પર ન સુવે અને તેમની કાળજી લેવાય તે માટે રેનબસેરામાં તમામ વ્યવસ્થા કરવા અને તેમને ત્યાં ખસેડવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં મનપા સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.