રાજકીય પક્ષ માટે સંગઠનનો પાયો સૌથી મજબૂત હોવો જોઈએ જેના પર ઈમારત ટકી રહે અને એટલે જ હકીકતમાં ત્રણેય રાજ્યોમાં નવા સીએમ મૂકાયા તે જૂના જનસંઘીઓ અને સંગઠનના નેતાઓ પણ છે
રાજસ્થાનમાં ભજનલાલ શર્માનું નામ જાહેર થયું અને તે સાથે જ ત્રીજી સરપ્રાઇઝ પણ પૂરી થઈ ગઈ. વધુ એક રાજ્યમાં ભારતીય જનતા પક્ષે તદ્દન નવા ચહેરાને મુખ્ય પ્રધાનપદ માટે પસંદ કર્યા. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ ચોથી હરોળમાં બેઠા હતા અને નામ જાહેર થયું હતું. મધ્ય પ્રદેશમાં પણ મોહન યાદવ પાછળની હરોળમાં બેઠા હતા અને ત્યાંથી તેમને આગળ લાવવામાં આવ્યા. છત્તીસગઢમાં પસંદ થયેલા વિષ્ણુ દેવ પણ આમ બહુ જૂના નેતા છે. તેમના દાદા અને મોટા બાપા જનસંઘમાં રહીને ધારાસભ્યો બની ચૂક્યા હતા. વિષ્ણુ દેવ સાઇ પોતે ચાર વાર સાંસદ બન્યા હતા. 2014માં નરેન્દ્ર મોદીની સરકારમાં હતા, પણ 2019માં તેમને ટિકિટ મળી નહોતી. હવે તેમને સીએમ બનાવાયા.
રાજસ્થાનમાં ભજનલાલ શર્મા પ્રથમ વાર જ ધારાસભ્ય બન્યા છે. પરંતુ સંગઠન માટે તેઓ બહુ જૂના નેતા છે. સંઘ સાથે જોડાયેલા શર્મા રાજસ્થાન ભાજપમાં મહામંત્રી તરીકે કાર્ય કરતા હતા. તેનો અર્થ એ કે ભલે મુખ્ય પ્રધાન તરીકે નવા નેતા લાગે, પણ સંગઠનની રીતે જૂના અને જાણીતા નેતા છે. જૂના જનસંઘી કહો કે સંઘના કાર્યકર કહો, સંગઠનની રીતે કાર્યકરો સાથે સંકળાયેલા નેતા છે. મોહન યાદવની શરૂઆત પણ એબીવીપી એટલે કે ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખથી થઈ હતી. તેઓ પણ શિવરાજસિંહની સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે હકીકતમાં પીએચડી કર્યું છે, જેનો વિષય હતો – મીડિયામાં ભાજપને કેવી દૃષ્ટિથી જોવામાં આવે છે.
આ નેતાઓની પસંદગીથી ભાજપ અને સંઘ તથા તેમનું સર્વોચ્ચ નેતૃત્ત્વ કેવી દૃષ્ટિથી રાજકારણને જુએ છે તે પણ જોવા મળ્યું છે. નવા ચહેરાઓ તરીકે જેમને લવાયા તે એક રીતે સંગઠન સાથે અને પક્ષ સાથે લાંબો સમયથી જોડાયેલા અને પાયાના કાર્યકરો છે. કોઈ પણ પક્ષ માટે પોતાનો પાયો મજબૂત રાખવો જરૂરી છે. પાયો એટલે સંગઠન અને સંગઠન મજબૂત હોય ત્યારે પક્ષને ચૂંટણીમાં વાંધો આવતો નથી. સરકારે નબળી કામગીરી કરી હોય તોય – નબળી જ કામગીરી કરી હોય છતાં સંગઠનના જોરે જીતી શકાય છે. આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે છેલ્લા ત્રણ દાયકાથી રાબેતા મુજબનો જ કંગાળ વહિવટ રાજ્યમાં જોતા આવ્યા છીએ. હાલમાં ડમી યુગ ચાલી રહ્યો છે. નકલી અધિકારીઓ, નકલી ઘી, નકલી ખાતર, નકલી સરકારી કચેરી અને નકલી ટોલ નાકું અને સીલસીલો ચાલતો રહે તે માટે ગઈકાલે જ જૂનાગઢમાં નકલી ડીવાયએસપી પણ મળી આવ્યો. પરંતુ સરકારની આ મુશ્કેલીઓ સામે સંગઠન મજબૂત રીતે લડત આપે ત્યારે ચૂંટણી જીતી શકાય છે.
જૂના પાયા પર નવું રંગરોગાન અને ભવિષ્યની તૈયારીઓ તે પણ ભાજપની સ્ટ્રેટેજીમાં સુચારુ રીતે દેખાઈ આવ્યું છે. ત્રણેય રાજ્યોમાં નવા સીએમની પસંદગીનો પાયો એ રહ્યો કે આગામી સમયગાળામાં ભાજપને લોકસભામાં અને ત્યારબાદ પાંચ વર્ષે આ જ રાજ્યોમાં ચૂંટણી આવશે ત્યારે કેવી રીતે આ નેતાની પસંદગી ઊપયોગી થશે. વિપક્ષ જ્ઞાતિવાદની વાત કરે એવું તમને લાગે ત્યારે ભાજપ ચૂપચાપ જ્ઞાતિ ગણિત બેસાડી આપે. છત્તીસગઢમાં આદિવાસી નેતાને સીએમ બનાવીને તેનો ફાયદો મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રના આદિવાસી પટ્ટામાં, ઝારખંડમાં અને અન્યત્ર પણ મળી શકે છે. યાદવ ચહેરાની ઘણા સમયથી ભાજપને જરૂર હતી. મધ્ય પ્રદેશમાં સીએમ ગોપાલ યાદવ હોય ત્યારે યુપી અને બિહારમાં અને હરિયાણામાં પણ ભાજપ કહી શકે છે કે તેમણે બધા સમજોને સ્થાન આપ્યું છે.
સાથે જ પોતાની મૂળ વૉટબેન્કને પણ જાળવી લીધી છે. રાજસ્થાનમાં તે સ્ટ્રેટેજી બહુ સારી રીતે અમલમાં આવી છે. બ્રાહ્મણ સીએમ આપવા સાથે દિયાકુમારીને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા એટલે ઠાકુર મતબેન્ક પણ સચવાઈ અને અહીં પણ એક ઓબીસીને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા છે. યુપીમાં ઠાકુર સીએમ તરીકે યોગી છે એટલે બીજા યોગી બાલકનાથને તક નથી મળી. બનિયા સીએમ તરીકે ગુજરાતમાં પાંચથી વધુ વર્ષો વિજય રૂપાણીને મળ્યા જ્યારે હરિયાણામાં ખટ્ટર તો હજી પણ સીએમ જ છે.
એક કાંકરે બે પક્ષી મારવા એ કહેવત આ રીતે સાચી પડી છે. ભાજપે એક રીતે નવા ચહેરા આપ્યા છે, પણ સાથે જ જૂનાને અને સંગઠનના પાયામાં રહેલા લોકોને પણ યાદ કર્યા છે. જ્ઞાતિગણિત પણ એવી રીતે બેસાડ્યું કે વૉટબેન્ક અકબંધ રહી છે. નવા કાર્યકરોને ઉત્સાહ થાય તે રીતે પસંદગી થઈ છે એટલે યુવા કાર્યકરો પણ, દરેક વર્ગના કાર્યકરો પણ પક્ષના માળખાને મજબૂત કરવા માટે કામ કરતા રહેશે. ચૂંટણી જીતવી એ અલગ કલા, વિજ્ઞાન અને ગોઠવણ છે તે બાકીના પક્ષો હજી સમજી શક્યા નથી. માત્ર વૉટબેન્કથી અને વિચારધારાથી કામ પૂર્ણ થતું નથી. યુગ અનુસાર નવા પ્રયોગો પણ કરવા પડે, જે ત્રણેય રાજ્યોમાં ભાજપની નેતાગીરીએ સજ્જતા સાથે કરી બતાવ્યું છે.