– ૩૧ જાહેર ભરણાં મારફત કંપનીઓએ રૂપિયા ૨૬૨૭૨ કરોડ ઊભા કર્યા :
– ૨૦૨૨-૨૩ના પ્રથમ ૬મહિનામાં ૧૪ આઈપીઓ મારફત કુલ રૂપિયા ૩૫૪૫૬ કરોડ ઊભા કરાયા હતા
Updated: Oct 1st, 2023
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશમાં જાહેર ભરણાં (આઈપીઓ)ની સંખ્યા ૨૦૦૭-૦૮ના પ્રથમ છ મહિના બાદ એટલે કે ૧૬ વર્ષમાં સૌથી ઊંચી રહી છે. ૨૦૦૭-૦૮ના એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહિનાના ગાળામાં કુલ ૪૮ આઈપીઓ લોન્ચ થયા હતા જે મારફત કંપનીઓએ રૂપિયા ૨૧૨૪૩ કરોડ ઊભા કર્યા હતા. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૩૧ આઈપીઓ મારફત કંપનીઓએ રૂપિયા ૨૬૨૭૨ કરોડ ઊભા કર્યા હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે.
ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં આઈપીઓની સંખ્યા બમણાથી પણ વધુ રહી છે, પરંતુ જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી રકમનો આંક ગયા વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળાની સરખામણીએ વર્તમાન વર્ષના આગાળામાં નીચો રહ્યો હતો.
૨૦૨૨-૨૩ના પ્રથમ ૬મહિનામાં ૧૪ આઈપીઓ મારફત કુલ રૂપિયા ૩૫૪૫૬ કરોડ ઊભા કરાયા હતા જ્યારે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૩૧ આઈપીઓ મારફત રૂપિયા ૨૬૨૭૨ કરોડ ઊભા કરાયા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
દેશમાં મિડ-કેપ તથા સ્મોલ-કેપમાં તેેજીને પગલે છેલ્લા બે મહિનામાં જાહેર ભરણાંની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો હતો.
માર્ચની નીચી સપાટીએથી બજારમાં આવેલા ઉછાળા તથા પૂરતી લિક્વિડિટીના ટેકા સાથે પ્રાઈમરી માર્કેટમાં પ્રવૃત્તિ વધી હોવાનું જોવા મળ્યું છે.
દેશમાં બૃહદ્ ઉપરાંત ભૌગોલિકરાજકીય સ્થિતિ સાનુકૂળ છે. વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બરને બાદ કરતા વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં નોંધપાત્ર રસ જોવા મળ્યો છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
એફપીઆઈએ પ્રથમ ૬ મહિનામાં ભારતીય સ્ટોકસમાં રૂપિયા ૧.૪૧ ટ્રિલિયન ઠાલવ્યા છે, જ્યારે ઘરેલું મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂપિયા ૫૦,૦૦૦ કરોડનો માલ લીધો છે.
આ ઉપરાંત રોકાણકારોને લિસ્ટિંગ બાદ સારા વળતર મળી રહ્યા હોવાથી પ્રાઈમરી માર્કેટમાં પણ તેમણે માનસ ઉત્સાહી જોવા મળી રહ્યું છે.