પિતા, દાદા તથા અન્ય પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. તર્પણ કરવા માટે હિંદુ મહિનાઓમાં પંદર દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જેને શ્રાદ્ધ પક્ષ કહે છે. ભાદરવા વદ એકમથી અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ હોય છે. પૂર્વજોનું શ્રાદ્ધ જે તિથિએ આવતું હોય તે તિથિએ સવારે ખીર-પૂરીની કાગડાઓને વાશ નાખવામાં આવે છે. શ્રાદ્ધ સાથે કઈ કઈ બાબતો જોડાયેલી છે અને પુરાણોમાં શ્રાદ્ધ માટે શું કહેવાયું છે તે જાણીએ
ભાદરવા વદ એકમથી અમાસ સુધી આકાશની રશ્મિ તથા રશ્મિની સાથે પિતૃપ્રાણ પૃથ્વી પર વ્યાપ્ત રહે છે. વાસ્તવમાં શ્રાદ્ધની મૂળભૂત પરિભાષા એ છે કે પ્રેત અને પિતૃઓના નિમિત્ત, તેમના આત્માની શાંતિ કે તૃપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક જે પણ અર્પણ કરવામાં આવે છે તે શ્રાદ્ધ છે. શાસ્ત્રોમાં એવો નિર્દેશ છે કે માતા-પિતા વગેરે નિમિત્તે તેમનાં નામ અને ગોત્રના નામનું ઉચ્ચારણ કરીને મંત્રો દ્વારા જે અન્ન વગેરે અર્પણ કરવામાં આવે છે તે તેમને પ્રાપ્ત થઈ જાય છે. જો પોતાનાં કર્મો અનુસાર દેવયોનિ પ્રાપ્ત થઈ હોય તો તે અમૃતના સ્વરૂપમાં તેમને પ્રાપ્ત થાય છે. ગંધર્વલોક પ્રાપ્ત થયો હોય તો ભોગ રૂપે, પશુ યોનિમાં તૃણ રૂપે, સર્પ યોનિમાં વાયુ રૂપે, યક્ષ રૂપમાં પીણાં સ્વરૂપે પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ શબ્દનું તાત્પર્ય એ છે કે પોતાના મૃત પિતરોના માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું વિશેષ કર્મ. જોકે, વેદોમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ તથા જ્ઞાનકાંડ આ ત્રણેનો ઉલ્લેખ જ મળે છે, તેમ છતાં આમાં પ્રમુખ સ્થાન કર્મકાંડને જ પ્રદાન કરવામાં આવ્યું છે. કર્મકાંડ અંતર્ગત `પિતૃયજ્ઞ’નો ઉલ્લેખ મળે છે. આ પિતૃયજ્ઞને જ શ્રાદ્ધ કહે છે અર્થાત્ પિતૃયજ્ઞ શ્રાદ્ધનો વાચ્યાર્થ છે. પ્રાચીનકાળથી જ મનુષ્યોમાં શ્રાદ્ધ પ્રત્યે અગાધ શ્રદ્ધા રહેલી છે. મોટેભાગે લોકો તો માત્ર રીતરિવાજને ધ્યાનમાં રાખીને ફક્ત ઔપચારિક પૂર્ણતા હેતુ કરે છે. ખરેખર તો શાસ્ત્રવિધિથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રાદ્ધ જ સર્વથા કલ્યાણકારી સિદ્ધ થાય છે. એટલે શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી યથાસમયે કરતાં રહેવું જોઇએ. જે લોકો શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ ન કરી શકે તેમણે ઓછામાં ઓછું એક વર્ષમાં એક વાર પિતૃપક્ષ (ભાદરવા વદ)માં તો અવશ્ય પોતાના મૃત પિતરોને શ્રદ્ધાપૂર્વક તર્પણવિધિ કરીને પિતરોના આત્માને શાંતિ આપવી જોઇએ. શાસ્ત્રોમાં પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે.
પિતૃઓની મોક્ષપ્રાપ્તિ માટે શ્રાદ્ધ કરો
શ્રાદ્ધનું પરિણામ ફક્ત પિતૃઓની સંતુષ્ટિ તથા તૃપ્તિ જ નથી, પરંતુ તેનાથી શ્રાદ્ધકર્તાને પણ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે
જે વ્યક્તિ વિધિપૂર્વક એકાગ્ર ચિત્ત થઇને શ્રાદ્ધ કરે છે તે બધાં પાપોથી રહિત થઇને યોગીઓના પદને પ્રાપ્ત થાય છે. પિતાની સંતુષ્ટિ અને હિત માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઇએ. મહિર્ષ સુમન્તુએ કહ્યું છે કે –
શ્રાદ્ધાત પરતર નાન્ય ચછે પરકર મુદાદધતમા
તસ્માત સર્વ પ્રયત્ને ન શ્રાદ્ધ કુર્યાદ્ વિચક્ષણ
અર્થાત્ આ જગતમાં શ્રાદ્ધથી શ્રેષ્ઠ બીજો કોઇ કલ્યાણપ્રદ ઉપાય નથી. એટલે બુદ્ધિમાન મનુષ્યએ યત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઇએ અર્થાત્ શ્રાદ્ધકર્મ (પિતૃપૂજન)થી સંતુષ્ટ થઇને પિતૃઓ મનુષ્યો માટે આયુ, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બલ, વૈભવ, પશુ, સુખ, ધન તથા ધાન્ય આપે છે. પિતૃઓની ભક્તિ કરવાથી આયુષ્ય વૃદ્ધિ, પુષ્ટિ, વીર્ય તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધકર્તા આવાગમનના બંધનથી મુક્ત થઇને મોક્ષ પ્રાપ્ત કરે છે, જે માણસ એક દિવસ પણ શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ વર્ષપર્યંત સંતુષ્ટ થઇ જાય છે. આ તથ્યનો ઉલ્લેખ યાજ્ઞવલ્કય સ્મૃતિમાં આ પ્રકારે પ્રાપ્ત થાય છે – શ્રાદ્ધકર્મથી સંતુષ્ટ થઇને પિતરલોક મનુષ્યો માટે આયુ, સંતતિ, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ તથા રાજ્ય પ્રદાન કરે છે. શ્રાદ્ધની ઇચ્છા કરવાથી માનવ નિરોગી, સ્વસ્થ, ચિરાયુ, યોગ્ય સંતતિવાળા તથા ધનવાળા થાય છે. શ્રાદ્ધ કરવાવાળાં પ્રાણી જાતજાતના શુભ લોકોને પ્રાપ્ત થાય છે તથા વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
અત્રિસંહિતામાં કહ્યું છે કે – પિતૃકાર્યે પ્રસકતા યે યે યાન્તિ પરમાગતિમા જે (પુત્ર, ભાઇ, પૌત્ર અથવા દોહિત્ર) પિતૃકાર્ય (અનુષ્ઠાન)માં સંલગ્ન રહે છે તેઓ નિશ્ચયે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. બ્રહ્મપુરાણમાં પ્રતિપદાથી લઇને અમાવસ્યા સુધી શ્રાદ્ધ કરવાનાં જુદાં જુદાં ફળ બતાવેલાં છે. આ સિવાય બ્રહ્મપુરાણમાં એ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે જુદાં જુદાં નક્ષત્રોમાં શ્રાદ્ધ કરવાથી જુદાં જુદાં ફળની પ્રાપ્તિ થાય છે.
જે શ્રાદ્ધમાં પ્રેતપિંડનું પિતૃપિંડોમાં સંમેલન કરવામાં આવે તેને `રાપિંડન શ્રાદ્ધ’ ગૌશાળામાં જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેમને `ગોષ્ટિ શ્રાદ્ધ’ અને શુદ્ધિના નિમિત્તે જે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે તેને `સુદ્ધયર્થ શ્રાદ્ધ’ કહે છે. ગર્ભાધાનમાં સોમરસ પાનમાં સિમન્તોનયનમાં જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને `કર્માડંગ શ્રાદ્ધ’ કહેવાય છે. સપ્તમ્યાહિ તિથિઓમાં વિશિષ્ટ હવિષ્ટ દ્વારા દેવવૃંદના ઉદ્દેશ્યથી જે શ્રાદ્ધ કરાય છે તેને `દૈવિક શ્રાદ્ધ’ કહેવાય છે. તીર્થાટનના ઉદ્દેશ્યથી દેશાંતર જવાના સમયે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને યાત્રાર્થ શ્રાદ્ધ કહેવાય છે તેમજ આર્થિક અને શારીરિક ઉન્નતિ માટે જે શ્રાદ્ધ કરાય છે તેને પુષ્પર્થ શ્રાદ્ધ કહેવાય છે. જે પ્રાણી શ્રદ્ધા દ્વારા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેના કુળમાં કોઈ દુ:ખી રહેતું નથી.
બ્રહ્મપુરાણ મુજબ શ્રદ્ધા અને વિશ્વાસયુક્ત કરવામાં આવેલા શ્રાદ્ધમાં પિંડો ઉપર પડતાં પાણીનાં નાનાં ટીપાં પશુપક્ષીઓની યોનિમાં પડેલા પિતૃઓનું પોષણ કરે છે. શ્રાદ્ધની મહત્તા એટલે સુધી છે કે શ્રાદ્ધમાં ભોજન કર્યા પછી જે આચમન કરવામાં આવે છે તથા પગ ધોવામાં આવે છે તેનાથી ઘણાખરા પિતૃઓ તૃપ્ત થઇ જાય છે. બંધુ-બાંધવોની સાથે અન્નજળથી કરવામાં આવેલા શ્રાદ્ધની તો વાત જ શું કહેવાય માત્ર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા શ્રાદ્ધથી જ પિતૃઓ તૃપ્ત થઇ જાય છે. શ્રાદ્ધનું પરિણામ ફક્ત પિતૃઓની સંતુષ્ટિ તથા તૃપ્તિ જ નથી, પરંતુ તેનાથી શ્રાદ્ધકર્તાને પણ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. આપણા પરમ આરાધ્ય પિતૃઓનાં શ્રાદ્ધકર્મના માધ્યમથી આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક સુખોને પણ પ્રાપ્ત કરવાં જોઇએ.
ભાદરવા માસના કૃષ્ણ પક્ષને શ્રાદ્ધ પક્ષ કહે છે. તેને મહાલય પક્ષ પણ કહે છે. જે પૂર્વજો અને ઋષિ-મુનિઓએ આપણા કલ્યાણ માટે જીવન પસાર કર્યું તેમને શ્રદ્ધાથી અંજલિ આપવાની આપણી ફરજ છે. જે યોનિમાં તેઓ હોય ત્યાં તેમને દુઃખ ન પડે અને સુખશાંતિ મળે તે માટે આપણે પિંડદાન અને તર્પણ કરીએ છીએ.
આપણો ધર્મ, વિચારો, સંસ્કૃતિ, આબરુ વગેરે આપણા વડીલોને આભારી છે. તેમને સાચી અંજલિ ત્યારે જ આપી કહેવાય જ્યારે માત્ર કાગડાને દૂધપાક કે ખીર ખવડાવીને સંતોષ માનવાને બદલે આપણા જીવનને ઉત્કૃષ્ટ અને સંસ્કારી બનાવીને સાચી અંજલિ અર્પણ કરીએ, શ્રાદ્ધના દિવસે આપણે આપણા પિતૃઓને યાદ કરીને તેમના માર્ગે ચાલવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવો જોઇએ. શ્રદ્ધાપૂર્વક તેમને અનુસરવું જોઇએ. કૌટુંબિક અને સામાજિક પરંપરાનું જતન કરવું જોઇએ.
એવી ધાર્મિક માન્યતા છે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તે સૌથી પહેલાં કાગડાનો જન્મ લે છે. એવી પણ માન્યતા છે કે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ભોજન પહોંચે છે. આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓનું વિશેષ મહત્ત્વ છે અને દરેક શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને જમાડવા માટે સૌથી પહેલાં કાગડાઓને ખવડાવવામાં આવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી રહી હોય તે એક થાળીમાં બધી જ વાનગીઓ ખાસ કરીને ખીર અને પૂરી લઈને છત પર જાય છે અને ત્યાં કાગવાશ બોલીને તેમને ખીર-પૂરી ખવડાવવામાં આવે છે. જ્યારે કાગડો છત પર આવીને કાગવાશ ખાય ત્યારે પિતૃઓ પ્રસન્ન છે તેવું માનવામાં આવે છે.
તિથિ અનુસાર શ્રાદ્ધનું ફળ
- એકમનું શ્રાદ્ધ કરવાથી ધનલાભ મળે છે.
- બીજનું શ્રાદ્ધ કરવાથી સારી સંતતિ મળે છે.
- ત્રીજનું શ્રાદ્ધ કરવાથી ઉત્તમ વરદાન મળે છે.
- ચોથનું શ્રાદ્ધ કરવાથી સર્વ શત્રુનાશ મળે છે.
- પાંચમનું શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી મળે છે.
- છઠ્ઠનું શ્રાદ્ધ કરવાથી મહત્તા અને ઊંચું સ્થાન મળે છે.
- સાતમનું શ્રાદ્ધ કરવાથી રાજયોગ મળે છે.
- આઠમનું શ્રાદ્વ કરવાથી ઉત્તમ પ્રકારની ઉન્નતિ મળે છે.
- નોમનું શ્રાદ્ધ કરવાથી ઉત્તમ પત્ની મળે છે.
- દસમનું શ્રાદ્ધ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
- અગિયારસનું શ્રાદ્ધ કરવાથી જ્ઞાન મળે છે.
- બારસનું શ્રાદ્ધ કરવાથી વિજય પ્રાપ્ત થાય છે.
- તેરસનું શ્રાદ્ધ કરવાથી દીર્ઘાયુ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
- ચૌદસનું શ્રાદ્ધ કરવાથી શસ્ત્ર કે વિકારથી મૃત્યુ પામેલા પિતૃઓને મોક્ષ મળે છે.
- અમાસને દિવસે શ્રાદ્ધ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે.