1 થી 15 જાન્યુ. દરમિયાન 5 વિભાગમાં ઘરે ઘરે જઈ લોકોને રામમંદિરનો ફોટો અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
અયોધ્યામાં ભગવાન શ્રીરામ લલ્લાની જન્મભૂમિ ઉપર 500 વર્ષ બાદ 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્યક્રમને સમગ્ર દેશમાં આવરી લેવા માટે આયોજન કરી કાઢ્યું છે. જે અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ લોકોના ઘરે અક્ષત અને રામમંદિરની પ્રતિકૃતિ સાથે ભગવાન રામનો ફોટો અર્પણ કરવામાં આવશે અને આ દિવસે દિવાળી જેવો માહોલ ઊભો કરવા માટે લોકોએ પોતાના ઘરે દીવા કરવા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેમ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના અગ્રણી ભૂપતભાઈ ગોવાણીએ જણાવ્યું હતું.
અયોધ્યામાં ભગવાન રામનું મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં તા.22 જાન્યુ. ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આગલા દિવસો જેમ કે તા.1થી 15 જાન્યુઆરી દરમિયાન સમગ્ર દેશમાં અક્ષત અને રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો ફોટો ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં આ કામગીરી માટે અલગ-અલગ પાંચ વિભાગો બનાવવામાં આવ્યા છે. અને કાર્યકરો દ્વારા તા.1 થી 15 જાન્યુ. દરમિયાન રાજકોટ શહેરના તમામ ઘરોને આવરી લેવાઈ તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.