મધ્ય પ્રદેશમાં કર્ણાટકની જેમ એક તરફી ઝોક દેખાયો છે, પણ પડોશી રાજસ્થાનનો રણસંગ્રામ રહી રહીને રસપ્રદ બની શકે છે, કેમ કે કટોકટના આંકડાં આવ્યા છે
પાંચ રાજ્યોની ચૂંટણીને સેમી ફાઇનલ ગણાવાય છે, પણ એ વાત સાચી નથી. ગયા વર્ષે પણ પાંચ અગત્યના રાજ્યોની ચૂંટણીઓ હતી, જેને આપણે લગભગ ભૂલી ગયા છીએ. પાંચ મહિનામાં આ પાંચ રાજ્યોના પરિણામો પણ આમ ભૂલાઈ જશે અને નવી શું રાજકીય સ્થિતિ છે તે સંદર્ભમાં જ તેને ટાંકવામાં આવશે. છેલ્લા બે દાયકાથી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ રીતે લડાતી આવી છે. લોકસભામાં દેશનો મિજાજ જુદો હોય છે. પરંતુ આ પાંચ રાજ્યોની ચૂંટણી પણ પોતાની રીતે રસપ્રદ રહી અને તેના પરિણામો કદાચ વધારે રસપ્રદ નીવડે એમ પણ લાગે છે. ખાસ કરીને ઓપિનિયન પોલ્સ ધીમે ધીમે રંગ બદલતા રહ્યા હતા. એક્ઝિટ પોલ થોડા નજીકના હોય, પણ જુદી જુદી એજન્સીઓએ કરેલા એક્ઝિટ પોલમાં વિરોધાભાસ દેખાય છે. તે સ્વાભાવિક છે કે કેમ રમત આંકડાંની છે તે એક્ઝેટ રાજકારણમાં ના હોય. એક ટ્રેન્ડ દેખાડવા માટે આંકડાં હોય છે.
આ એક્ઝિટ પોલ એ જ રીતે એક ટ્રેન્ડ દર્શાવે છે કે કોંગ્રેસ મુક્ત ભારત થવાનું નથી. ભાજપ મુક્ત ભારત પણ ના કરવાનું હોય. પ્રાદેશિક પક્ષોને પણ જાળવી રાખવાના હોય. રાજસ્થાનની જેમ વારાફરતી સત્તા સોંપો તો સુખાકારી સારી રહી છે. એક જ પક્ષની, સ્થિર સરકારના અદૃશ્ય ભયસ્થાનો હોય છે અને અંદરથી તે કોતરી ખાનારા હોય છે. પશ્ચિમ બંગાળને તે બહુ બૂરી રીતે સમજાયું હતું અને ડાબેરીઓના 33 વર્ષના શાસન માંડ છૂટ્યું હતું. ગુજરાતમાં પણ શું થયું ત્રણ દાયકામાં તે સમજવા માટે ભવિષ્યની રાહ જોવાની છે.
દરમિયાન રાજસ્થાનમાં સૌથી રસપ્રદ આંકડાં આવ્યા છે અને એક કમેન્ટ એવી આવી કે કદાચ અહીં પધારો મારે દેશના મશહૂરી સૂત્રની જેમ પધારે મારો રિસોર્ટ કરવું પડે તો નવાઈ નહીં લાગે. તેનું કારણ એ કે પરંપરા પ્રમાણે ભાજપને અહીં સત્તા મળે તો સહજ લાગે, પણ ભાજપને મધ્ય પ્રદેશની જેમ બહુ મોટી બહુમતી મળતી દેખાતી નથી. ભાજપ જીતે છે પણ પાતળી બહુમતીથી. પરંતુ એક્ઝિટ પોલનો એક્ઝેટ મિનિંગ આંકડાંઓથી નહીં, ટ્રેન્ડથી કાઢવાનો હોય. ટ્રેન્ડ પ્રમાણે મધ્ય પ્રદેશની જેમ સ્પષ્ટપણે ભાજપ આગળ દેખાવું જોઈએ. તેના બદલે ઓપિનિયન પોલ આગળ વધતા ગયા તેમ કોંગ્રેસ ચિત્રમાં આવવા લાગી હતી. એક્ઝિટ પોલ સુધી તે ચિત્રમાં રહી છે અને તેની સંપૂર્ણ એક્ઝિટ થઈ નથી.
અને સૌથી ધ્યાન ખેંચનારો આંકડો અને તેના પર આધારિત ટ્રેન્ડ છે અન્યના ફાળે જતી બેઠકો. પાંચેય રાજ્યોમાં અન્યના ખાનામાં સૌથી વધુ બેઠકો રાજસ્થાનમાં દેખાઈ રહી છે. અન્ય પક્ષોના ફાળે ડબલ ડિજિટમાં બેઠકો જશે એવું મોટા ભાગની એજન્સીઓ દર્શાવી રહી છે. આ અન્ય પક્ષોમાં કદાચ બીએસપી પણ હોઈ શકે છે. બીએસપીને છેલ્લી બે ચૂંટણીઓમાં એ રીતે ફટકો પડતો રહ્યો છે કે તેના ધારાસભ્યો અડધ જેટલા જીતે, પણ પછી તેને બીજા પક્ષો ખેંચી જાય છે. ગત વખતે 99 પર કોંગ્રેસનો આંકડો અટક્યો હતો અને તે પછી અપક્ષો અને બીએસપીના આધારે અશોક ગેહલોતને સરકાર બનાવી હતી. બીએસપીનો માત્ર ટેકો નહીં, તેના બધા જ ધારાસભ્યોને કોંગ્રેસમાં જ ભેળવી દેવાયા હતા.
આ વખતે ઓપિનિયન પોલમાં બીએસપીની અલગથી બેઠકો નથી દેખાડાઈ અને તેમ છતાં અધર્સમાં ઘણી સંખ્યા મોટા ભાગનાએ દેખાડી છે. તેનો અર્થ શું થાય? તેનો અર્થ એ કે ભાજપે ઘણા બધા જૂનાને ઘરભેગા કર્યા છે. ઘણાને ટિકિટ આપી નથી અને બળવાખોરી પણ જોવા મળી છે. કોંગ્રેસમાં પણ અમુક અંશે જૂથબાજી પ્રમાણે ટિકિટોની વહેંચણી થઈ અને તે પછી બળવાખોરી ત્યાં પણ દેખાઈ. અર્થાત અન્યો તરીકે જીતનારા ધારાસભ્યો કાંતો મૂળ ભાજપના હશે, કાંતો મૂળ કોંગ્રેસના હશે અને કાંતો ટ્રાઈબલ પાર્ટી (જેનું નવું નામકરણ થયું છે) જેવા નાના નાના પક્ષના ધારાસભ્યો જીતીને આવ્યા હશે.
બહુમતી માટે 101 જોઈએ તેની નજીક જ આંકડાં છે ત્યારે પોલથી થોડું જુદું પરિણામ આવે ત્યારે કોઈના ટેકાથી સરકાર બનાવવાનું બની શકે છે. તેના કારણે પેલું રિસોર્ટનું રાજકારણ આગળ આવી શકે છે. પધારો મારે દેશ એ રાજસ્થાનનું સુપ્રસિદ્ધ સૂત્ર છે. રાજસ્થાન ફરવા જવાનું ગમે તેવું રાજ્ય છે અને અહીં વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. એ પધારો મારે દેશનું સૂત્ર રાજકારણમાં પધારો મારે રિસોર્ટ સુધી પહોંચશે ખરું? એક્ઝિટ પોલનો એક મિનિંગ અત્યારે આટલા પૂરતો જ છે.
આ સવાલ વધારે અગત્યનો એટલા માટે પણ છે કે ગત મુદત વખતે રાજસ્થાનમાં ભાંગફોડ ચાલી નહોતી. અશોક ગેહલોતની સરકારને તોડી પાડવાની તૈયારી થઈ હતી, પણ શક્ય ના બન્યું. સચિન પાઇલટ પૂરતા માથા ભેગા ના કરી શક્યા. તેના કરતાંય વસુંધરા રાજેએ આ પ્રકારનું ભાંગફોડ રાજસ્થાનમાં ના ચાલે અને ન ચલાવાય તેવું વલણ લીધું હતું. બે વર્ષ વધારે રાહ જોઈને પ્રજા પાસેથી જ સત્તા મળવાની હોય ત્યારે શા માટે ભાંગફોડ કરવાની એવું તેમનું લોજિક લોકતંત્રને છાજે તેવું હતું.
રાજસ્થાન પાંચ વર્ષે સત્તા પરિવર્તન કરે છે તે પણ લોકતંત્રની બહુ તંદુરસ્ત પ્રણાલી છે. તોડફોડના રાજકારણને, સ્વાર્થના રાજકારણને વિપક્ષના એક અગત્યના નેતા નહોતું સ્વીકાર્યું એ પણ બહુ રાહતદાયક લાગે તેવી વાત છે. સત્તા પરિવર્તનની પરંપરા રાજસ્થાન જાળવે એ જ યોગ્ય છે, તે લોકતંત્રને લૂણો લગાડનારી ભાંગફોડની નવી પરંપરામાં ના પડે એમાં જ રાજસ્થાનની અને દેશના રાજકારણની સાર્થકતા છે.