હવે છેક નકલી ટોલનાકું સૌના ધ્યાને ચડ્યુંઃ ફરિયાદ ધ્યાને લેવાઈ નહોતી અને પોણા બે વર્ષથી ભાજપના નેતાઓ અને મળતીયાઓ બેફામ કમાણી કરી રહ્યા હતા
ગુજરાતમાં ડમી કાંડ, ફેક ઓફિસર્સ, આખે આખી બોગસ સરકારી કચેરી અને હવે નકલી ટોલ નાકું. આવું તો ગુજરાતમાં જ થઈ શકે. ગુજરાતનું મૉડલ કંઈ અમસ્થું જ ફેમસ નથી થયું. સંશોધન કરવાની વૃત્તિ નહીં, પણ શોર્ટ કટ શોધી કાઢવાની આ વૃત્તિને કારણે ભારત ઔદ્યોગિક ક્રાંતિમાં એક કદમ પાછળ રહી ગયું. આવડત ભારતના લોકોમાં જ છે, તેના બાવડામાં તાકાત પણ છે અને બુદ્ધબળ પણ છે, પરંતુ વૃત્તિને યોગ્ય દિશામાં વાળવાના બદલે ટૂંકા માર્ગે આગળ વધવાની પદ્ધતિ કોઈક રીતે આવી ગઈ અને પછી પાછું વાળીને જોવાયું નથી. અમેરિકાની આઈટી ઈન્ડસ્ટ્રીમાં ભારતીયો છવાયેલા છે. પણ ભારત આઈટીમાં સર્વિસ આપ્યા સિવાય ભાગ્યે જ કશું કરે છે. નામ માત્રનું રિસર્ચ અને ઇન્નોવેશન
અહીં થયું છે.
તેનું કારણ એ કે અસલને ભૂલીને આપણે નકલી તરફ વળી ગયા છીએ. તે બધી રીતે આપણને નુકસાન કરી રહ્યું છે. આપણને એટલે આપણને સૌને. દાખલા તરીકે વાંકાનેર પાસે પકડાયેલા એક નહીં, પણ બબ્બે નકલી ટોલ નાકાની વાતને સમજો. વાત સમજતા પહેલાં થોડી વધારે આડ વાત કરી લઈએ. હકીકતમાં ગુજરાતમાં ઠેર ઠેર આવા નકલી ટોલ નાકા ધમધમતા હશે એમ લાગે છે, કેમ કે આમાં પકડવા જેવું કંઈ છે નહીં. હવે ધ્યાન ગયું કે દોઢ વર્ષથી વારંવાર ફરિયાદ છતાં પોલીસ કે મામલતદારે કશા પગલાં લીધાં નહોતા.
કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યે કહ્યું કે હું તો સાત વર્ષથી ફરિયાદ કરતો હતો, પણ કોઈ સાંભળતું નહોતું. તો વગાડો મંજિરા. સાત સાત વર્ષથી આવડું કૌભાંડ ચાલતું હતું અને તે પણ ભાજપના હોદ્દેદારો દ્વારા (રવિરાજસિંહ, હરવિજયસિંહ, ધર્મેન્દ્રસિંહ અને યુવરાજસિંહ ઝાલા) અને ઉમિયાધામ સીદસર જેવી સદાચારની સંસ્થા ગણાય તેવી સંસ્થાના જેરામ પટેલના પુત્ર અમરશી દ્વારા ને છતાં કોંગ્રેસે કોઈ આંદોલન કર્યું હોય તેવું દેખાયું નથી. આંદોલન કરવાની પણ ત્રેવડ જેનામાં ના હોય તે કદાચ વિપક્ષમાં બેસવા માટે પણ લાયક નથી.
મૂળ વાત એ છે કે આપણે જે શોર્ટ કટ અપનાવીએ છીએ તે આપણને પોતાને લાંબા અંતરે નુકસાન કરે છે. નકલી ટોલ નાકું વાહનમાલિકોને, ટ્રાન્સપોર્ટરોને પોતાને જ મોંઘું પડે છે. ટોલ પર ત્રણસો રૂપિયા આપવાના બદલે 100 રૂપિયા આપીને નીકળી જવાનો શોર્ટ કટ અપનાવામાં આવે છે. તમને લાગ્યું કે પૈસા બચ્યા, પણ તે ગયા ગોબાચારી કરનારા રાજકીય, ધાર્મિક, સામાજિક આગેવાનો અને માથાભારે લોકોના ખિસ્સામાં. આ કમાણી સરકારી તીજોરીમાં જવાની હતી તે ના ગઈ. હાઈ વે બનાવવાનો ખર્ચ વસૂલ કરવા અને તેને મેઇન્ટેન કરવા ટોલ ટેક્સ લેવાય છે. તેની એક અવધિ હોય છે. અમુક વર્ષોમાં વળતર મળી જાય ત્યાર પછી ટોલ ટેક્સ બંધ કરી શકાય. પણ વાહનમાલિકો આ રીતે ટોલ ટેક્સની ચોરી કરે ત્યારે સરકારી તીજોરીમાં અને કોન્ટ્રેક્ટરનો હિસાબી ચોપડે તે કમાણી જમા થતી નથી. તેનો અર્થ એ કે સુનિશ્ચિત વળતર મળી ના જાય ત્યાં સુધી ટોલ ટેક્સ ચાલ્યા કરશે. બસ્સો રૂપિયા બચાવવા 100 રૂપિયા માથાભારે લોકોને ધરવાનું કામ કરી રહેલા ટ્રાન્સપોર્ટરોની બુદ્ધિ પણ નકલી, ડમી, બોગસ છે. ટોલ ટેક્સ બંધ જ નહીં થાય અને તમારે રૂપિયા ધરવાનું ચાલુ જ રાખવું પડશે. 300 રૂપિયા સીધા ચૂકવી દીધા હોત તો ત્રણ વર્ષ પાર આવ્યો હતો, તેના બદલે 100 રૂપિયા ચૂકવવાનું 10 વર્ષ સુધી ચાલુ રહેશે. રાખો તમતમારે.
આમા મોકાણ એ છે કે ખરેખર નિયમપાલન કરીને ટોલ ચૂકવી રહેલા લોકોને માથે પણ નાહકનો બોજ વધે છે. હકીકતમાં વાજયેપી વડા પ્રધાન હતા ત્યારે એક સારો વિકલ્પ અપનાવાયો હતો, પણ ટોલ ટેક્સના નામે મોટી કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ અને કોન્ટ્રેક્ટરો પણ અબજોની કાળી કમાણી કરી શકે તે માટે વિકલ્પ રદ કરી નખાયો. એ વિકલ્પ એ હતો કે ટોલ ટેક્સ નહીં નાખવાનો, પણ પેટ્રોલ અને ડિઝલ પર એક એક રૂપિયાનો સેસ નાખવાનો. હાઈ વે ના વાપરતા હોય તેમને પણ આડકતરો ટેક્સ ભરવાનું થાય તે વાત સાચી, પણ સરળતા શેમાં છે તે પણ સમજવાનું હોય. પેટ્રોલ એટલું મોંઘું પડી રહ્યું છે કે લોકોના ખિસ્સા ખાલી થઈ જ રહ્યા છે.
તે કમાણીનો નાહકનો ખર્ચ સરકાર તમાશા અને તાયફામાં કરે છે. તેના બદલે લીટરદીઠ એક એક રૂપિયો અપાતો જાય તેની કોઈને ખબર પણ ના પડે અને દર વર્ષ નિયમિત ભંડોળ હાઈવે અને રસ્તા માટે સરકારને મળતું રહ્યું હોત. એવા સીધા રસ્તા કોઈને ગમતા નથી. સૌને શોર્ટ કટ જોઈએ છે.