શ્રાદ્ધ વિવિધ પ્રકારનાં હોય છે, તે અંગેનો ખ્યાલ પુરાણો, સ્મૃતિઓ દ્વારા મળે છે. મનુસ્મૃતિમાં ત્રણ પ્રકારનાં શ્રાદ્ધ જણાવાયાં છે, જેને નિત્ય, નૈમિત્તિક તથા કામ્યના નામથી ઓળખવામાં આવે છે. યમ સ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવે છે. મુખ્ય ત્રણ શ્રાદ્ધ આ પ્રમાણે છે.
નિત્ય શ્રાદ્ધ
નિત્યનો અર્થ થાય છે દરરોજ. દરરોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. અસમર્થાવસ્થામાં માત્ર જળ દ્વારા પણ આ શ્રાદ્ધને સંપન્ન કરી શકાય છે.
નૈમિત્તિક શ્રાદ્ધ
કોઈને નિમિત્ત બનાવીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેને એકોદૃષ્ટિના નામથી પણ ઓળખવામાં આવે છે. એકોદૃષ્ટિનો અર્થ થાય છે કોઈ એકને નિમિત્ત માનીને કરવામાં આવતું શ્રાદ્ધ. જેમ કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દસમું, અગિયારમું વગેરે એકોદૃષ્ટિ શ્રાદ્ધ હેઠળ આવે છે.
કામ્ય શ્રાદ્ધ
કોઈ કામનાની પૂર્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે કામ્ય શ્રાદ્ધ અંતર્ગત આવે છે.
શ્રાદ્ધ સંસ્કાર
કાયાની સમાપ્તિ પછી પણ જીવનયાત્રા રોકાતી નથી. આગળનો ક્રમ ચાલતો જ રહે છે. તેને કારણે મરણોત્તર સંસ્કાર કરવામાં આવે છે. તેના દ્વારા પોતાની ક્ષમતા મુજબ પિતૃઓને સદ્ગતિ આપવા અને આશીર્વાદ મેળવવા માટે આ ક્રમને આગળ વધારવામાં આવ્યો છે. હિંદુ સંસ્કૃતિમાં જણાવાયું છે કે મૃત્યુની સાથે કોઈ વ્યક્તિના જીવનની સમાપ્તિ થતી નથી, કારણ કે અનંત જીવન શૃંખલાની એક કડી મૃત્યુ પણ છે. આથી સંસ્કારોના ક્રમમાં જીવની આ સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિતૃઓ જ્યારે એક જીવન પૂર્ણ કરીને બીજા જીવન માટે આગળ વધે છે ત્યારે પિતૃઓને મળનારું જીવન વધારે સુસંસ્કારવાન બને. આ નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે છે.
શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું?
હિંદુ સંસ્કૃતિમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તેનું એક વિશેષ મહત્ત્વ રહેલું હોય છે. કોઈ પણ કાર્ય કે સંસ્કાર કરવા પાછળનું કારણ અને તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની માહિતી વેદો અને પુરાણોમાં આપવામાં આવી છે. શ્રાદ્ધ વિશે પુરાણોમાં શું કહ્યું છે તે જાણીએ…
- બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ. પુણ્યતીર્થ, જંગલ, પર્વત અને દેવમંદિર તે બીજાની ભૂમિ ન કહેવાય, કારણ કે તેના પર કોઈનું સ્વામિત્વ નથી હોતું. (કૂર્મપુરાણ)
- શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે. (સ્કંદપુરાણ)
- શ્રાદ્ધમાં પહેલાં અગ્નિને ભાગ અર્પણ કરવામાં આવે છે. અગ્નિમાં હવન કર્યા પછી જે પિતૃઓના નિમિત્ત પિંડદાન કરવામાં આવે છે, તેને બ્રહ્મરાક્ષસ દૂષિત કરતા નથી. (મહાભારત)
- જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને પછી બીજા કોઈના ઘરે ભોજન કરે છે, તે પાપનો ભાગી બને છે અને તેને શ્રાદ્ધનું ફળ મળતું નથી. (સ્કંદપુરાણ)
- વસ્ત્ર વગર કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યયન અને તપસ્યા થતી નથી. આથી શ્રાદ્ધકાળમાં વસ્ત્રનું દાન કરવું જોઈએ. (બ્રહ્મપુરાણ)
- શ્રાદ્ધ અને હવનના સમયે એક હાથથી પિંડ તથા આહુતિ આપી શકો, પરંતુ તર્પણમાં બંને હાથથી જળ આપવું (અર્પણ) જોઈએ. (પદ્મપુરાણ, નારદપુરાણ, લઘુયમસ્મૃતિ, મત્સ્યપુરાણ, બ્રહ્મપુરાણ)