મફતમાં નાસ્તો કરી પૈસા માંગતા લારીવાળા અને તેની માતાને લમધાર્યા
સહનશીલતાની હદ ગુમાવી બેઠેલા ધંધાર્થીએ પોલીસવાળાની કરી ધોલાઇ : ટોક ઓફ ધ ટાઉન
રાજકોટમાં પોલીસના કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યો, લાઇન બોય વગેરે ગમે ત્યાં લારી ગલ્લા પર ઉભા રહી નાસ્તા પાણી કર્યા પછી પૈસા ન દેવાની ટેવ ધરાવતા હોવાની ફરિયાદો વધતી જાય છે. આવી જ એક ફરિયાદમાં શહેરના જામનગર રોડ પર આઇઓસીના ટાંકા સામે એક પોલીસમેને ઇંડાની લારી પર નાસ્તો કર્યા બાદ લારીવાળાએ પૈસા માંગતા પોલીસનો રૂઆબ બતાવી લારીવાળા ધંધાર્થી યુવકની તથા તેની માતાને માર માર્યો હતો. સહનશીલતાની હદ આવી જતાં આ લારીવાળા અને તેના નજીકના સભ્યોએ આ પોલીસમેનની વળતી ધોલાઇ કરી હોવાની ઘટના બની છે.
ગઈકાલે જામનગર રોડ પર જકાતનાકા પાસે આઇઓસીના ટાંકા સામે ઇંડાની લારી પર નાસ્તો કર્યા બાદ પોલીસમેન સહિત ચાર શખ્સોએ ગુંડાગીરી કરી હતી. લારીવાળાએ નાસ્તાના પૈસા માંગતા તેની પર આ શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. પોતાના પુત્ર પર પોલીસમેને હુમલો કરતા વચ્ચે પડેલી બુઝુર્ગ વયની માતા પર આ શખ્સોએ લાઝ શરમ રાખ્યા વગર તેમને પણ ફડાકા ઝીંકી દીધા હતાં. માતા પર હૂમલો થયેલા ઉશ્કેરાયેલા પુત્ર સહિતના પરિવારજનોએ આ પોલીસમેનને મેથીપાક ચખાડયો હતો તેમજ પોલીસવાનને બોલાવતાં ગાંધીગ્રામ પોલીસે આવી હુમલો કરનાર શખ્સને અને ફરિયાદીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઇ ગયા હતા અને સમાધાનથી મામલો રફેદફે કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ચાર શખ્સો પૈકીનો એક શખ્સ તાજેતરમાં રાજકોટ બદલી પામીને આવેલો એક પોલીસમેન હોવાનું જાણવા મળે છે જ્યારે અન્ય એક શખ્સ લાઇનબોય હોવાનું પણ જાણવા મળે છે. આ ઘટના બની તે પહેલા પણ આ શખ્સો નાસ્તો કરી અનેક વખત પૈસા દીધા વગર અહીંથી ચાલ્યા ગયા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.