- પોલીસ સાથે તબીબોની ટીમ પણ ગ્રાઉન્ડમાં રહેશે હાજર
- હાર્ટ અટેકના વધતા કિસ્સાઓને લઈ આયોજકોની વ્યવસ્થા
- અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આયોજકોએ વ્યવસ્થા કરી
ગુજરાતમાં ગરબા આયોજનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પોલીસ સાથે તબીબોની ટીમ પણ ગ્રાઉન્ડમાં હાજર રહેશે. હાર્ટ અટેકના વધતા કિસ્સાઓને લઈ આયોજકોની વ્યવસ્થા રહેશે. તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આયોજકોએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. તેમજ યુવાનોમાં વધતા હાર્ટ અટેકને લઈ તમામ ચિંતિત છે.
ખોડલધામના બેનર હેઠળ 35 જગ્યાએ આયોજન થશે
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નવરાત્રી મહોત્સવના મામલે ખોડલધામના બેનર હેઠળ 35 જગ્યાએ આયોજન થશે. જેમાં અર્વાચીન રાસોત્સવનું આયોજન થશે. તેમજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આયોજન થશે. ત્યારે આયોજન સ્થળે મેડિકલ ઈમરજન્સી ટીમ અને 108 સ્ટેન્ડ બાય રાખવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ખોડલધામ ચિંતિત છે. કોઈ પણ અજુગતા બનાવ અટકાવવા ખોડલધામ પ્રયત્નશીલ છે તેમ હસમુખ લુણાગરિયાએ જણાવ્યું છે.
ગરબા આયોજકો મેદાનમાં જ મીની હોસ્પિટલની સુવિધા ઊભી કરશે
વડોદરા અને અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓને હાર્ટ એટેકથી રક્ષણ આપવા માટે આયોજકો દ્વારા ખાસ આયોજન કરાયું છે. જે મુજબ ગરબા આયોજકો મેદાનમાં જ મીની હોસ્પિટલની સુવિધા ઊભી કરશે. ખેલૈયાઓ સાથે ડોકટરોની ટીમો પણ ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે. ગુજરાતના અલગ-અલગ ત્રણ જિલ્લામાં બનેલી ઘટનાઓએ ઘણા ગરબારસિકોને હચમચાવી નાખ્યા છે. વાસ્તવમાં નવરાત્રી પહેલા જ ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે.