રેલમંત્રી અને ઉડ્ડયન મંત્રી સમક્ષ ચેમ્બરની રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામલલ્લાના જન્મસ્થળ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુ.ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં લોકો ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા જશે, ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટથી અયોધ્યા જવા માટેની એક પણ સીધી ટ્રેન નથી. તેમજ અયોધ્યા જવા માટે ફલાઇટ સુવિધા આપવા માટે રેલ મંત્રી અને ઉડ્ડીયન મંત્રીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે પત્ર પાઠવી માંગણી કરી છે.
અયોધ્યા જવા માટે હાલમાં દર શુક્રવારે ઓખાથી ગોવાહાટી જવા માટે અઠવાડિયે એક જ વખત ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે અને આ સુવિધામાં કાયમને માટે વેઇટિંગ ચાલે છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે હવે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી હાજરોની સંખ્યામાં રોજ અયોધ્યા દર્શન કરવા માટે જશે. પરંતુ સીધી ટ્રેન ન હોવાના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે રેલ રાજ્ય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રના રાજ્ય કક્ષા ઉડ્ડીયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર પાઠવી ટ્રેન સેવા અને હવાઈ સેવા શરૂ કરવા માટે માંગણી કરી છે. પાઠવેલ પત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રના ઉડ્ડીયન મંત્રાલય દ્વારા જે રીતે અઠવાડિયામાં ત્રણ દિવસ અમદાવાદ-અયોધ્યા વચ્ચે વિમાની સેવા શરૂ કરવા માટે આવનાર છે તેવી જ રીતે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ પરથી અયોધ્યા જવા માટેની સીધી ફલાઇટ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે.