સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૬3૦ લોકોના રિસર્ચનું તારણ : એનિમલ ફિલ્મ રીલીઝ થયા બાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ઠેર ઠેર મારામારીના દ્રશ્યો સર્જાયા
ડો.જોગાસણ અને ડો.દોશી કહે છે ફિલ્મની યુવાનો પર સૌથી વધુ અસર થાય છે
તાજેતરમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ એનિમલ એકદમ વાઇલ્ડ છે. હિંસાથી ભરપૂર અને એક પ્રકારની પશુતાનું પ્રદર્શન કરતી આ ફિલ્મની અસર સમાજ પર નકારાત્મક પડી છે. રાજકોટમાં પણ ‘એનિમલ’ ઇફેકટ જોવા મળી છે. સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવને છેલ્લા સપ્તાહમાં રાજકોટમાં મારામારી અને હિંસાના બનાવોની શૃંખલાઓનું રિસર્ચ કરી એવુ તારણ કાઢયું છે કે એનિમલ ફિલ્મની અસર ખાસ કરીને યુવા પેઢી પર વધુ જોવા મળી છે. શહેરમાં છેલ્લા છ દિવસમાં મારામારીના સાત બનાવ બન્યા છે. તેમાં કયાંકને કયાંક આ ફિલ્મનો પ્રભાવ જોવા મળે છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના ડો.યોગેશ જોગાસણ અને ડો.ધારા દોશીના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો એવી વર્તણૂક અપનાવવાનું વલણ ધરાવે છે કે જેના સંપર્કમાં વારંવાર આવે છે. જો કોઈ વ્યક્તિ આક્રમક વાતાવરણના સંપર્કમાં આવે છે, તો તે તેમના માટે રોજિંદા વર્તનમાં આક્રમકતાને વધારવા માટે જવાબદાર છે. આપણે જે જોઈએ છીએ તેની પણ ક્યાંક અસર થાય છે. જે ફિલ્મો અથવા વેબ સિરીઝ જોઈએ જે હિંસક પ્રકૃતિની હોય તો તે તમારા મન પર પણ અસર કરી શકે છે. જ્યારે આપણે ફિલ્મો જોઈએ છીએ ત્યારે ફિલ્મોમાં સામાન્ય રીતે કેટલાક હિંસક દ્રશ્યો હોય છે. આ હિંસક દ્રશ્યો વ્યક્તિના ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસને સીધી અસર કરે છે. આ અસર દરેકને વતા ઓછા પ્રમાણમાં થઈ શકે.
જ્યારે કોઈ વ્યક્તિ મૂવીમાં હિંસક દ્રશ્ય જુએ છે ત્યારે શરીર તણાવ અને ડર-સંબંધિત હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે, જેમ કે એડ્રેનાલિન અને કોર્ટિસોલ. આનાથી આક્રમક વર્તન અને ભાવનાત્મક તકલીફમાં વધારો થાય છે. તે ઉપરાંત હિંસક ફિલ્મો વ્યક્તિના વર્તનમાં સહાનુભૂતિના સ્તરમાં ઘટાડો તરફ દોરી જાય છે. આ સર્વે કરવા પાછળનો હેતુ જ એ રહ્યો છે કે રીતે હિંસક ફિલ્મો દર્શકોના મન પર નકારાત્મક અસર કરે છે અને જો તે આપણને અસર કરે તો તેને દૂર કરવા માટે આપણે કઈ ટીપ્સને અનુસરી શકીએ.
ખાસ આ સર્વે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ કર્યો હતો. હિંસક મુવી જોઈને જેમાં આક્રમકતા અને મારામારીનું પ્રમાણ વધુ હોય તેવા પિક્ચરો જોઈને અનુભવાતી માનસિકતા વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 630 લોકો પાસે માહિતી લેવામાં આવી જેમાં #78.70% યુવાનોને હિંસક કે તેના જેવા અન્ય પિક્ચરો જોઈને તેની અસર મગજમાં રહે છે તે સ્વીકાર્યું.#69.67% યુવાનોએ જણાવ્યું કે આવું વર્તનનું અનુકરણ કરવું પસંદ છે.#81.89% પુખ્ત લોકોએ જણાવ્યું કે આવા હિંસક મુવી બાળકોમાં હિંસક વર્તનમાં વધારો કરે છે.
76.55% યુવાનોએ જણાવ્યું કે હિંસક મુવી જોઈને નીકળીએ ત્યારે કોઈ સાથે ઝઘડો થતા ગુસ્સો વધુ આવે છે.87.66% પુખ્ત લોકોએ જણાવ્યું કે હિંસક અને દ્વિઅર્થી વાક્યો બોલાતા હોય તેવા દ્રશ્યો કુટુંબ સાથે બેસીને જોઈ શકાય તેવા હોતા નથી.76.78% પુખ્ત લોકોએ જણાવ્યું કે આવા પિક્ચરો ગુનામાં પણ વધારો કરે છે.