૨૫ હજારથી વધુ બાળાઓને એનિમિયા મુકત કરવામાં ડો.દર્શનાબેન પંડ્યાનો મહત્વનો ફાળો
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – નવી દિલ્હી હેડ કવાર્ટર દ્વારા મહિલાઓ માટે સેવાકિય પ્રવૃત્તિ સંદર્ભે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયાની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વખત આ એવોર્ડ માટે રાજકોટના ડૉ. દર્શનાબેનની પસંદગી થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તબીબી જગતમાં હરખને હેલી છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટના પ્રેસીડન્ટ ડૉ. પારસ શાહ અને સેક્રેટરી ડૉ. સંજય ટીલાળાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એનિમિયા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયા દ્વારા મહત્વની જવાબદારી નિભાવી ૨૫ હજારથી વધુ બાળાઓને એનિમિયા મુકત કરવામાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી જેની ઈન્ડીયન મેડિકલ એસોસીએશન હેડ કવાર્ટર દ્વારા તથા જે તે વખતે ગુજરાત સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હી હેડ કવાર્ટરના સેક્રેટરી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના પૂર્વ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. અનિલકુમાર નાયકના જણાવ્યા અનુસાર ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હી હેડ કવાર્ટર દ્વારા દેશભરમાં વિવિધ સેવાકિય પ્રવૃતિ માટે તબીબોને એવોર્ડ આપવામાં આવે છે. દેશભરના યોગ્યતા ધરાવતા મહિલા તબીબોની આ વરસે સેવાકિય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તેમાં ગુજરાતના એક માત્ર મહિલા તબીબ રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયાની પસંદગી કરવામાં આવી છે. આગામી તા. ૨૭મી ડિસેમ્બરે ત્રિવેન્દ્રમ ખાતે યોજાનારી ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરના લાખો તબીબોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં ડૉ. દર્શનાબેન પંડયાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાતની ૧૧૫ જેટલી બ્રાન્ચ સહિત દેશભરમાં ૩૨ રાજ્યમાં ૧૭૯૬ બ્રાન્ચમાં અંદાજે પાંચ લાખથી વધુ એમ.બી.બી.એસ. તથા તેથી વધુ ભણેલા એલોપેથીક તબીબો સભ્ય છે. એલોપેથીક તબીબોની વિશ્વની સૌથી મોટી એન.જી.ઓ. તરીકે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન કાર્યરત છે.
ડૉ. પારસ શાહ અને ડૉ. સંજય ટીલાળાના જણાવ્યા અનુસાર લાખો તબીબોમાંથી સેવાકિય ક્ષેત્રે અને ખાસ કરીને મહિલા માટે વિવિધ સેવાકિય પ્રવૃત્તિ માટે રાજકોટના ડૉ. દર્શનાબેન પંડયાની પસંદગી થતાં સૌરાષ્ટ્રભરના તબીબોમાં આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ તબીબ બન્યા છે. જે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવની વાત છે. ડૉ. દર્શનાબેન પંડયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એનિમિયા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરતાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારની ૧૦૦ થી વધુ શાળા-કોલેજ અને સામાજીક સંસ્થાઓના સહયોગથી સેમીનારો કર્યા હતાં, જેમાં ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીનીઓના વિનામુલ્યે હિમોગ્લોબીન ટેસ્ટ કરી જરૂરિયાત પ્રમાણે વિટામીન અને આયર્નની દવાઓ પોતાના ખર્ચે બધાને આપી હતી. તેમણે વિવિધ સંસ્થાઓમાં સેમીનારો યોજી મહિલાઓમાં યુવાવસ્થામાં થતી વિવિધ મુંઝવણો, માસિક ધર્મને લગતી વિવિધ મુંઝવણો, ચોખાઈ વગેરે બાબતો પર માર્ગદર્શન આપ્યુ છે. તેઓ બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર લગતી બાબતોમાં માર્ગદર્શન માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની આશુતોષ હોસ્પિટલ ખાતે ભારતીય વૈદિક સંસ્કારોના મૂળને અને ભારતિય સંસ્કારોના મુલ્યોને મજબુત કરવા અને ટકાવી રાખવાના ધ્યેય સાથે નિયમિત રૂપે ગર્ભસંસ્કાર, વૈદિક હવન, યજ્ઞ સંસ્કારના કાર્યક્રમો યોજાય છે જેમાં ગર્ભવતી મહિલા, તેમના પતિ અને બન્નેના માતા- પિતાની હાજરીમાં વૈદિક પધ્ધતિથી હવન કરી ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે. આપણી સંસ્કૃત્તિ અને સંસ્કારનું નવજાત બાળકમાં રોપણ થાય, વૈદિક પરંપરા અનુસાર બાળકને ગર્ભાવસ્થા દરમિયાન જ સંસ્કાર સિંચન થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ દંપતિ પાસે તેઓએ વૈદિક પરંપરા અનુસાર નિઃશુલ્ક ગર્ભસંસ્કાર કરાવ્યા છે. મહિલાઓમાં સ્તન
કેન્સર અને સર્વાઈકલ કેન્સર ની સમસ્યા વિશે તેઓ વિવિધ સેમીનારો યોજી મહિલાઓ, યુવતિઓને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ રહે
છે. સ્ત્રીઓના જીવનના બે મહત્વના પડાવ એટલે કે મુગ્ધાવસ્થાના માસિક ધર્મ શરૂ થાય અને પ્રૌઢ વયે મોનોપોઝ આવે એ બન્ને સમયે
મહિલાઓમાં અનેક સમસ્યા અને મુંઝવણ હોય છે એ બન્ને બાબતોને ધ્યાનમાં લઈ ડૉ. પંડયા દ્વારા વિવિધ સેમીનારો યોજી યોગ્ય
માર્ગદર્શન આપવામાં આવે છે.