ભારતીય નાગરિક સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય એવા નામ સાથે સુધારેલા ફોજદારી કાયદાને સ્માર્ટલી સમજી લેજો નહિતો તમારો સ્માર્ટફોન તમારા ગળામાં ગાળિયો નાખી દેશે
વિપક્ષની ગેરહાજરીમાં ત્રણ અગત્યના કાયદા, મુખ્યત્વે ફોજદારી કાયદામાં સુધારા રજૂ થઈ ગયા છે તે પછી કેટલાક મહત્ત્વના ફેરફારો થયા છે. જમાનાને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સને એટલે કે કમ્પ્યુટર, લેપટોપ, મેમરી સ્ટોરેજમાં સોફ્ટ સ્વરૂપે રહેલી માહિતીને પણ પુરાવા તરીકે ગણવામાં આવશે. જૂનો કાયદો ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતો તેમાં ઇલેક્ટ્રોનિક્સ દસ્તાવેજોને સેકન્ડરી એવિડન્સ ગણાતા હતા, પણ હવે તેને પ્રાયમરી એવિડન્સ તરીકે ગણવામાં આવશે. અગાઉ એવું થતું હતું કે તમે કોઈને મેસેજ કર્યો હોય કે પેમેન્ટ થઈ જશે તેને મુખ્ય પુરાવો ગણવામાં આવતો નહોતો. તમને આપવામાં આવેલું બીલ, માલની ડિલિવરી તમને થઈ હતી તેના દસ્તાવેજો મુખ્ય ગણાતા હતા. તમે ચેક આપ્યો હોય તે મુખ્ય પુરાવો ગણાય, મેસેજ કરીને જણાવી દીધું હોય કે પેમેન્ટ કરી દીધું તે દ્વિતિય આધાર ગણાય.
ઉપરથી નિર્દોષ લાગતો આ સુધારો તમે કાળજી નહીં લો મુશ્કેલીમાં મૂકાઈ શકશો. આપણે સ્માર્ટફોન વાપરવામાં તદ્દન બેકાળજી રાખીએ છીએ. તે બાબતમાં મૂરખ સાબિત થઈ રહ્યા છીએ. ખાસ કરીને વૉટ્સઅપમાં આવતા જૂઠાણાનો જમાનો છે. ખરાઇ કર્યા વિના હાડોહાડ જૂઠને સાચું માની લેવામાં આવે છે અને તેને ફોરવર્ડ કરવામાં આવે છે. હવે આવા કોઈ મેસેજને સ્ટોર કર્યો કે ફોરવર્ડ કર્યો અને તેમાં ફોજદારી ફરિયાદ થઈ તો મુશ્કેલી થઈ શકે છે.
ત્રણેય કાયદાનો સાર એ છે કે સત્તામાં બેઠેલા લોકોના હાથમાં વધારે સત્તા આવી છે અને પોલીસને વધારે તાકાત મળી છે. ધરપકડ કરવાની અને ધરપકડ કરીને લાંબો સમય કોઈને કેદમાં રાખી શકવાની સત્તા પોલીસને મળી છે તેનો ભરપુર દુરુપયોગ થઈ શકે છે. તેની પાછળનો હેતુ એ છે કે માફિયા ડોન, આતંકવાદીઓ, ભાંગફોડિયા કાયદાની છટકબારીઓનો લાભ લઈને જલદી પકડમાં આવતા નથી. ભાંગફોડિયા તત્ત્વોને આગોતરા જ ઝબ્બે કરી લેવા માટે પોલીસને વધારે પાવર આપવાની વાત આમ સારી લાગે છે. પોલીસ કે કાયદાનું પાલન કરનારી સંસ્થા લાચાર ના લાગવી જોઈએ એ વાત સાચી. તે માટે કેટલાક ડિસ્ક્રેશન આપવામાં આવ્યા છે, જેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને પોલીસ સત્તા વાપરે. પણ કોઈ અધિકારીની દાનત બગડે ત્યારે કે અંગત કારણોસર આ જ જોગવાઈનો ઉપયોગ નાગરિક સામે પણ થઈ શકે છે તે ભયસ્થાન થોડું વધ્યું છે.
એક વિચિત્રતા કાયદાના નિષ્ણાતો એ બાબત તરફ દોરી રહ્યા છે કે હત્યાના કેસમાં સાત વર્ષની કેદની સજાની જોગવાઈ થઈ છે, જ્યારે પોતાની ઓળખ છુપાવવાના કેસમાં 10 વર્ષની કેદની જોગવાઈ છે. એટલે કે તમે કોઈ યુવતીને હત્યા કરી નાખો તો સાત જ વર્ષની કેદ થાય, પણ ખોટી ઓળખ આપીને તેની મેરેજ કર્યા હોય તો દસ વર્ષની કેદ થઈ શકે. આ ઓળખ છુપાવવાનો કાયદો મૂળ તો લવ જેહાદના ચૂંટણી પ્રચારના મુદ્દાને જોર આપવા માટે છે, પણ આ જોગવાઇનો ગેરફાયદો પણ પોલીસ ઉઠાવી શકે છે. મને ખોટી ઓળખ આપી હતી એવું કોઈ કહી દે ત્યારે સામી વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાઈ જાય. કોઈ તમને કોઈ ઓળખાણ આપે ત્યારે તે સાચી છે કે નહીં, વ્યક્તિ સાચું બોલે છે કે નહીં, વ્યક્તિના વાણીવર્તન સાથે તેની વાતોનો મેળ બેસે છે કે નહીં તે જોવાની જવાબદારી પણ થોડી ઘણી ફરિયાદીની હોય કે નહીં?
એ આખી નૈતિક અને વ્યવહારિક બાબત છે એટલે કાયદામાં તો કાયદો કાયદાનું કામ કરે. શુભ ઈરાદાથી, દેશના હિતમાં પોલીસ અધિકારી આ જોગવાઈનો ઉપયોગ કરે તો નવા કાયદા સાર્થક પણ થશે. ભાંગફોડિયા તત્ત્વોને કાબૂમાં લેવા માટે આકરા પગલાં લેવા પડતા હોય છે અને સુરક્ષાનું કામ કરનારા તંત્ર પાસે પૂરતા સંસાધનો, સુવિધા અને કાયદા પણ હોવા જોઈએ. સાથે જ દેશદ્રોહ અને રાજદ્રોહ વચ્ચેના ભેદને વધારે સ્પષ્ટ કરાયો છે તે પણ સારી બાબત છે. સરકારનો વિરોધ કરવાની વાતને દેશદ્રોહ નહીં ગણવામાં આવે. દેશને હાની થાય, ભાંગફોડ થાય, જાહેર સલામતીનો ભંગ થાય તેવી બાબતોને અલગ કરીને વિરોધ કરવાની બાબતને વધારે સ્પષ્ટ વ્યાખ્યાઇત કરવામાં આવી છે તે પણ સારી બાબત છે.
સૌથી વધારે સમસ્યા કદાચ ઇલેક્ટ્રોનિક્સ પુરાવાની બાબતમાં થઈ શકશે. અહીં બંને પક્ષે વિચારવું પડશે, પોલીસ તંત્રને હજી વધારે સજ્જ કરવું પડશે અને નાગરિકોએ હવે પોતાના લેપટોપ, પીસી, સ્માર્ટફોન વાપરવામાં અને સ્ટોરેજમાં શું રાખ્યું છે તેની કાળજી રાખવી પડશે. બીજું લેપટોપ કોની માલિકીનું છે તે સાબિત કરવાનું વળી બંને બાજુએ જોખમી સાબિત થઈ શકે છે. ચાલાક ગુનેગાર અને ચાલાક ટેક્સચોર લેપટોપ મારું છે જ નહીં એવું કહી શકશે, જ્યારે પોલીસની દાનત બગડે ત્યારે કોઈ એક લેપટોપ લાવીને કહી દે કે આ તમારું છે ત્યારે તમારું નથી તે સાબિત કરવાનું ભારે પડી શકે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે તમારી કાર ચેક કરવાના બહાને ડીકીમાં ડ્રગ્ઝનું પડિકું મૂકીને પોલીસ ભલભલાને ફસાવી દે છે. આવતી કાલે તમારી ઓફિસમાં પોલીસ ખિસ્સામાં ડ્રાઇવ લઈને આવશે અને તમારા ડેસ્કના ખાનામાં નાખી દેશે તો?
એવી આશા રાખીએ કે નવી જોગવાઈઓમાં પ્રેક્ટિકલી શું થાય છે તેનો અભ્યાસ કર્યા પછી ભવિષ્યમાં જરૂર પડે તેમાં પણ સુધારા કરવા માટેની તૈયારી સરકાર દાખવે. ભૂતકાળમાં ટાડાનો કાયદો આતંકવાદીઓ માટે લાવવામાં આવ્યો હતો, પણ હજારોની સંખ્યામાં તેના કેસ બીજા પર થઈ ગયા હતા. કંટાળેલી પોલીસ બૂટલેગર કે ખિસ્સાકાતરુ સામે પણ ટાડા લગાવી દેતી હતી. તે ખામી દૂર કરવામાં બહુ સમય લાગ્યો હતો અને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી.
અંગ્રેજોએ પોતાની સત્તા ટકી રહે તે માટે જે ફોજદારી કાયદા કર્યા હતા તેમાં ફેરફારો કરવા જરૂરી હતા. સાથે જ તેનું નામ પણ ભારતીય પ્રકારનું રાખવામાં આવ્યું તેને કોઈ મુદ્દો બનાવવાની જરૂર નથી. ભારતમાં ભારતીય નામો સાથે જ કાયદા હોય તેમાં ખોટું શું છે? કાયદા આધુનિક યુગની લોકશાહીને શોભે તેવા, નાગરિકોની કનડગત ના થાય તેવા અને પોલીસ તથા સુરક્ષા એજન્સી જ્યાં જરૂર હોય ત્યાં જ પોતાની તાકાત દેખાડી શકે તે પ્રકારના હોવા જોઈએ. એવા ઈરાદા સાથે આ કાયદા બન્યા છે, તેનો અમલ શરૂ થાય પછી તેમાંથી ગુનેગારો કેવા છિંડા શોધે છે અને પોલીસ અને સત્તાધીશો તેને કેટલો દુરુપયોગ કરે છે તે સમજવા માટે સમયની જરૂર છે.