અગરબત્તીના કારખાના ફેંકેલા સળગતા કચરાથી ઉભા પાકમાં લાગી આગ
યશ ભટ્ટ : અગ્ર ગુજરાત, રાજકોટ
દિલ્હીમાં કારખાનાઓના પ્રદુષણથી યમુનાના નીર ઝેરી બન્યા છે અને ભારે પ્રદુષણના કારણે સમગ્ર દિલ્હી ખતરામાં મૂકાયું છે. રાજકોટમાં પણ દિલ્હીવાળી થઇ છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મેટોડા ઔદ્યોગિક વસાહતના કારખાનાઓમાંથી છૂટતા ઝેરી પ્રદુષણો, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને ધૂમાડાએ આ વિસ્તારના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાન કર્યુ છે અને નદીના પાણીઓમાં તો ઝેરી કેમિકલના ફીણના ગોટા નીકળી રહ્યા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હાથ જોડીને બેઠુ છે. કહેવાતા અધિકારીઓ અને તંત્ર દ્વારા રીક્ષાઓના પીયુસીના ચેકીંગ કરી ગરીબ માણસોને દંડ કરવામાં આવે છે. પરંતુ ઉભા પાકને નુકશાન કરતા અને જાનમાલને નુકશાન કરતાં ઔદ્યોગિક પ્રદુષણ અંગે તંત્ર કોઇ પગલા લેતું નથી.
શહેરના મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે વાગુદડ અને હનુમાનધારા વચ્ચે મેટોડાના અગરબત્તીના કારખાનામાં લાગેલી ભીષણ આગનો અડધો બળેલો વેસ્ટ ઠલવાતા આ વિસ્તારમાં આગ લાગી હતી અને તેના પગલે ખેડૂતોનો ઉભો કપાસ બળી જતાં દેકારો મચી ગયો હતો. ગામના ખેડૂતો અને ગામના સરપંચ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને અગરબત્તીનો વેસ્ટ ફેંકનાર ઉદ્યોગપતિને તાત્કાલીક ધોરણે ફાયરબ્રિગેડ બોલાવવા દબાણ કર્યુ હતું.
જો કે આ મામલે છેલ્લા પાંચ દિવસથી આગની ધૂંધવાટ વાળો કચરો ઠલવાતો હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિતના અધિકારીઓને લેખીત રજુઆત કરવા છતાં કોઇએ દાદ ન આપતા આજે આ કચરામાંથી આગ પ્રસરતા મામલો બહાર આવ્યો હતો. પ્રદુષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓ દ્વારા નિવેદ લઇને આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવવાનો કારખાનાઓને આડકતરો પરવાનો અપાતો હોવાની પણ ત્યાં ઉપસ્થિત ખેડૂતોએ આક્ષેપો કર્યા હતાં.
ઠાકરશીભાઇનો ચાર એકરમાં કપાસનો ઉભો પાક બળી ગયો
મેટોડાના અગરબત્તીના કારખાનામાં આગ લાગ્યા બાદ ધૂંધવાટ સાથેનો અગરબત્તીનો ટનબંધ કચરો કારખાનેદારો દ્વારા જાહેરમાં ઠલવાતા તેમાં આજે આગ લાગી હતી. આ આગની ચિનગારી અને વેસ્ટ ખેતરોમાં ઉડયો હતો. આ કારણે ખેતરોમાં ઉભા પાકને પણ નુકશાન થયું હતું. આ વિસ્તારના ખેડૂત ઠાકરશીભાઇ જાદવભાઇ વેકરીયાએ ‘અગ્ર ગુજરાત’ સમક્ષ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નિયમીત રીતે કારખાનેદારો કચરો ફેંકે છે. અગરબત્તીનો સળગેલો કચરો અભિનવ પરફયુમરી નામના કારખાનામાંથી ફેંકવામાં આવ્યો હતો. જયારે આ કચરો ફેંકવામાં આવ્યો ત્યારે ટ્રક ડ્રાઇવરો વગેરેને આ વિસ્તારના ખેડૂતોએ ના પાડી હતી છતાં તેઓ ધમકી આપી કચરો અહીં ફેંકી ગયા હતાં. આ કારણે આ કચરામાંથી આગ ફેલાઇ હતી અને ખેતરોમાં આગ પ્રસરી હતી. જેને કારણે ઠાકરશીભાઇના ખેતરમાં ચાર એકરમાં ઉભો થયેલ કપાસનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. અન્ય ખેડૂતો પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેમને પણ ભારે નુકશાન થયું છે.
સરપંચ જયંતિભાઇ સભાયા શું કહે છે?
મેટોડા પંથકમાં કારખાનાઓના વેસ્ટ અને અગરબત્તીના સળગતા કચરાઓને કારણે લાગેલી આગના પગલે ઘટના સ્થળ આસપાસના ખેડૂતો અને સરપંચ દોડી ગયા હતાં. સરપંચ જયંતિભાઇ સભાયાએ ‘અગ્ર ગુજરાત’ને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નિયમિત રીતે કારખાનાઓનો વેસ્ટ નાંખવામાં આવે છે. જેના કારણે નદીઓના પાણી પ્રદુષિત થાય છે અને ખેતરોના પાક બળી જાય છે. અભિનવ પરફયુમરી અગરબત્તીના કારખાનામાંથી ફેંકવામાં આવેલા સળગતા કચરાને કારણે આગ લાગી હતી અને આસપાસના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું છે. આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા અન્ય સંબંધીત તંત્રોને છેલ્લા ચાર દિવસથી લેખીત રજુઆત કરી હતી પરંતુ કોઇપણ તંત્રએ પગલા લીધા નથી. આ કારણે ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે.